<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

રિક્ષાગેંગના ધનજી ઉર્ફ ધનાએ ૪ સાગ્રીતો સાથે મળી છ મુસાફરોના ખિસ્‍સા કાપ્‍યાઃ ભેદ ખુલ્‍યો

બેડી ચોકડી, યાર્ડ, વાંકાનેર બાઉન્‍ડ્રી, બસ સ્‍ટેશન, મોચી બજાર પાસે ગુના આચર્યા હતાં : ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, પીએસઆઇ મોવલીયા, રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ, તુલસીભાઇ સહિતની ટીમનું ડિટેક્‍શર્ન સાગ્રીતો અમિત, શાહીના, વિશાલ, રાહુલની શોધખોળ

રાજકોટઃ તા. ૩૦: શહેરમાં મુસાફરોના ખીસ્‍સામાંથી રોકડ રકમ સેરવી લેતી વધુ એક રિક્ષા ગેંગના સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે પકડયો છે. તેણે ચાર બીજા સાગ્રીતો સાથે મળી છ જેટલા મુસાફરોના ખિસ્‍સા કાપી લીધા હતાં.  ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. તુલસીભાઇ ચુડાસમાને બાતમી મળતાં ગ્રીનલેન્‍ડ ચોકડીએથી ધનજી ઉર્ફે ધનો દેવજીભાઇ ગેડાણી (ઉ.વ.૪ર, રહે. રેલનગર સ્‍મશાન પાસે, માધવ સોસાયટી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી લીલા કલરની ઓટો રિક્ષા જીજે૨૩ડબલ્‍યુ-૭૭૧૯, મોબાઈલ ફોન અને રૂા.૧પ૦૦ રોકડા મળી કુલ પ૬પ૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ધનાની પુછતાછ થતાં તેણે દોઢેક માસ પહેલાં બેડી ચોકડી પાસે સાગ્રીત વિશાલ પાટડીયા (રહે. શાપર) સાથે મળી પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા.૧૦પ૦૦, વાંકાનેર બાઉન્‍ડ્રી નજીકથી  પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા.૧૭ હજાર, રાજકોટ બસ સ્‍ટેન્‍ડ પાસેથી  પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા.૧ર હજાર, બીજા સાગરીત અમિત ઉકેડીયા (રહે. પોપટપરા પાછળ) સાથે મળી મોચી બજાર ખટારા સ્‍ટેન્‍ડ નજીકથી  પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા.ર૦ હજાર, વિશાલ અને રાહુલ હરણીયા (રહે. મોરબી રોડ) સાથે બેડી માર્કેટ યાર્ડ પાસે  પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા. ૪પ૦૦ સેરવી લીધાની કબુલાત આપી છે. જો કે આ કબુલેલા પાંચ પૈકીના એકપણ ગુનામાં ફરિયાદ દાખલ થઇ નહોતી. આ ઉપરાંત અમિત દિનેશભાઇ ઉકેળીયા ઉર્ફ બેરો અને શાહીના (રહે. નવાગામ) નામની મહિલા સાથે મળી સુરેન્‍દ્રનગરમાં એક પેસેન્‍જરના ખીસ્‍સામાંથી રૂા. ૧૦ હજારની ચોરીની કબુલાત આપી છે. જે અંગે સુરેન્‍દ્રનગર પોલીસમાં ગુનો દાખલ થયો છે. આમ છ ગુનાના ભેદ ઉકેલાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. વિજયરાજસિંહ, સંજયભાઇ દાફડા, કોન્‍સ. રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ, સંજયભાઇ ખાખરીયા, પ્રવિણભાઇ જતાપરા, કોૈશિકભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(11:45 AM IST)