News of Friday, 27th September 2024
બાળ મુમુક્ષુ તીર્થભાઇ સંયમ પંથે પ્રયાણ કરશે
શ્રી ગાંધીગ્રામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સત્યપૂન ધામમાં પ્રથમ વાર પ્રવજયા મહોત્સવ શ્રી શંખેશ્વરમાં પૂજય ગુરૂ ભગવંતોનાં શુભ હસ્તે ૧૧ ડિસેમ્બરનું દિક્ષા મુહુર્ત પ્રદાન કરાયું

રાજકોટ તા. ર૭: શહેરમાં આઠ વર્ષો પહેલા શ્રી ગાંધીગ્રામ શ્વેતામ્બર મૂર્તીપૂજક સંઘના શિખરબંધી દેરાસરમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન તેમજ બીજા ૧૧ ભગવાનની જિનાલયમાં પ્રતિષ્ઠા થઇ તેમજ ‘‘સત્યપૂનધામ'' ઉપાશ્રયનું નિર્માણ થયું ત્યારથી શ્રી ગાંધીગ્રામ જૈન સંઘમાં ઉતરોતર ધાર્મીક આરાધનાઓમાં પ્રગતિ કરી રહ્યું છે.
શ્રી ગાંધીગ્રામ શ્વે. મૂ. જૈન સંઘના ઉપકારી ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી વ્રજસેન વિજયજી મહારાજાની દિવ્ય કૃપા અને પરમપૂજય આચાર્ય ભગવંત શ્રી મનમોહનસુરિશ્વરજી મહારાજ, આચાર્ય ભગવંતશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા, આદિ ગુરૂભગવંતોનાં આર્શિવાદ અને નેજા હેઠળ શ્રીમતી પૂનમબેન સતીષકુમાર માલદે પરિવાર (સત્યપૂન પરિવાર)નાં દ્રવ્યોથી જીનાલય અને ઉપાશ્રયની પ્રતિષ્ઠા થયા બાદ અનેક ગુરૂ ભગવંતોની નિશ્રા શ્રી સંઘને પ્રાપ્ત થઇ છે.
સંઘમાં સંયમ (દિક્ષા) અંગીકાર કરવાનાં ભાવ શ્રી સંઘનાં સોનલબેન કમલેશકુમાર શેઠનાં સુપુત્ર ચિ. તીર્થભાઇને (ઉ.૧૪) બે વર્ષ પહેલા થયા ત્યારે મૃદુલાબેન નરેન્દ્રભાઇ શેઠ પરિવાર ખુબ જ ખુશ થયેલ. છેલ્લા બે વર્ષમાં ગુરૂદેવ પ્રત્યેનાં સર્મપણ ભાવ, ગુરૂદેવોની વૈયાવરય, ગુરૂદેવની સાથે લગભગ ૧૭૦૦ કિ. મી.નો વિહાર અને સ્વાધ્યાય અને ધાર્મિક અભ્યાસ સાથે આરાધના કરેલ.
સમગ્ર શેઠ પરિવારની આજ્ઞા લઇને દિક્ષા અંગીકાર કરવાની નેમ સાથે ગુરૂદેવનાં આશિર્વાદથી મનોકામના પૂર્ણ કરવા ગયા અઠવાડીયે શ્રી સંઘ અને પરિવારજનોને સાથે લઇને શ્રી શંખેશ્વરધામ ખાતે બિરાજમાન પ.પૂ. મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મનમોહનસુરીશ્વરજી મ.સા., પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભસુરીશ્વરજી મ. સા. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી તત્વપ્રભસુરીશ્વરજી મ. સા. આદી સાધુ-સાધ્વીજી ભગવંતોને પરિવાર દ્વારા કરાયેલ વિનંતીથી શ્રી તીર્થભાઇને માગસુર સુદ ૧૧ બુધવાર તા. ૧૧ ડીસેમ્બર ર૦ર૪ ના શુભદિન નાં રોજ દિક્ષા માટે શુભ મુર્હુત પ્રદાન કરવામાં આવ્યું છે.
આ દિક્ષા પ્રસંગે પધારવા સમગ્ર જૈન શાસન પ્રેમીઓને શ્રી ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમજ શેઠ પરિવારે નિમંત્રણ પાઠવેલ છે.
(4:42 PM IST)










