<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પ્રતિષ્‍ઠીત આર.કે. ગ્રુપના વડા સર્વાનંદ સોનવાણીને ગ્રેટર ચેમ્‍બર દ્વારા બિઝનેશ આઇકોન એવોર્ડ એનાયત

એવોર્ડથી જવાબદારી વધી- ઉચ્‍ચકક્ષાના નિર્માણની પ્રેરણા મળશેઃ સર્વાનંદભાઇ સોનવાણી

રાજકોટ તા.૨૫: શહેરમાં અનેક વિશાળ બાંધકામ પ્રોજેકટનું નિર્માણ કરનાર આર.કે. ગ્રુપના વડા શ્રી સર્વાનંદ સોનવાણીને ગ્રેટર ચેમ્‍બર દ્વારા બિઝનેશ આઇકોન એવોર્ડ એનાયત થયો છે.

ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ડાયરેક્‍ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ભારત સરકાર) અને પંજાબ નેશનલ બેંકના સંયુક્‍ત ઉપક્રમે તાજેતરમા ભવ્‍ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું જેમાં ગ્રેટર ચેમ્‍બર બિઝનેસ આઈકોન એવોર્ડ સમારોહ યોજવામાં આવ્‍યો. આ વર્ષે આ બિઝનેસ આઈકોન એવોર્ડ વિવિધ ત્રણ સંનિષ્ઠ ઉદ્યોગપતિઓને એનાયત કરવામાં આવ્‍યા હતા જેમાં  સર્વાનંદ સોનવાણી (આર.કે ગ્રુપ), અજીત ચાવલા (સિંધલ પાવર પ્રેસિજ) અને બીપીન વિરડીયા (તન્‍વી ગોલ્‍ડ કાસ્‍ટ) નો સમાવેશ થાય છે.

ઉપરોક્‍ત ત્રણેય મહાનુભાવોને એવોર્ડ અર્પણ અને અભિનંદન આપતા બીએપીએસના સંત શ્રી જ્ઞાનવત્‍સલ સ્‍વામી એ જણાવ્‍યું હતું કે જે ઉદ્યોગપતિઓને એવોર્ડ મળ્‍યા છે તેમને અભિનંદન આપું છું અને જેવો હજુ આ એવોર્ડ સુધી નથી પહોંચ્‍યા તેમને વધુ મહેનત કરવા વધુ સ્‍માર્ટવર્ક કરવાની પ્રેરણા આપું છું.

જ્ઞાન વત્‍સલ સ્‍વામી એ જાણીતા આર કે ગ્રુપના વડા સર્વાનંદ સોનવાણી પરિવાર વિશે કહ્યું કે તેઓ એક સાત્‍વિક ભૂમિકા ધરાવે છે અને ખૂબ જ ખંત તથા મહેનતથી આગળ આવ્‍યા છે. અમારે મંદિરે અને ધર્મતીર્થોેએ પણ મેં તેમને જોયા છે. ઉદ્યોગપતિઓએ અને સમાજે આ સોનવાણી બંધુઓના સંપ માંથી ઘણું શીખવા જેવું છે તેઓનું ઔદ્યોગિક ડેડીકેશન છે એવું જ ધાર્મિક ડેડીકેશન પણ છે. પૂજ્‍ય સ્‍વામીએ આ બાંધકામ જૂથને હજુ વિશેષ પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે બિઝનેસ આઈકોનિક એવોર્ડ સ્‍વીકારતી વેળાએ આર.કે ગ્રુપના વડા શ્રી સર્વાનંદ સોનવાણીએ જણાવ્‍યું કે રાજકોટને અતિ આધુનિક કોર્પોરેટ હાઉસ આપવા નિવાસીઓને રિસોર્ટ લિવિંગ નો અનુભવ આપનારા ફ્‌લેટ આપવા અને ઉદ્યોગપતિઓને વિશાળ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર સાથેના ઇન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટ આપવા એ દિશામાં અમે કામ કરીએ છીએ અમને મળેલો આ એવોર્ડ અમારી જવાબદારી વધારે છે અને અમને સમાજ માટે ઉચ્‍ચકક્ષાના નિર્માણ પ્રસ્‍તુત કરવાની પ્રેરણા આપે છે.  સર્વાનંદ સનવાણીએ વધુમાં કહ્યું કે આ એવોર્ડ અમારી ટીમ તથા અમારા નાનામાં નાના કર્મચારી અને કામદારનું પણ જાહેર સન્‍માન છે તેથી હું નિર્ણાયકોનો આભારી છું.

ઉલ્લેખનીય છે કે ગ્રેટર ચેમ્‍બર દ્વારા રાજકોટ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં પોતાની વર્ષોની મહેનત, કુનેહ અને આગવી સુજથી રોશન કરનાર ઉદ્યોગપતિઓને સન્‍માનિત કરવાનો નવીનતમ અભિગમ ચાલે છે જેના અંતર્ગત આજ સુધીમાં વિવિધ ૫૧ ઉદ્યોગપતિઓને સન્‍માનવામાં આવ્‍યા છે.

આ કાર્યક્રમમાં વિવિધ નિષ્‍ણાત અધિકારીઓ દ્વારા એક્ષપોર્ટ ધિરાણ, સોલાર પ્રોજેક્‍ટ ધિરાણ, MSME ધિરાણ તથા એગ્રો ફૂડ પ્રોસેસિંગ ધિરાણ વિશે તજજ્ઞ કક્ષાના વ્‍યાખ્‍યાત-માર્ગદર્શન આપવામાં આવ્‍યા હતા. ભારત સરકારના વાણિજય મંત્રાલય હસ્‍તકના ડાયરેક્‍ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ વિભાગના જોઇન્‍ટ ડાયરેક્‍ટર રોહિત સોનીએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.

(4:12 PM IST)