News of Wednesday, 25th September 2024
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં બુટલેગરોના ગેરકાયદેસર મકાનોનો બુકડો
ભારે વિરોધ વચ્ચે સાડા ચાર કલાક બાદ ડિમોલીશન : પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોની અટકાયત : શ્રીનાથજી પાર્કમાં તંત્રના સાર્વજનિક પ્લોટમાં ખડકાયેલા બાંધકામોમાં દારૂનું વેચાણ થતાં હોવાના આક્ષેપો થયા હતાં : થોડા દિવસો અગાઉ જનતા રેડ થઇ ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સુચના આપી હતીઃ સવારે સિધ્ધાર્થ પરમાર સહિતના આગેવાનો સ્થળ પર દોડ્યા હતાઃ રહેવાસીઓએ ખોટી રીતે ડિમોલીશન થઇ રહ્યાનો રોષ ઠાલવ્યો હતો

ચાર કલાક બાદ મનપાનું બુલડોઝર ધણધણ્યું : શહેરના અંબિકાટાઉનશીપ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પાર્કમાં તંત્રના સાર્વજનિક પ્લોટમાં ખડકાયેલ ગેરકાયદેસર ૧૦ થી ૧૨ મકાનો તોડી પાડવા મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સવારના ૯ વાગ્યે કાર્યવાહી હાથ ધરવામાં આવતા રહેવાસીઓએ વિરોધ કરતા સાડા ચાર કલાક કામગીરી અટકી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત માંગ્યા બાદ ડિમોલીશનની કાર્યવાહી સ્થાનિકોના વિરોધ વચ્ચે શરૂ કરી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર સહિતના આગેવાનો અને વિસ્તારવાસીઓએ કામગીરી અટકાવવા પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ તા. ૨૫ : શહેરના અંબિકાટાઉનશીપ વિસ્તારમાં મનપા તંત્રના સાર્વજનિક પ્લોટમાં ખડકાયેલા બુટલેગરોના મકાનોનું ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલા જ વિસ્તારવાસીઓએ વિરોધ કરતાં સાડા ચાર કલાક કામગીરી અટકી હતી અને તંત્ર દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત મંાગવામાં આવ્યો છે.આ સમયે ભાજપના પુર્વ ધારાસભ્ય લોકો સાથે જોડાયા હતા. આ કાર્યવાહી દરમિયાન તેઓએ વિરોધ કરતા સિધ્ધાર્થ પરમાર સહિતના ચારથી પાંચ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
મનપા તંત્ર દ્વારા બપોરના ૧.૩૦ વાગ્યા આસપાસ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ૧૦ થી ૧૨ મકાનો તોડી પાડયા હતા.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧૧માં અંબિકા ટાઉનશીપ વિસ્તારના શ્રીનાથજી પાર્કમાં તંત્રના સાર્વજનિક પ્લોટમાં ખડકાયેલ ગેરકાયદેસર સાત થી આઠ મકાનોનું ડિમોલીશન કરી કરોડોની કિંમતની જગ્યા ખુલ્લી કરવા આજે સવારે મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા બુલડોઝર સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલા જ રહેવાસીઓએ વિરોધ કરતા કામગીરી અટકી જવા પામી હતી. આ કાર્યવાહી માટે મ્યુ.કોર્પોરેશને વધુ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. પોલીસ તંત્રનો પૂરતો બંદોબસ્ત મળતા મનપા તંત્ર દ્વારા બપોરે ૧.૩૦ કલાકે આ ગેરકાયદે ૧૦ થી ૧૨ મકાનો પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ ડીમોલીશનની કાર્યવાહી થતાં તંત્રવાહકોમાં હાશકારો અનુભવાયો હતો.
આ વિસ્તારવાસીઓએ જણાવ્યું હતું કે, અમારા મકાનો સર્વે નંબર ૧૯૭માં છે અને અમને ૧૯૬ની નોટિસ આપવામાં આવી છે. ત્રણ વખત નોટિસ અપાઇ છે. અને ગઇકાલે જણાવ્યું હતું કે, તમે મકાન ખાલી કરી નાખો અમે આવતીકાલે તમારા મકાનો પાડી નાખીશું. અમે તેમને કહ્યું કે, જયાંથી તમારો રોડ નીકળતો હોય તેટલું પાડી નાખો.
અગાઉથી નોટિસ પણ અપાઈ હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો.
અત્રે નોંધનીય છે કે, અહીં સરાજાહેર દારૂનું વેચાણ થતું હોય જનતા રેડ પડેલ ત્યારે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે વચન આપેલ કે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરાવી નંખાશે
અમારી પાસે ૨૫ વર્ષ જુના નકશા : કયો પુરાવો સાચો : લત્તાવાસીઓનો સવાલ
લત્તાવાસીઓએ આક્ષેપ કરતા જણાવેલ કે, રોડ અમારી આગળની સાઇડ ગોલ હાઇટસ પાસેથી જતો હતો. અમે ગરીબ માણસો છીએ. અને પૈસા આપવાની તાકાત નથી. આ પહેલા આ માટે ૧૦ લાખ માગ્યાના આક્ષેપ કર્યો હતો. તેઓ જે નકશા બતાવે છે તે નવા નકશા છે. અમારી પાસે તો ૨૫ વર્ષ પહેલાના નકશા અને પુરાવા છે. તો કયો પુરાવો સાચો કહેવાય ? આમા ગરીબ માણસ શું કરે ? તેવા સવાલો ઉઠાવ્યા છે.

મનપા તંત્ર પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવે : કાલથી ઝુંપડપટ્ટી બચાવ આંદોલન : સિધ્ધાર્થ પરમાર
પૂર્વ ધારાસભ્ય સિદ્ઘાર્થ પરમારે કહ્યું કે, આ જગ્યા આ લોકોએ વેચાતી લીધી છે. ગરીબોના ભોગે વિકાસ ન થવો જોઇએ. ગરીબ લોકોને મનપા વૈકલ્પિક જગ્યા આપે. રાજકોટમાં ૮૦ ટકા સોસાયટીઓ સૂચિત છે. અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. જયાં સુધી ગરીબોને વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી અમે ડિમોલેશન નહીં કરવા દઇએ. મહાનગરપાલિકા ઝુપડપટ્ટી હટાવતા પહેલાં વૈકલ્પિક જગ્યા આપે નહીંતર અમારું આંદોલન યથાવત રહેશે.
(3:51 PM IST)










