<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

હાશ... રાજકોટ ખાડામુકત બનશે : શુક્રવારથી કામનો થશે પ્રારંભ

ત્રણેય ઝોનમાં તબક્કાવાર રસ્‍તાના ડામર પેચવર્ક શરૂ થશે : ૧૫ દિ'માં કામ પૂર્ણ થશે : સરકાર દ્વારા રસ્‍તા રીપેરીંગ માટે ૬૦.૭૨ કરોડ ફાળવાયા

રાજકોટ તા. ૨૪ : ભારે વરસાદને પગલે રસ્‍તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શકયું બન્‍યું હતું. અલબત વરસાદ દરમ્‍યાન મેટલથી રસ્‍તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવનાર હોવાનું મનપા તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું. જેમાં મુખ્‍ય રસ્‍તાઓને પ્રાધાન્‍ય આપવામાં આવી રહ્યું છે.

શહેરમાં ગત સપ્તાહ ૪ દિવસ પડેલા  ૩૧ ઇંચથી વધુ વરસાદે ટાઢક તો કરાવી દીધી છે, પરંતુ રસ્‍તા, ભૂગર્ભ લાઇનો, સાધનોને ભારે નુકસાની થઇ છે. હવે આ સંજોગોમાં  ઉઘાડ નીકળ્‍યા બાદ મનપા તંત્ર દ્વારા  રોડને થયેલા નુકસાનનો  સર્વે  થતા શહેરના ૩૫ કિલોમીટરના રસ્‍તાઓ ખરાબ તથા અનેક વિસ્‍તારોમાં ૧૨૦૦૦થી વધુ ખાડાઓ થયાનું અને આ રિપોર્ટનો અહેવાલ સરકારમાં મોકલ્‍યો હતો અને સરકાર દ્વારા રોડ - રસ્‍તા સમારકામના ૬૦ કરોડ ફાળવ્‍યા છે.

શહેરમાં સતત પડેલા ભારે વરસાદના પગલે રોડ રસ્‍તાઓનો કચ્‍ચરઘાણ બોલી ગયો છે. મુખ્‍ય માર્ગો ઉપર ડામર રોડ ધોવાઈ જતાં મોટા ગાબજડાઓ પડવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્‍યા છે. તેવી જ રીતે સોસાયટીઓમાં રસ્‍તાઓ તુટી જતાં અમુક લોકોને ઘર સુધી પહોંચવું મુશ્‍કેલ બન્‍યું છે. વરાપ નિકળતા જ મનપાએ તમામ વોર્ડમાં ખાડાઓ અને તુટેલા રસ્‍તાઓનો સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ રજૂ થતાં જાણવા મળેલ કે, મુખ્‍ય માર્ગો ઉપર ૧૨૦૦૦થી વધુ ખાડાઓ પડ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. જેની સામે ૩૫ કિ.મી.ના રસ્‍તાઓ તુટી ગયા હોવાનું પણ જણાવ્‍યું છે.

જેમાં ૩૫ કિ.મી.ના રસ્‍તાઓ ધોવાઇ ગયાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું હતું.

શહેરમાં તુટી ગયેલા રસ્‍તાઓ અને ધોવાઈ ગયેલા રોડનું મરમતનું કામ હાલ ચાલુ કરવામાં આવ્‍યું છે. બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ વરસાદી માહોલ હોવાના કારણે ડામર પેચવર્ક કામ થઈ શકે તેમ ન હોય ફક્‍ત મોરમ અને બ્‍લોક નાખી ખાડાઓ પુરવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન એટલે શુક્રવારથી ગરબી ચોક તથા ખાડાઓ પર પેચવર્ક શરૂ થશે તેમ મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું છે.

દરમિયાન આજે સેન્‍ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૭ અને ૧૪, તથા વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નંબર ૧૧ અને ઇસ્‍ટ ઝોનમાં ૪ માં કામગીરી કરવામાં આવી હતી તેમજ આવતીકાલે સેન્‍ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨, ૭, ૧૩ અને ૧૪ તેમજ વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ અને ૧૨ અને ઇસ્‍ટ ઝોનમાં વોર્ડ નં.૪ માં રસ્‍તામાં ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવશે.

(3:26 PM IST)