<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

તબિબ ભાઇ સાથે રહી અનુભવ મેળવ્‍યો હતો,તેના આધારે શૈલૈષ ડોકટર બનીને બેસી ગયો'તો! એસઓજીએ દબોચ્‍યો

કુવાડવામાં નકલી ડોક્‍ટર પકડાયોઃ દર્દી પાસેથી ૫૦ થી ૧૫૦ ફી વસુલતોઃ અમુકને તો બાટલા પણ ચડાવી દેતો હતો : પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરિયાણી, રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ સહિતની ટીમની કાર્યવાહી; એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલાની સફળ બાતમી

રાજકોટ તા. ૨૫: અવાર-નવાર લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતા ડુપ્‍લીકેટ-નકલી ડોક્‍ટરો પકડાતાં રહે છે. શહેર એસઓજીની ટીમે વધુ એક વખત બોગસ ડોક્‍ટરને દબોચ્‍યો છે. કુવાડવા ગામમાં ભારતીય જનઓૈષધી કેન્‍દ્રની સામે ખોડિયાર કૃપા નામના મકાનમાં ડીગ્રી વગરનો ડોકટર દવાખાનુ ધમધમાવતો હોવાની માહિતી પરથી દરોડો પાડી તેને પકડી લીધો હતો. આ શખ્‍સનો ભાઇ બીએચએમએસ ડોક્‍ટર હોઇ તેની સાથે રહી અનુભવ મેળવ્‍યો હોઇ તેના આધારે બારવણ ગામનો આ શખ્‍સ ડોક્‍ટર બની બેઠો હતો. તેની સામે કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો હતો. પાંચ છ મહિનાથી તે આ દવાખાનુ ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી.

જાણવા મળ્‍યામ ુજબ લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં હોય તેના નકલી ડોક્‍ટરોને શોધી કાઢવા અને કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે કુવાડવામાં ખોડિયાર કૃપા મકાનમાં દવાખાનુ ચાલી રહ્યું છે તેમાં નકલી ડોક્‍ટર બેસે છે. આથી ટીમ ત્‍યાં ત્રાટકી હતી અને તપાસ કરતાં ખુરશી પર એક શખ્‍સ સ્‍ટેથોસ્‍કોપ સાથે બેઠેલો જણાયો હતો. તેને એસઓજીએ ઓળખ આપી હતી અને તેની પાસે તબિબી પ્રેકટીસને લગતી ડીગ્રી કે કોઇ સર્ટિફિકેટ હોય તો જણાવવાનું કહેતાં ગલ્લા તલ્લા કર્યા બાદ પોતાની પાસે કોઇ ડિગ્રી નહિ હોવાનું કબુલ્‍યું હતું.

પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ શૈલેષ ભગવાનજીભાઇ સાકરીયા (ઉ.વ.૩૪-રહે. બારવણ, રાજકોટ) હોવાનું કહ્યું હતું. પોલીસે તેની સામે બીએનએસ ૩૧૯, મેડિકલ પ્રેકટીશનર એક્‍ટની કલમ હેઠળ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવી ધરપકડ કરી હતી. તેમજ દવાખાનામાંથી અલગ અલગ દવાઓ, ઇન્‍જેક્‍શન, સ્‍ટેથોસ્‍કોપ સહિતના સાધનો અને રોકડા રૂ. ૬૦૦ મળી રૂા. ૩૦૭૨૭નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

શૈલેષની એસઓજી ટીમે પુછતાછ કરતાં કહ્યું હતું કે પોતાનો ભાઇ બીએચએમસ ડોક્‍ટર હોઇ તેની સાથે પોતે રહેતો હોઇ  તેના કારણે અનુભવ મેળવી તેના આધારે ડોક્‍ટર બનીને બેસી ગયો હતો. છએક મહિનાથી દવાખાનુ ચાલુ કર્યાનું અને ૫૦ થી ૧૦૦, ૧૫૦ જેવી ફી લેતો હોવાનું રટણ કર્યુ હતું. આ નકલી ડોક્‍ટર અમુક દર્દીઓઅને જરૂર પડયે ઇન્‍ડોર પેશન્‍ટ તરીકે દાખલ કરી બાટલા પણ ચડાવી દેતો હતો અને લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ગંભીર બેદરકારી દાખવતો હતો. વધુ તપાસ હેડકોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયા ચલાવી રહ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજઋિસંહ જાડેજા, કોન્‍સ. અમિતભાઇ ટુડીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૮)

(3:51 PM IST)