News of Tuesday, 24th September 2024
ભીસ્તીવાડના મોહસીન મોટાણીની ગૂંડાગીરીઃ જૂગારની બાતમી દીધાની શંકાએ કમલેશ ઉર્ફ ટીન્કુને ફટકારી રોકડ પડાવી
પોપટપરા કૃષ્ણનગરમાં ૨૦મીએ રાતે ડીસીબીએ દરોડો પાડી મોહસીન સહિત ૯ને દબોચ્યા હતાં :જામનગર રોડ પરસાણાનગરમાં રહેતાં સાયકલ સ્ટોર ચલાવતાં યુવાનને ફોન કરી પોપટપરામાં બોલાવ્યોઃ મોહસીન સાથે ભોમેશ્વરના જુબેર અને સદામે પણ પાઇપથી માર મારી પતાવી દેવાની ધમકી દીધીઃ ૮૨૦૦ પડાવી લીધાઃ પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૪: પાંચ દિવસ પહેલા ડીસીબીની ટીમે પોપટપરા કૃષ્ણનગર-૬માં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જામેલા જૂગારધામ પર દરોડો પાડી મોહસીન મોટાણી સહિત ૯ શખ્સોને ઝડપી લીધા હતાં. દરમિયાન મોહસીન સહિત ત્રણ શખ્સોએ આ જૂગારની બાતમી પરસાણાનગરમાં રહેતાં સાયકલ સ્ટોર ચલાવતાં યુવાને પોલીસને આપી હોવાની શંકા કરી તેને લોખંડના પાઇપથી અને ઢીકાપાટુનો માર મારી તેની પાસેથી રોકડા રૂપિયા પડાવી લઇ તેમજ મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરસાણાનગર-૧ સુંદરમ્ પાનની પાછળ રહેતાં અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોકુલધામ ખાતે કમલેશ સાયકલ સ્ટોર નામે દૂકાન ચલાવતાં કમલેશભાઇ ઉર્ફ ટીન્કુ ગોવિંદભાઇ નેભાણી (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી મોહસીન મોટાણી, જુબેર ઉર્ફ ટીન્કુ અને સદામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં કમલેશભાઇ ઉર્ફ ટીન્કુએ જણાવ્યું છે કે ૨૨/૯ના રાતે સવા બારેક વાગ્યે પોપટપરા દેવી હોલ પાછળની શેરીમાં મોહસીને મને ફોન કરીને બોલાવ્યો હોઇ હું ત્યાં જતાં મોહસીન તથા ભોમેશ્વરમાં રહેતો જુબેર ઉર્ફ ટીન્કુ અને સદામ ત્યાં હાજર હતાં.
મોહસીને મને કહેલું કે તે બાતમી આપી ૨૦/૯ના રાતે જુગારનો દરોડો પડાવ્યો હતો. આ પછી ત્રણેય જણાએ થઇ મને લોખંડના પાઇપથી અને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો અને ગાળો દીધી હતી. તેમજ સદામે મારી પાસેથી બળજબરીથી રૂા. ૮૨૦૦ પડાવી લીધા હતાં. ત્યારે મેં તેને મારું મોટરસાઇકલ અને મોબાઇલ ફોન પણ જોઇતા હોય તો લઇ જાવ તેમ કહેલું. પણ તે આ વસ્તુ લઇ ગયા નહોતાં. એ દરમિયાન લોકો ભેગા થઇ જતાં મને વધુ મારથી બચાવ્યો હતો. મોહસીને જતાં જતાં મને કહેલું કે હું તને જાનથી મારી નાખીશ.
ત્યારબાદ મેં મારા ભાઇને ફોન કર્યો હતો. જે તે વખતે મેં ફરિયાદ નોંધાવી નહોતી. પણ બાદમાં મારા બહેન અને ઘરના બીજા લોકોને વાત કરતાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ડીસીબીના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં પોપટપરા કૃષ્ણનગર-૬ના ખુણે ૨૦મીએ રાતે દરોડો પાડયો હતો અને તીનપત્તીનો જૂગાર રમતાં મોહસીન સલિમભાઇ મોટાણી (ઉ.૩૪-ધંધો ડીસ કનેકશન, રહે. પરસાણાનગર-૬, જામનગર રોડ), માજીદ જુસબભાઇ દલવાણી (ઉ.૨૭-ધંધો ડ્રાઇવીંગ, રહે. જંકશન પલોટ-૧ ફાતીમા મંજીલ ભીસ્તીવાડ) સહિત નવને પકડી ૧,૩૦,૬૦૦ની રોકડ કબ્જે કરી હતી. જામીન પર છુટી મોહસીને વધુ એક ગુનો આચર્યો હતો.
(3:17 PM IST)










