News of Tuesday, 24th September 2024
છોટુનગરમાં ત્રણ બુકાનીધારી ત્રાટક્યાઃ બંધ ઘરના તાળા તોડી પંદર મિનીટમાં ૩.૭૫ લાખ ઉસેડી ગયા
ઘરધણી એસ્ટેટ બ્રોકર છેલશંકરભાઇ રાવલ તેમના પત્નિને લઇ જેતપુર દિકરીના ઘરે ગયા હતાં: ૧૫મીથી ઘર બંધ હતું: ગાંધીગ્રામ પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમોએ તપાસ આરંભી

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ પર હનુમાન મઢી નજીક છોટુનગર સોસાયટી-૩માં હનુમાનજીના મંદિરવાળી શેરીમાં વ્રજરજ નામના મકાનમાં રહેતાં અને એરપોર્ટ રોડ પર ઓમ એસ્ટેટ નામે જમીન-મકાન લે વેંચનું કામ કરતાં છેલશંકરભાઇ શંભુશંકરભાઇ રાવલ (ઉ.વ.૭૧)ના બંધ મકાનને નિશાન બનાવી બુકાનીધારી ચોર રૂપિયા ૩,૭૫,૦૦૦ની માલમત્તા ઉસેડી જતાં ગાંધીગ્રામ પોલીસ, એલસીબી, ડીસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી છે. ગઇકાલે વહેલી સવારે ત્રણ ચોર મોટરસાઇકલ પર આવ્યા હતાંઅને ઘરથી થોડે દૂર વાહન પાર્ક કરી ચાલીને ઘરમાં ઘુસી પંદરેક મિનીટમાં ચોરી કરી ભાગી ગયા હતાં. આ ત્રણેયએ બુકાની બાંધેલી હતી. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થઇ રહી છે.
આ બનાવમાં પોલીસે છેલશંકરભાઇ રાવલની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરુ છું અને મારે સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. દિકરી જેતપુર સાસરે છે અને એક દિકરો સુરત તથા બીજો દસેક વર્ષથી દુબઇ રહે છે. તા. ૧૪/૯ના મારા દિકરી પલ્લવીબેન જેતપુરથી રાજકોટ પ્રસંગમાં આવ્યા હોઇ મારા ઘરે રોકાયા હતાં. ૧૫મીએ સાંજે ચારેક વાગ્યે હું અને મારા પત્નિ ભારતીબેન દિકરીને મુકવા તેના ઘરે જેતપુર ગયા હતાં. ૨૩/૯ના પણ અમે દિકરીના ઘરે જેતપુર હતાં ત્યારે પડોશી કિર્તીભાઇ ભાયલાલભાઇ સોનીએ મને ફોન કરી જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજાનો નકુચો તૂટેલો છે.
આ પછી મેંમારા નાના ભાઇ ભગવતીભાઇ રાવલ જે મીરનગરમાં રહે છે તેમને ફોન કરી મારા ઘરે મોકલ્યા હતાં અને અમે પણ જેતપુરથી રાજકોટ આવવા રવાના થયા હતાં. બાદમાં અમે ઘરે પહોંચીને જોતાં મુખ્ય દરવાજાનો નકુચો તોડેલો હતો અને ઘરની અંદર જતાં અંદરના દરવાજાના નકુચા પણ તૂટેલા જણાયા હતાં. ત્યારબાદ રૂમમા જતાં સામાન અને કબાટ અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતાં. કબાટમાંથી સોનાની બંગડી દોઢ લાખની, પારાવાળી ત્રણ માળા એક લાખની, બુટી પચસા હજારની, વીટી પચ્ચીસ હજારની, ચાંદીના સાંકળા પાંચ્ હજારના, ચેઇન ચાલીસ હજારનો, રોકડા પાંચ હજાર મળી કુલ રૂા. ૩,૭૫,૦૦૦ની માલમત્તા ગાયબ જણાઇ હતી.
ચોર મુખ્ય દરવાજાના અને અંદરના રૂમના દરવાજાના તાળા-નકુચા તોડી હાથફેરો કરી ગયો હતો. આ બનાવ તા. ૧૫/૯ના સાંજના ચાર વાગ્યાથી ૨૩/૯ના સવારના આઠ સુધીમાં કોઇપણ સમયે બન્યો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડા, પીએઅસાઇ ગોહિલ, ડી. સ્ટાફની ટીમે તથા એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા તથા તેમની ટીમ અને ડીસીબીની ટીમે પણ ભેદ ઉકેલવા મહેનત શરૂ કરી છે.
દરમિયાન જાણવા મળ્યા મુજબ ચોર બુકાની બાંધીને આવ્યો હતો. તેણે જ્યાં ચોરી કરી એ ઘરથી થોડે દૂર પોતાનું મોટરસાઇકલ રાખ્યું હતું. પછી તાળા નકુચા તોડી અંદર ઘુસ્યો હતો. પંદરેક મિનીટમાં ચોરી કરી ભાગી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તે દેખાયો હોઇ તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
(11:48 AM IST)










