News of Friday, 27th September 2024
દિકરાનું ઘર સેવાયાત્રાના ર૬ વર્ષ પૂર્ણઃ પ્રેરણાદાયી શ્રેષ્ઠ સેવાયજ્ઞ

તસ્વીરમાં અકિલાની મુલાકાતે આવેલા સંસ્થાના ટ્રષ્ટી શ્રી અનુપમભાઇ દોશી અને અગ્રણીઓ નજરે પડે છે.
રાજકોટ તા. ર૭: પોતાના સંતાનો અને સગાવહાલાઓથી તરછોડાયેલા નિરાધાર-નિઃસહાય વડીલ માવતરોનો આનંદાશ્રમ એટલે કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી ‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ-ઢોલરા તેના વડીલવંદના અને અવિરત સેવાયાત્રાના ર૬ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે એક પ્રેસયાદી દ્વારા ર૬ વર્ષની અવિરત સેવા સફરની માહીતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સર્વશ્રી મુકેશ દોશી, મૌલેશ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, ડો. નિદત બારોટ, ધીરૂભાઇ રોકડે જણાવ્યું છે કે ર૭ સપ્ટેમ્બર ૧૯૯૮ના રોજ ભારતભામાશા સ્વ. દીપચંદભાઇ ગારડી, સ્વ. ઉર્મિલાબેન રામચંદ્ર શુકલ અને પૂર્ણિમાબેન જોષીના શ્રીદાનથી રાજકોટ શહેરથી ૧૪ કિલોમીટર દૂર નાના એવા ધરતીપુત્રોના ગામ ઢોલરા ગામમાં ત્રણ એકર જમીનમાં ‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમની સ્થાપના અને શરૂઆત સંત પૂજયશ્રી સ્વામી સચિદાનંદજીના શુભહસ્તે કરવામાં આવેલ. વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી પરંતુ સમાજની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સમાજજીવનની કડવી વાસ્તવિકતા સમાન ‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમમાં અસંખ્ય નામી-અનામી દાતાઓના સહકાર અને શ્રીદાનથી અદ્યતન સાધન સુવિધાથી સજજ અલ્ટ્રા મોર્ડન સુવિધા ધરાવતા વિશાળ પરિસરમાં નિવાસસ્થાનના રૂમ, કોટ઼ેજ, ભારતમાતા મંદીર, મંગલેશ્વર મહાદેવનું મંદીર, સેન્ટ્રલી એર કંડીશન ઓડીટોરીયમ, પુસ્તકાલય, રીક્રીએશન ઝોન, ફોટો ગેલેરી, ધ્યાન કુટીર, મીની આઇસીયુ યુનીટ, સ્ટાફ કવાટર, સ્ટોર રૂમ, ડાયનીંગ હોલ, ગાર્ડન, પ્રવેશદ્વાર, રમત-ગમતનું મેદાન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઇપણ પ્રકારની સરકારી સહાયવગર સંપૂર્ણપણે સમાજના શ્રીદાનથી ચાલતી સંસ્થામાં નિવાસ કરતા વડીલો પાસેથી કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમ જણાવાયું છે.
સંસ્થાના અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, હરેશભાઇ પરસાણા, વસંતભાઇ ગાદેશા, ઉપેનભાઇ મોદી જણાવે છે કે ‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ એ આનંદાશ્રમ બની રહે તેની સતતા કાળજી રખાય છે આમ વડીલ માવતરોની ભાવવંદના સાથે જરૂરતમંદ છાત્રોને શિષ્યવૃતિ, થેલેસેમીક બાળકો માટે રકતદાન કેમ્પ તેમજ સાઇકલ વિતરણ, સીનીયર સીટીઝનો માટે પાનખરનો મેળો, વિધવા બહેનોને સિલાઇ મશીન વિતરણ, તહેવારોમાં મીઠાઇ-ફરસાણ વિતરણ, મેડીકલ સાધન સહાય, ભાગવત સપ્તાહ, સહિતના ધાર્મિક કાર્યક્રમો, કોરોનાના કપરા સમયમાં રાહત રસોડું, પ્લાઝમાં બ્લડની વ્યવસ્થા, કીટ વિતરણ, ચક્ષુદાન દેહદાન-જનજાગૃતિ અભિયાન સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
સંસ્થાના કોર કમીટીના સભ્યો કિરીટભાઇ પટેલ, સુનિલભાઇ મહેતા, અશ્વિનભાઇ પટેલ, ડો. મયંકભાઇ ઠકકર, પ્રવિણભાઇ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા, પ્રજ્ઞેશ પટેલ વધુમાં જણાવે છે કે વૃધ્ધાશ્રમની ર૬ વર્ષની સેવાયાત્રા દરમ્યાન આઠ લાખથી વધુ લોકોએ મુલાકાત લઇને સંસ્થાની સેવાપ્રવૃતિને બિરદાવી છે.
સંસ્થાના હરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશ આદ્રોજા, ઘનશ્યામભાઇ રાચ્છ, ધર્મેશ જીવાણી, દિપકભાઇ જલુ, ગૌરાંગ ઠકકર જણાવે છે કે શહેરમાં સાહિત્યિક પ્રવૃતિને વેગ મળે, સાહિત્યિક પ્રવૃતિમાં શહેરીજનો રસ લેતા થાય તેવા શુભાશયથી આઠ વર્ષથી ‘સાહિત્ય સેતુ' નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં કવિ સંમેલનો, સર્જક મિલન, કાવ્યપઠન, સાહિત્યાકારોનું સન્માન, પુસ્તક વિમોચન, સાહિત્યિક સ્પર્ધાઓ થઇ રહી છે. ત્રણ વર્ષથી રસિકભાઇ મહેતા પુસ્તક પરબ પ્રવૃતિ શરૂ કરવામાં આવેલ છે. કવિઓ સ્વ. હર્ષદ ચંદારાણા, કૃષ્ણ દવે, સંજુ વાળા, દિલીપ જોષી, લક્ષ્મી ડોબરીયા સહિતના સાહિત્યકારો મુલાકાત લઇ ચૂકયા છે.
સંસ્થાની અનેકવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપતા શૈલેષ જાની, હરેનભાઇ મહેતા, જયેશભાઇ સોરઠીયા જણાવે છે કે સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષ ડીસેમ્બર મહિનામાં માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયાંગુમાવેલ રર દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ યોજવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ૧૩૮ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. આગામી ર૯ ડીસેમ્બર રવિવારના રોજ વહાલુડીના વિવાહ-૭ યોજાનાર છે.
સંસ્થાના વડીલોને વર્ષમાં બે વાર તિર્થધામોની મુલાકાતે જાત્રાએ લઇ જવામાં આવે છે. સંસ્થાના વડીલોએ હવાઇ મુસાફરી, દરિયાઇ મુસાફરી, તેમજ શતાબ્દી સહિતની ટ્રેન અને સ્પેશ્યલ બસમાં ભારતના તમામ તીર્થ સ્થળોની યાત્રા કરી ચૂકયા છે આ અંગે વિશેષ માહિતી આપતા સંસ્થાની મહિલા કમિટીના સભ્યો ચેતનાબેન પટેલ, ફાલ્ગુનીબેન કલ્યાણી, ડો. ગીતા વોરા, ગીતાબેન પટેલ, કાશ્મીરાબેન દોશી, કલ્પનાબેન દોશી, પ્રીતિ વોરા, પ્રીતિ તન્ના, વર્ષાબેન આદ્રોજા, નિશાબેન મારૂ, અલ્કાબેન પારેખ જણાવે છે કે સંસ્થામાં રહેતા વડીલોને આયુષમાન કાર્ડ તેમજ સરકાર દ્વારા મળતા માસિક પેન્શનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
સંસ્થાની મહિલા કમિટીના બહેનો રૂપાબેન વોરા, મૌસમી કલ્યાણી, કિરણબેન વડગામા, વર્ષાબેન આસોદરીયા, વર્ષાબેન પોપટ, આશાબેન હરીયાણી, છાયાબેન વજરીયા, અંજુબેન સુતરીયા, કૌશિકાબેન જીવરાજાની જણાવે છે કે સંસ્થા દ્વારા છેલ્લા ૧૩ વર્ષોથી પશુ-પક્ષીઓ માટે હરતું ફરતું અન્નક્ષેત્ર ‘કલરવ' ચાલે છે.
‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ મુલાકાતીઓ માટે ર૪ કલાક ખુલું રહે છે સંસ્થાની મુલાકાતે પધારવાનું તેમજ પરિવારમાં આવતા જન્મદિવસ, લગ્નદિવસ, કે અન્ય કોઇ શુભપ્રસંગો વડીલો સાથે ઉજવવાનું શહેરીજનો-રાજકોટવાસીઓ જાહેર સ્નેહભયું નિમંત્રણ આ યાદી દ્વારા અપાયું છે.
સંસ્થામાં સાદું ભોજન એક ટંક ૪૧૦૦/-, સાદું ભોજન આખો દિવસ ૬૧૦૦/-, મિષ્ટાન ભોજન એક ટંક ૬૬૦૦/-, સવારે ચા-નાસ્તો ર૧૦૦/-, બપોરે ચા-નાસ્તો ૧પ૦૦/-, આખા દીવસની દુધની સેવા ૧૦૦૦/-, પોતાના માતા-પિતા કે અન્ય સ્વજનોની પૂણ્યસ્મૃતિમાં આજીવન તિથિ યોજના ૧પ૦૦૦/- એક વૃધ્ધને દતક લેવાની યોજના પ્રતિમાસ ૩૦૦૦/- વિવિધ યોજનાઓમાં સહયોગ આપવા વિનંતી કરવડામાં આવી છે.
સંસ્થાનાં ગૃહપતિ તરીકે કાર્યરત વિરમગામ તાલુકાના સચાણા ગામના પ્રફુલભાઇ પરીખ અને સ્વ. પન્નાબેન પરીખ વડીલોને દરરોજ નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા સંભાળતા જગદીશ પાલીવાલ, ૧૦૮ જેવું કામ કરતા હરેશભાઇ દવે, સફાઇકાર્ય સંભાળતા કંકુબેન આ તમામની અનન્ય સેવા રહી છે.
સર્વશ્રી હરીશભાઇ હરીયાણી, જીતુભાઇ ગાંધી, શૈલેષભાઇ દવે, હસુભાઇ શાહ, દોલતભાઇ ગાદેશા, જયેન્દ્રભાઇ મહેતા, પરિમલભાઇ જોષી, નૈષધભાઇ વોરા, મહેશ જીવરાજાની, યશવંતભાઇ જોષી, પંકજભાઇ રૂપારેલીયા, વિપુલભાઇ ભટ્ટ, દિનેશભાઇ ગોવાણી, જનાર્દન આચાર્ય, ડો. હાર્દિક દોશી, ડો. પ્રતિક મહેતા, પારસ મોદી, કામેબ માજી, મીહીર ગોંડલીયા, શરદભાઇ દવે, હિતેષભાઇ શાહ, દક્ષીણભાઇ જોષી વગેરે હરહંમેશ કાર્યરત રહે છે.
‘દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમની પ્રવૃતિ અંગે વિશેષ માહિતી-પૂછપરછ માટે સંસ્થાના મુકેશ દોશી ૯૮રપ૦ ૭૭૭રપ, અનુપમ દોશી ૯૪ર૮ર ૩૩૭૯૬, સુનિલ વોરા ૯૮રપર ૧૭૩ર૦, નલિન તન્ના ૯૮રપ૭ ૬પ૦પપનો સંપર્ક સાધવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નલિન તન્નાની યાદીમાં જણાવાયું છે.
(2:26 PM IST)










