<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કોંગ્રેસના આગેવાનોએ રૂપાણીની બિનશરતી માફી માંગતા કેસ પરત ખેંચવા કોર્ટમાં અરજી

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટમાં થયેલ બદનક્ષીના કેસમાં પૂર્ણવિરામ... કોંગ્રેસના ચાર આગેવાનોમાંથી સી.જે.ચાવડા ભાજપમાં ભળી જઇને ચૂંટણી પણ જીત્‍યા છે : કોંગ્રેસી આગેવાનો દ્વારા બિનશરતી માફી માંગતા રૂપાણીના એડવોકેટ અંશ ભારદ્વાજ દ્વારા કેસ પરત ખેંચવા કોર્ટમાં પુરશીષ રજૂ કરી

રાજકોટ તા. ૨ : ગુજરાત રાજયના પુર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્‍ધ ક૨વામાં આવેલ બદનક્ષીના કેસમાં ચારેય કોંગ્રેસનાં આગેવાનો બીનશરતી માફી માંગતા કેસ પરત ખેંચી લેવાની શ્રી રૂપાણીએ કોર્ટમાં અરજી કરી હતી.

વિજયભાઈ સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી નં. (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય પ્રવિણ ૫૨મા૨, (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર તેમજ (૪) સી.જે.ચાવડા સામેની ફરિયાદમાં તેઓએ કોર્ટમાં બીન શરતી માફી માંગતા શ્રી વિજયભાઈએ કોર્ટમાં કેસ ૫૨ત ખેંચી લેવાની પુરશીષ આપેલ હતી.

અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી પ્રેસનોટ પ્રસારીત કરવામાં આવેલ હતી તેમજ ગાંધીનગર ખાતે કોંગ્રેસના કાર્યાલયમાંથી પ્રેસ કોન્‍ફરન્‍સ પણ કરવામાં આવેલ હતી. જેમાં આ કેસના આરોપીઓએ હાલના ફરીયાદી મુખ્‍યમંત્રી દાયિત્‍વ સંભાળતા હતા તે દરમ્‍યાન સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને ફરીયાદી દ્વારા તે સમયે રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે જાહેરાત કરનાર કોગ્રેસના આગેવાનો સામે ફરીયાદી દ્વારા ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓએ બદનક્ષી આચર્યા અંગેની ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદનાં કામે ગાંધીનગરની કોર્ટે ફરીયાદ એડમીટ કરી અને આરોપીઓ સામે સમન્‍સ ઈશ્‍યુ કરવાનો અગાઉ હુકમ કરેલ હતો. જે હુકમના આધારે ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર રહેલ હતા.

ફરીયાદીએ આરોપીઓ (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય પ્રવિણ પરમાર, (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર, (૪) સી.જે.ચાવડા આમ કુલ ચાર વ્‍યક્‍તિઓ વિરૂધ્‍ધ બદનક્ષીની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે તેઓ અગાઉ ગુજરાત રાજયનાં મુખ્‍યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપી ચુકેલ છે તથા હાલ રાજકોટ-૬૯ નાં ધારાસભ્‍ય તરીકે સેવા આપી રહ્યા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉપરોકત આરોપીઓ પૈકીના સી.જે.ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપના નિશાન ઉપર ફરીથી ચુંટાતા હવે રૂપાણી દ્વારા કેસ ઉપર પૂર્ણવિરામ કરી દેવાયાની ચર્ચા થઇ રહી છે.

ફરીયાદીએ તેઓના વકીલશ્રી અંશ અભયકુમાર ભારદ્વાજ મારફત ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ વિરૂધ્‍ધ કરેલ બદનક્ષીની ફરીયાદના સમર્થનમાં લાગતા વળગતા સાહેદોના કોર્ટ સમક્ષ તપાસવામાં આવેલ હતા તથા દસ્‍તાવેજી પુરાવાઓ અને વિવિધ ઉચ્‍ચ ન્‍યાયાલયોના તેમજ સર્વોચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરેલ હતી. જેને ઘ્‍યાને લઈ ગાંધીનગર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્‍વયેના ગુનાની ઈન્‍સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્‍સ ઈશ્‍યુ કરવાનો અગાઉ હુકમ કરી ફરીયાદ રેકર્ડ પર લીધેલ હતી અને ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરેલ હતો.

કોર્ટનું સમન્‍સ ઘણા સમયથી ઈસ્‍યુ થયેલ હોવા છતા આરોપીઓ કોર્ટમાં આવવાનું ટાળી રહ્યા હતા. જે બાદ કોર્ટે આખરી મુદત આપતા હુકમ કરેલ હતો કે જો આરોપીઓ આવતી મુદતે હાજર ન થાય તો તેમની વિરૂધ્‍ધ ધરપકડનું વોરંટ કાઢવામાં આવશે. જે અનુસંધાને ઉપરોકત ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ હતા અને આરોપીઓ વિરૂધ્‍ધ પ્‍લી નોંધવા સ્‍ટેજ હોય આરોપી નં. (૧) અંગત મદદનીશ પ્રવિણ પરમાર દ્વારા કોર્ટ સમક્ષ ડિસ્‍ચાર્જ અરજી દાખલ કરવામાં આવેલ હતી. બંને પક્ષોના વકિલશ્રીઓને વિગતવાર સાંભળ્‍યા બાદ કોર્ટે આરોપી નં. (૧) અંગત મદદનીશ પ્રવિણ પરમારની ડિસ્‍ચાર્જ અરજી ફગાવી દીધેલ હતી. કોર્ટે ડિસ્‍ચાર્જ અરજી ઘણા સમય પહેલા નામંજુર કરેલ હોવા છતા ત્રણ આરોપીઓ કોર્ટમાં ઘણા સમયથી હાજર રહેતા ન હોવાથી આરોપી (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર, (૪) સી.જે.ચાવડાના વિરૂધ્‍ધ અંતે ધરપકડનું વોરંટ કાઢવાનો હુકમ કરેલ હતો જે બાદ ચારેય આરોપીઓ કોર્ટમાં રજુ થયેલ હતા અને તેઓની પ્‍લી નોંધવામાં આવે તે પહેલા તેઓએ કેસનાં કામે તેઓના વકીલશ્રી મારફત લેખિતમાં બીનશરતી માફી માંગતો માફીપત્ર રજુ કરવામાં આવેલ હતો. ચારેય આરોપીઓની બીનશરતી માફી માંગતો માફીપત્ર રેકર્ડ પર આવતા કોર્ટે ફરીયાદી વિજયભાઈને તેઓને આરોપીઓએ માંગેલ લેખિત માફી સ્‍વીકાર્ય છે કે કેમ ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે પુછતા ફરીયાદી વિજયભાઈએ આરોપીઓ દ્વારા માંગવામાં આવેલ બીનશરતી માફી સ્‍વીકારેલ હતી અને માફીપત્રની હકીકત ઘ્‍યાને લઈને કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજુ કરેલ હતી. તેમજ કોર્ટને કેસ ફાઈલે કરવા વિનંતી કરેલ હતી.

 આ કામમાં ફરીયાદી વિજયભાઈ રૂપાણી તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સ તરફથી અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત તથા ગાંધીનગરના એડવોકેટ અલ્‍પેશભાઈ ભટ્ટ તથા નિસર્ગ ચૌધરી રોકાયેલ હતા

(11:57 AM IST)