News of Wednesday, 25th September 2024
પોણા ત્રણ કરોડની વેટ ચોરીના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. 25: શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક ભાગ્યલક્ષ્મી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી નેશનલ સેલ્સ કોર્પોરેશન નામની પેઢી દ્વારા રૂ.2.80 કરોડની વેટ ચોરી કરી સરકારી તિજોરી ને નુકશાન કર્યાના કેસમાં અદાલતે અકરમ રજાક પતાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક ભાગ્યલક્ષ્મી કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલ નેશનલ સેલ્સ કોર્પોરેશન નામની પેઢીમા કોટન, કપાસ, સોયાબીન અને ઓઇલના ફેર વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા વાણિજય વેરા નિરીક્ષક દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેની તપાસમાં વેપારી દ્વારા સરકારી આવકને નુકસાન કરવાના હેતુથી બોગસ બીલિંગ કરી વેરો ઉઘરાવી સરકારી તિજોરીમાં જમા ન કરાવી રૂ.2.80 કરોડની વેટ ચોરી કર્યાની પેઢીના સંચાલક અકરમ રજાક પતાણી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં 8 મૌખીક તથા 10 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં તપાસેલા હતા. બચાવપક્ષના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં જેટલા સાહેદોને તપાસવામાં આવેલા છે તેઓએ વેરા ચોરી બાબતની જાત માહિતી હોય એવું રેકડ પર આવેલ નથી. દસ્તાવેજો રજુ થયેલા દસ્તાવેજો સીસ્ટમમાંથી કાઢેલી પ્રીન્ટ પર આધાર રાખી આરોપીને સજા થઈ શકે નહી કારણ કે દસ્તાવેજમાં કન્ટેન્ટ પુરવાર કરવા પડે છે જે આ કામે પુરવાર થઈ શકેલ નથી. હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓની છણાવટ કરેલી. કોર્ટે બચાવપક્ષના એડવોકેટની દલીલો ગ્રાહય રાખી અકરમ પતાણીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ રઘુવીર આર. બસીયા, એમ.એસ.ડોડીયા અને સુધા કે. ચોવટીયા રોકાયા હતા.
(4:30 PM IST)










