તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જાગનાથ મંદીર પાછળના વિસ્તારોમાં તસ્કરોનો ત્રાસ
દિવસે અને રાત્રે નાની મોટી ચોરીઓ થતાં રહીશોમાં ચિંતાની લાગણી : પોલીસ પેટ્રોલીંગની માંગણી

રાજકોટ,તા. ૨૦ અત્રેના જાગનાથ મંદીર પાછળના વિસ્તારોમાં છેલ્લાં કેટલાક સમયથી તસ્કરોનો ત્રાસ વધી જતાં આ વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે અને દિવસ તથા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલીંગની માંગણી કરવામાં આવી છે.
જાગનાથ મંદીર પાછળ આવેલ શેરી નં.૮, ૧૨ સહિતની શેરીઓમાં છેલ્લાં થોડા સમયથી ચોરીના બનાવો વધવા પામ્યા છે. થોડા દિવસ પહેલાં ઍક ઍપાર્ટમેન્ટમાંથી સાયકલની ચોરી થઈ હતી તો ગઈકાલે રાત્રે ચોકીદારના મોબાઈલની ચોરી થઈ હોવાની ફરિયાદ આ વિસ્તારના લોકોઍ કરી છે. લોકોના જણાવ્યા પ્રમાણે ચોરીના બનાવો રોજીંદા જેવા થઈ ગયા છે. નાની નાની ચોરીઓ માટે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતી નથી.
આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે ચોરીઓનો ત્રાસ વધી જતાં રહીશોમાં ચિંતાની લાગણી પ્રસરી છે ઍટલું જ નહી લોકોઍ રાત્રિના સમયે પેટ્રોલીંગની પણ માંગણી કરી છે. જે ઍપાર્ટમેન્ટમાં સી સી ટીવી કેમેરા નથી ત્યાં વધુ ચોરીઓ થતી હોવાનું લોકોના ધ્યાનમાં આવ્યું છે. આ વિસ્તારમાં આવેલા દરેક ફલેટમાં ચોકીદાર હોય છે પરંતુ તેની નજર ચુકવીને પણ ચોર લોકો કળા કરી જતાં હોય છે.
(4:13 PM IST)










