<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

કોઠારીયા રોડના યુવાનની ૧૩ લાખની કાર માધાપરનો હેમલ ભાડે લઇને ગયો તે ગયો!

મિત્ર કિશોરભાઇ મારફત પાંચ દિવસનું કહીને કાર લઇ ગયા પછી પાછો જ ન આવ્‍યોઃ મિલન ચોટલીયાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૨૦: ભાડેથી કાર લઇ પાછી નહિ આપી ઠગાઇ કરવાનો વધુ એક બનાવ નોંધાયો છે. કોઠારીયા રોડ પર રહેતાં યુવાને પોતાના મિત્ર થકી માધાપરના એક શખ્‍સને પાંચ દિવસ માટે ૧૩ લાખની ક્રેટા કાર રૂા. ૧૫ હજાર એડવાન્‍સ લઇને ભાડેથી આપી હતી. પરંતુ આ શખ્‍સે વધુ અઠવાડીયુ કાર રાખવી છે, ત્‍યાર પછી બે દિવસમાં આપી જઇશ કહી કાર પાછી ન આપતાં ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્‍ટેશન સામે રિધ્‍ધી હાઇટ્‍સ એપાર્ટમેન્‍ટ ૬/૬૦૩માં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મિલનભાઇ રમેશભાઇ ચોટલીયા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી જામનગર રોડ માધાપર ચોકડી પાસે સેલેનિયમ હાઇટ્‍સ ડી-વીંગ ફલેટ નં. ૩૦૧માં રહેતાં હેમલ બીપીનભાઇ વસાણી વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ છેતરપીંડીનો ગુનો નોંધ્‍યો છે.

મિલનભાઇએ જણાવ્‍યું છે કે મારો મિત્ર કિશોરભાઇ ધનસુખભાઇ સાપરા કોઠારીયા રોડ ગોપાલ હેરીટેઝ બ્‍લુ સ્‍કાય એપાર્ટમેન્‍ટમાં રહે છે અને ચારેક વર્ષથી ટેક્‍સી ચલાવે છે. દોઢેક વર્ષ પહેલા મેં મારા નામે ક્રેટા કાર જીજે૦૩એમએલ-૮૭૬૩ ખરીદી છે. આ કાર કોઇને ભાડેથી જોઇતી હોય તો મને જાણ કરવા મિત્ર કિશોરભાઇને મેં કહ્યું હતું. હું કડીયા કામ કરતો હોઇ જેથી મિત્રને ભાગીદારીમાં રાખ્‍યા હતા. દરમિયાન ૩૦/૩ના રોજ મિત્ર કિશોરભાઇએ કહેલુ કે મારા રેગ્‍યુલર ગ્રાહક માધાપરના હેમલ વસાણી છે અને તેને હું બે વર્ષથી ઓળખુ છું. તેને પાંચ દિવસ માટે કાર ભાડેથી જોઇએ છે.

આથી મેં રોજના રૂા. ૩૫૦૦ ભાડુ કહેતાં તે ગોંડલ રોડ મહિરાજ હોટેલ પાસેથી કાર ભાડે લઇ ગયો હતો. એડવાન્‍સમાં તેણે મને ૧૫૦૦૦ આપ્‍યા હતાં. પાંચ દિવસ બાદ મેં હેમલભાઇને ફોન કરતાં તેણે કહેલું કે હજુ અઠવાડીયુ જોઇએ છે. ત્‍યાર પછી તેને ફોન કરતાં બે દિવસમાં આવી જઇશ તેવુ કહ્યું હતું. પરંતુ આજ સુધી કાર ન આપતાં અને ભાડુ પણ ન આપતાં અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. મારા મિત્ર કિશોરભાઇ પાસેથી તેનો પરિચીત એવો હેમલ મારી ૧૩ લાખની કાર લઇ ગયો હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ આર. ડી. ગોહિલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:26 PM IST)