હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાના મવા સર્કલ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર બીઆરટીએસ બસનો ચાલક સકંજામાં
ખોડીયારનગરના સોનલબેન પડસાણીયા ઘરકામ કરી બીઆરટીએસ રૂટમાંથી રેલીંગ ઓળંગતા હતાં ત્યારે ઠોકરે ચડી ગયા હતાઃ ત્રણ સંતાન મા વિહોણા થયા

રાજકોટઃ નાના મવા સર્કલ દોઢસો ફુટ રીંગ રોડ પર આરકે સુપ્રિમ કોમ્પલેક્ષ નજીક ગત સાંજે ચારેક વાગ્યે બીઆરટીએસ રૂટ પર સીટી બસની ઠોકરે ચડી જતાં ગોડલ રોડ ખોડિયારનગર-૧૫/૧૬ના ખુણે રહેતાં સોનલબેન ઘુઘાભાઇ પડસાળીયા (ઉ.વ.૩૫) નામના મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.આર. ઝાલાએ મૃતકના પતિ ઘુઘાભાઇ જીવાભાઇ પડસાળીયાની ફરિયાદ પરથી બીઆરટીએસ બસના ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. મૃત્યુ પામનાર સોનલબેન પારકા ઘરના કામ પતાવી પોતાની ઘરે જવા નીકળ્યા ત્યારે બીઆરટીએસ રૂટની રેલીંગ ઠેંકવા જતાં હતાં ત્યારે બસની ઠોકરે ચડી જતાં મૃત્યુ થયું હતું. આ બનાવથી બે પુત્ર અને એક પુત્રી મળી ત્રણ સંતાના માતા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં ઘટના સ્થળ, બસની ઠોકરે ચડયા તેના સીસીટીવી દ્રશ્યો અને મૃતક સોનલબેનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે










