તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
એન્જીનીયર યુવાનની સંઘર્ષમય યાત્રા દરમિયાન સંબંધોના તાણાવાણા રજુ કરતી સસ્પેન્શ-કોમેડી ફિલ્મ ‘લોચા લાપસી'
આજથી સીનેમાઘરોમાં રીલીઝ : મલ્હાર ઠાકર, ચેતન ધનાણી, ચિરાગ વોરા અને વૈભવી ઉપાધ્યાય મુખ્ય ભુમિકામાં : ટાઇટલ સોંગ લોકહૈયે વસી ગયુ

રાજકોટ તા. ૨૦ : એક એન્જીનીયર યુવાનની અમદાવાદથી કચ્છ સુધીની યાત્રા અને એ દરમિયાન સંબંધોના તાણાવાણા રજુ કરતી સસ્પેન્શ સાથે કોમેડીથી ભરપુર ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી' આજથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે ફિલ્મની રસપ્રદ વાતો વાગોળતા મુખ્ય ભુમિકા નિભાવતા મલ્હાર ઠાકર, ચેતન ધનાણી અને ચિરાગ વોરાએ જણાવ્યુ હતુ કે આ ફિલ્મ સસ્પેન્શ સાથે કોમેડી પણ રજુ કરે છે. શરૂઆતથી માંડીને અંત સુધીની એવી ઘટમાળો રજુ થાય છે કે ખુદ દર્શકો પણ લોચા લાપસીનો અનુભવ કરશે. ટુંકમાં થોડીવાર માટે દર્શકોને ગંભીર પણ બનાવી દયે અને થોડીવારમાં હસાવીને હળવા પણ કરી દયે એવી આ ફિલ્મ છે.
મોટાભાગનું શુટીંગ અમદાવાદ વીરનગર હાઇવે ઉપર થયુ છે. સતત ૨૫ દિવસ સુધી પુરી ટીમે ૪૨ ડીગ્રી તાપમાન વચ્ચે રોડ ઉપર કામ કરવાનો એક અલગ જ અનુભવ આ ફિલ્મમાં મેળવ્યો હતો.
ફિલ્મની વાર્તાનો સાર જોઇએ તો ભાસ્કર નામનો એક એન્જીનીયર યુવાન છે જે અમદાવાદથી કચ્છ સુધીની સંઘર્ષમય યાત્રા કરે છે. આ યાત્રા દરમિયાન જ અન્ય પાત્રો તેમના સંપર્કમાં આવતા જાય છે અને પછી સંબંધોના તાણાવાળા ગુંથાતા જાય છે. એવી ઘટમાળો સર્જાય છે જેને લોચા લાપસી કહેવી પડે. ટુંકમાં ભરપુર કોમેડી રજુ કરવા પ્રયાસ થયો છે.
પુરા ર કલાકની સમય અવધીમાં આરંભથી અંત સુધી આ ફિલ્મમાં ‘ખબર છે?' શબ્દ વારંવાર પડઘાયા કરે છે. કઇક બન્યુ હોવા માટે આ શબ્દ સુચક છે. મતલબ કઇક લોચા લાપસી થયાનો અણસાર આપે છે.એન્જીનીયર ભાસ્કરનું પાત્ર અનેક ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલ કરનાર મલ્હાર ઠાકરે નિભાવ્યુ છે તો ચેતન ધાનાણી ઇન્સ્પેકટરના રોલમાં છે. ચિરાગ વોરા ડ્રાઇવરના રોલમાં અને વૈભવી ઉપાધ્યાય મિશ્રૃતાના રોલમાં છે.ફિલ્મનું ટાઇટલ સોંગ રીલીઝ પહેલા જ લોકહૈયે ચડી ચુકયુ છે. મ્યુઝીક ડાયરેકશન રાહુલ મુંજારાયનું છે અને લેખન કાર્ય મૌલિન પરમારે કર્યુ છે. દિગ્દર્શન કાર્ય સચિન બ્રહ્મભટે સંભાળ્યુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મલ્હાર ઠાકર, ચેતન ધનાણી, ચિરાગ વોરા નજરે પડે છે.
આજે રીલીઝ સમયે ‘લોચા લાપસી'ની ટીમે ભીની આંખે અભિનેત્રી વૈભવીને યાદ કરી
રાજકોટ : આજે મહારાષ્ટ્ર ગુજરાતના સીનેમાઘરોમાં ફિલ્મ ‘લોચા લાપસી' રીલીઝ થઇ ત્યારે પુરી ટીમે ભીની આંખે ફિલ્મમાં મિશ્રૃતાનું પાત્ર નિભાવનાર વૈભવી ઉપાધ્યાયને યાદ કરી હતી. કેમ કે તેણી આ ફાની દુનિયા છોડી ચુકી છે. વૈભવી માટે આ પહેલુ અને છેલ્લુ ફિલ્મ બની રહ્યુ. જો કે આ પહેલા તેણીએ સારાભાઇ વર્સીસ સારાભાઇમાં જાસ્મીનનું પાત્ર નિભાવી દર્શકોમાં સારી ચાહના મેળવી લીધી હતી. આજે તેણીને સૌએ ખુબ યાદ કરી હતી.
(3:26 PM IST)










