તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 27th September 2024
આર.કે.ગ્રુપના બિલ્ડર અને ભાગીદારો વિરૂધ્ધની ફ્રોડની ફરીયાદમાં કોર્ટ દ્વારા વિશેષ તપાસ કરવાનો આદેશ
રજુ થયેલ મુદ્દાઓની તપાસ કરી આગામી મુદતે રિપોર્ટ રજુ કરવાનું ફરમાન

જકોટ,તા. ૨૭: આર.કે.ગ્રુપના બિલ્ડર્સ અને તેના માલિકો સામે ર્પાકિંગ વેંચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી ફ્રોડ કરવા અને ખોટી વિગતો વાળા દસ્તાવેજોને આધારે મિલ્કત વેંચાણ બાબતેની ફરીયાદમાં તપાસનીશ પોલિસ અધિકારીને આ કિસ્સામાં વિશેષ યોગ્ય તપાસ કરવા રાજકોટ કોર્ટે આદેશ કર્યો છે.
આર.કે.પાઈમ-૨ તરીકે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ બહુમાળી વાણીજય હેતુ માટેના બિલ્ડીંગનું નિર્માણ અને વેંચાણ કરનાર આર.કે.ઈન્દ્રાસ્પેસ એલ,એલ.પી.ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો ગૌરવ શોભરાજ સોનવાણી, લવ શોપર્સ લી. કંપનીના ડાયરેકટર સર્વાનંદ સાધુરામ સોનવાણી, કમલકુમાર સાધુરામ સોનવાણી વિગેરે સામે ચંદ્રેશભાઈ ધીરૂભાઈ કપુપરા, નયનાબેન સુરેશભાઈ બલદાણીયા તથા હર્ષાબેન વિજયભાઈ માથુકીયાએ રાજકોટ કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી નં. ૧૨૬/૨૦૨૨ થી ૧૨૮/૨૦૨૨ ની વિગતે કુલ-૩ ફરીયાદ કરેલ છે.
ઉપરોકત ફરીયાદની વિગત મુજબ આરોપીઓએ નાનામવાના રે.સ.નં.૨૭ની બિનખેડવાણ જમીન કે જે ‘સરદાર પટેલ - પાર્ક' તરીકે ઓળખાય છે. તેના સબ-પ્લોટ નં. ૪૯,૪૭ની જમીન ઉપર આર.કે.પ્રાઈમ-૨ નામના કોમર્શીયલ કોમ્પલેક્ષનું નિર્માણ કરેલ છે.
બાંધકામ પરવાનગીમાં અગાસીમાં વાહનો પાર્ક કરવા માટે વ્હીકકયુલર લિફટનું આયોજન દર્શાવેલ છે. અને તેવી બાંધકામ પરવાનગીના આધારે મિલ્કતનું વેંચાણ ઉપરોકત ફરીયાદીઓને કરેલ. ત્યારબાદ બાંધકામ પરવાનગી મુજબનું ટેરેસ સુધી પહોંચતી વ્હીકયુલર લિફ્ટ આપવામાં આવેલ નહીં કે તે બાબતેનું બાંધકામ કરવામાં આવેલ નહીં તેમ છતાં કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કમ્પલીશન સર્ટીફીકેટ મેળવેલ.
કાયદાના પ્રબંધો મુજબ મિલ્કત ખરીદનારને ર્પાકિંગની સુવિધા કે જે સહીયારી સુવિધા છે અને તેવી સુવિધાનું વેંચાણ કરી શકાતું નથી. કે તેવી સુવિધાના ભાગલા પાડી શકાતા નથી. તે ર્પાકિંગની સુવિધા મિલ્કત ખરીદનારને મિલ્કતના પ્રયોજકો પુરા પાડવા બંધાયેલા છે. તેમ છતાં ઉપરોક્ત આરોપીઓ એ ઓફિસ ધારકો પાસેથી રૂા.૨,૫૦,૦૦૦/- રોકડ સ્વરૂપે ઉઘરાવી તેની સામે ફક્ત રૂા. ૨૫૦૦/- ની પહોંચ આપી, ર્પાકિંગ એલોટમેન્ટનો આભાસ ઉભો કરી લાખો રૂપિયાની રકમ ગેરકાયદેસર રીતે પડાવી લીધેલ.
આ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોરમાં વિકલાંગ માટેનું ટોઈલેટ, ઝુડીયો શોરૂમને ભાડે આપેલ જગ્યામાં ભેળવી દઈ બિલ્ડીંગના અન્ય ઓફિસ ધારકો અને તેને ત્યાં વિઝીટ કરતાં વિકલાંગ લોકોની કોમન ટાઈલેટની સુવિધા છીનવી લીધેલ અને ઓફિસ ધારકોની પાર્કિંગની જગ્યામાં ઝુડીયોના એ.સી.ના આઉટર યુનિટ ખડકી દઈ પાર્કિંગની સુવિધા છીનવી લીધેલ.
વિશેષમાં રેરાના વિરૂધ્ધ આ૨.કે.પાઈમ-૨ના ઓફિસ ધારકો બાબતે કોઈ સોસાયટી બનાવેલ નથી કે નોંધાવેલ નથી અને લાખો કરોડો રૂપિયા મેઈન્ટેનન્સ અને મેઈન્ટેનન્સ ડીપોઝીટના નામે ઓફિસ ધારકો પાસેથી ઉધરાવી તે રકમમાંથી તેના રમકડા અને પાગિયા બને તેવા નોકરો દ્વારા બિલ્ડીંગનું મેઈન્ટેનન્સ ગેરકાયદેસર રીતે જાળવી રાખેલ છે.
કોર્ટએ ફરીયાદની ગંભીરતા ધ્યાને લઈ હકુમત ધરાવતા પોલિસ સ્ટેશનને તપાસ કરવા આદેશ કરેલ. તે બાબતે તપાસનીશ અધિકારીએ આરોપીને છાવરતાં હોય તે રીતે કોઈ ઉડાણ કે ગંભીરતાપુર્વક તપાસ કર્યા વગર ફક્ત ગૌરવ સોનવાણી, રાકેશ વલ્લભભાઈ પરમાર (જે એસોસીએશનનો મેનેજર છે.) પુનિત શશીકાન્ત આશા વિગેરેના નિવેદન નોંધી ગુનો બનતો ન હોવાનો રીપોર્ટ કોર્ટને કરી દીધેલ. ઉપરોકત રીપોર્ટ સામે ફરીયાદીઓએ વાંધા રજુ કરેલ અને તપાસનીશ અધિકારીએ સક્ષમ અધિકારીની જગ્યાએ ફક્ત કોન્સ્ટેબલ દરજ્જાના બિનઅનુભવી સ્ટાફ પાસે તપાસ કરી વેઠ વાળેલ હોય અને ફરીયાદી એ રજુ રાખેલ બાંધકામ પરવાનગી, કંમ્પલીશન સર્ટીફીકેટ, આરોપીનું બ્રોશર વિગેરે ધ્યાને લીધા વગર કે અન્ય ભોગ બનનારના નિવેદન લીધા વગર પરોક્ષ રીતે આરોપીને છાવરતાં હોય તે પ્રમાણેનો રીપોર્ટ રજુ કરેલ છે. તેવી રજુઆત કરવામાં આવેલ.
ઉપરોક્ત રજુઆત અનુસંધાને કોર્ટએ બન્ને પક્ષકારોને સાંભળી ઠરાવેલ છે કે, રીપોર્ટ ધ્યાને લેતા સ્પષ્ટ થાય છે કે, અન્ય ઓફિસ ધારકોના કોઈ નિવેદન નોંધવામાં આવેલ નથી કે બિલ્ડીંગની કાર્યરીતી અને મેનેજમેન્ટ બાબતે એસોસીએશનના સભ્યોને તપાસવામાં આવેલ નથી અને સ્થળ ઉપર કોઈ ડીટેલઈ ઈન્સપેકશન કે ડોકયુમેન્ટેશન, પંચનામાં કે જે માર્કેટ એરીયા અને અનઓથોરાઈઝડ કોમન સ્પેસના વેંચાણ બાબતેની વિગતો સ્પષ્ટ કરે તેવા કોઈ પેપર્સ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે ફરીયાદીની વિશેષ તપાસની અરજી ગ્રાહય રાખવામાં આવે છે અને માલવીયા નગરના પી.આઈ.ને હુકમ અનુસંધાને યોગ્ય તપાસ કરવા આદેશ આપેલ છે.
ઉપરોકત ગેરકાયદેસરતા બાબતે રેરા ઓથોરીટી સમક્ષ પણ ફરીયાદ થયેલ છે. તેમાં પણ ફરીયાદની ગંભીરતા ધ્યાને લઈ રેરા ઓથોરીટીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને ફરીયાદમાં દર્શાવેલ ગેરકાદેસર બાંધકામ વિગેરે બાબતે આગામી મુદતે રીપોર્ટ રજુ કરવા આદેશ કરેલ છે.
આ કામમાં ચંદ્રેશભાઈ ધીરૂભાઈ કપુપરા, નયનાબેન સુરેશભાઈ બલદાણીયા તથા હર્ષાબેન વિજયભાઈ માથુકીયા વતી વિકાસ કે. શેઠ, પ્રકાશ બેડવા, અલ્પા શેઠ, ફાતેમાં ભા૨મલ વકીલ તરીકે રોકાયેલ છે.
(2:29 PM IST)










