News of Friday, 27th September 2024
સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન ખલ્લાસ!
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમીટેડ તરફથી પુરતી સપ્લાય ન આવતાં જીલ્લાભરની હોસ્પિટલોમાં અછત : કુતરૂ કરડતાં લેવા પડતાં ઇન્જેક્શનની અછતથી આવા દર્દીઓમાં દેકારોઃ એકાદ મહિનાથી સપ્લાયમાં ધાંધીયા સર્જાયાની ચર્ચાઃ રાજકોટ સહિત આસપાસના બીજા શહેરોના દર્દીઓને છેક રાજકોટ ઇન્જેક્શન લેવા આવવું પડે છેઃ પરંતુ અહિ પણ સ્ટોક ખુટી જતાં દેકારો : ખાનગી મેડિકલ સ્ટોરમાં એક ઇન્જેક્શન ૩૯૦માં મળે છેઃ જેને કુતરૂ કરડે તેને આવા પાંચ ઇન્જેક્શન લેવા

રાજકોટ તા. ૨૬: કુતરૂ કરડે ત્યારે જે તે વ્યક્તિને ખાસ ઇન્જેક્શન લેવા પડે છે. કુતરૂ કરડવાથી હડકવા ઉપડી જતો હોય છે. આવું ન થાય તે માટે પાંચ ઇન્જેક્શનનો ડોઝ જે તે દર્દીને આપવો પડે છે. મોટે ભાગે રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન વિનામુલ્યે આપવામાં આવે છે. પરંતુ રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ કે જ્યાં સોૈરાષ્ટ્રભરના દર્દીઓ પણ સારવાર નિદાન માટે આવે છે ત્યાં કેટલાક દિવસોથી હડકવાના ઇન્જેકશનનો સ્ટોક ખુટી ગયો છે. આ કારણે કુતરૂ કરડે ત્યારે ઇન્જેક્શન લેવા આવતાં દર્દીઓમાં દેકારો મચી ગયો છે. ગરીબ લોકોને નાછુટકે બહારથી ખાનગી મેડીકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન ખરીદવા મજબૂર થવું પડે છે. જાણવા મળ્યા મુજબ રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવા સહિતનો સ્ટોક જ્યાંથી સપ્લાય થાય છે તે જીએમએસસીએલ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમીટેડ) તરફથી સપ્લાયમાં ધાંધીયા સર્જાતા હડકવા વિરોધી ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી હડકવા વિરોધી ઇન્જેક્શન માટે ધાંધીયા સર્જાઇ રહ્યા છે. પુરતો સ્ટોક ન હોવાને કારણે આ ઇન્જેક્શન માટે આવતાં દર્દીઓને ધક્કો ખાઇને પરત જવું પડે છે અને બહારથી ઇન્જેક્શન ખરીદવા મજબૂર થવું પડે છે. જાણવા મળ્યા મુજબ હડકવા વિરોધી ઇન્જેક્શન ખાનગી મેડિકલ સ્ટોરમાં રૂપિયા ૩૯૦ આસપાસના ભાવથી વેંચવામાં આવે છે. જેને કુતરૂ કરડયું હોય તેવા દર્દીને આવા પાંચ ઇન્જેક્શન લેવા પડતાં હોય છે. આ કારણે જે તે દર્દીને પાંચ ઇન્જેક્શન માટે આશરે બે હજાર જેવો ખર્ચ વેઠવો પડે છે.
રાજકોટ ઉપરાંત આસપાસના ગોંડલ, ધોરાજી, મોરબી, જેતપુર સહિતની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં પણ છેલ્લા એકાદ મહિનાથી હડકવા વિરોધી ઇન્જેક્શનની અછત હોવાનું જાણવા મળ્યું છે. એવુ પણ કહેવાય છે કે જે તે આરોગ્ય કેન્દ્રો કે બીજી સરકારી હોસ્પિટલો જીએમસીએસીએલમાં પોતાની જરૂરીયાત મુજબનો ઓર્ડર આપતાં હોતાં નથી. આથી ત્યાંના દર્દીઓને પણ ઇન્જેક્શન લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવવું પડે છે. આજે રાજકોટ શહેરના તેમજ મોરબી પંથકના દર્દીઓ હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પરંતુ અહિ ઇન્જેક્શન ખલ્લાસ છે તેવો જવાબ મળ્યો હતો. પીડીયુ સિવિલ હોસ્પિટલના તંત્રવાહકોએ જીએમસીસીએલમાં પુરતા સ્ટોક માટે માંગણી કરી છે. ઝડપથી આ સ્ટોક મળે તો દર્દીઓની તકલીફ દુર થઇ શકે તેમ હોવાનું જણાવાય છે. એકાદ મહિનાથી સપ્લાયમાં તકલીફ રહેતી હોવાનું જાણવા મળ્યું છે.
(4:23 PM IST)










