News of Friday, 27th September 2024
રાજકોટ અગ્નિકાંડના ચારેય આરોપીની જામીન અરજીનો અદાલત દ્વારા બપોર બાદ ચુકાદો આવવાની સંભાવના

રાજકોટ, તા.૨૭: રાજયમાં ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારી અને આરોપીના વકીલની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી. ચકચારી કેસમાં વિસ્તૃત દલીલો થતા કોર્ટ કાર્યવાહી મોડા સુધી ચાલી હતી. અગ્નિકાંડના ચાર આરોપીની જામીન અરજી પર કોર્ટ આજે બપોર બાદ ચુકાદો અપાશે તેમ જાણવા મલે છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮/ ૫/૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જામીન અરજી દાખલ કરી હતી. જે બંને આરોપી બાદ જેલ હવાલે રહેલા મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. ચારેય આરોપીની જામીન અરજીની આગલી મુદતમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી સામે તપાસનીશ દ્વારા સોગંદનામુ કરવાનું બાકી હોવાથી ચારેય આરોપીની જામીન અરજીમાં ૨૫ મી સપ્ટેમ્બરની મુદત પડી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી આજે કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો શરૂ થઈ હતી. સરકારી અને આરોપીના વકીલની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી. ચકચારી કેસમાં વિસ્તૃત દલીલો થતા કોર્ટ કાર્યવાહી મોડા સુધી ચાલી હતી. અગ્નિકાંડના ચાર આરોપીની જામીન અરજી પર બપોરબાદ ચુકાદો અપાશે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
(4:31 PM IST)










