<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

કનકનગરમાં કુરીયર પેઢીમાંથી ૪.૬૫ લાખની ચોરીઃ ચડ્ડી-શર્ટધારી ચોર સીસીટીવીમાં દેખાયો

પેઢી સંચાલકના ભત્રીજા હર્ષ પડીયાની ફરિયાદ નોંધવા તજવીજઃ થોરાળા પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમો દ્વારા ભેદ ઉકેલવા મથામણ

જ્‍યાં ચોરી થઇ તે આઇ સ્‍પીડ કુરીયર સર્વિસ પેઢી, તૂટેલો કબાટ, ઓફિસમાં બધુ વેરવિખેર અને ઓફિસ સંચાલક જસુભાઇ  પડીયા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેર અને આસપાસના ગ્રામ્‍ય પંથકમાં ચોરટાઓએ ઉપાડો લીધો છે. ત્રંબામાં રૈયાણી પરિવારના ઘરમાં લાખોની ચોરીની ઘટનામાં તપાસ ચાલી રહી હતી ત્‍યાં શહેરના સામા કાઠે કનકનગરમાં આંગડિયા પેઢીની ઓફિસના તાળા તોડી લાખોની ચોરી થયાની જાણ થતાં થોરાળા પોલીસ સ્‍ટેશન, ડીસીબી, એલસીબીની ટીમોએ દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેરના સંત કબીર રોડ પર કનકનગર-૯માં આવેલી આઇ સ્‍પીડ કુરીયર સર્વિસની ઓફિસમાં ચોરી થયાની જાણ થતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. એન. વાઘેલા અને ડી. સ્‍ટાફની ટીમે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પેઢી ખાતે હાજર સંચાલકના ભત્રીજા હર્ષભાઇ ભરતભાઇ પડીયાએ જણાવ્‍યું હતું કે તસ્‍કર મુખ્‍ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસ્‍યો હતો. સીસીટીવી ચેક કરતાં ચડ્ડી અને શર્ટ પહેરેલો એક શખ્‍સ રાતે ૩:૨૫ કલાકે ડીસમીસ જેવા હથીયારથી તાળુ તોડી અંદર ઘુસતો અને બાદમાં વીસેક મિનીટમાં ચોરી કરી ભાગી જતો દેખાયો હતો. તસ્‍કર ચાંદીનો કંદોરો એક તથા રોકડા ૪.૬૦ લાખ મળી કુલ ૪ લાખ ૬૫ હજારની ચોરી કરી ગયો હતો. કોઇ વેપારીને પેમેન્‍ટ ચુકવવાનું હોઇ તેના માટે રકમ રાખી હતી.

સવારે હર્ષભાઇના કાકી ઓફિસની સાફસફાઇ માટે આવ્‍યા ત્‍યારે તાળુ નકુચો તૂટેલા દેખાતાં ચોરીની જાણ થઇ હતી. ચડ્ડી શર્ટ પહેરેલો તસ્‍કર જાણભેદુ છે કે કેમ? તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:09 PM IST)