News of Friday, 27th September 2024
અંબિકા ટાઉનશીપની નવોઢા નિમિષાબેનને મરવા મજબૂર કરનાર પતિ-સાસુ સામે ગુનો
જમાઇને સમજાવતાં તેણે કહેલું કે-તમારી દિકરીને રાખવી નથી, તેડી જાવ... વાપીના ચંડોળ ગામે રહેતા પિતા ધર્મેશભાઇ સોલંકીએ જમાઇ જીત અને વેવાણ ભાવનાબેન શોભાસણા વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૭: શહેરના નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપમાં રહેતી નિમીષાબેન જીત શોભાસણા (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ ૨૫મીએ ચોથા માળની અગાસી પરથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તાલુકા પોલીસે આપઘાત કરનારના વાપી રહેતાં પિતાની ફરિયાદ પરથી તેણીના પતિ અને સાસુ વિરૂધ્ધ આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.
વલસાડના વાપીના ચંડોળ ગામે નવીનગરી ચોકી નં.૧૯ પાસે રહેતાં ધર્મેશભાઇ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી પોલીસે નિમિષાબેનના પતિ જીત પ્રફુલભાઇ શોભાસણા અને સાસુ ભાવનાબેન પ્રફુલભાઇ શોભાસણા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૮, ૮૪, ૫૪, દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ધર્મેશભાઇએ જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે જેમાં નિમીષા મોટી હતી. તેના લગ્ન નવેક મહિના પહેલા ફઇની દીકરીના સબંધી રાજકોટ રહેતા જીત પ્રફુલભાઇ સાથે કરાવ્યા હતા. તા.૨૫ના સવારે દીકરી નિમિષાનો ફોન આવ્યો હતો અને અને મને કહેવા લાગી હતી કે, પપ્પા જીત હવે મને રાખવા માગતા નથી, મને પિયર મૂકી જવાનું કહે છે, અને મારા સાસુ પણ અવાર નવાર હેરાન કરે છે. લગ્ન વખતે ઘરેણાં આપેલા હતા એ પણ સાસુએ લઇ લીધા છે. આથી મેં દીકરીને સમજાવી હતી કે હું જીત સાથે વાત કરી લઈશ, બાદમાં મેં જમાઈ જીત સાથે વાત કરતા તેને જણાવેલ કે હવે મારે તમારી દીકરીને રાખવી નથી, તમારી દીકરીને તેડી જાવ.
આવુ જમાઇએ કહેતાં મેં તેને સમજાવ્યા હતા કે તમે અને નિમીષા થોડા દિવસ અહીં રહેવા આવી જાવ એટલે બધું સારું થઇ જશે. વાત કર્યાની બપોરે દિકરીની સાસુ ભાવનાબેનનો ફોન આવ્યો હતો કે, નિમીષા અગાસી પરથી નીચે પડી જતા તેનું અવસાન થયું છે. આથી હું પત્ની સહિતના પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલએ આવી પહોંચ્યા હતા. જ્યાં બનાવની બધી વિગત પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી. લગ્નના ચાર મહિના બાદ જમાઈ અને તેના માતા કિરીને હેરાન પરેશાન કરતા હોઈ તેનું રહેવું મુશ્કેલ કરી દેતા અંતે દીકરીએ મરવા મજબુર થવું પડ્યું હતું. પીએસઆઇ એલ. બી. ડીંડોરે વધુ તપાસ હાથ ધરી છે.
(12:27 PM IST)










