News of Wednesday, 2nd October 2024
આનંદનગરમાં નામચીન કાના ઉર્ફ ટિકીટની વધુ એક વાર ગુંડાગીરીઃ છરાથી ગળુ કાપી નાખવાની ધમકી દીધી
રાતે કાનો બૂલેટના સાયલેન્સરમાંથી ફટાકડાના અવાજ કરી લોકોને હેરાન કરતો હોઇ અશોકભાઇ ગઢવીએ આવુ ન કરવા સમજાવતાં ગાળો દઇ ધમકાવ્યાની ફરિયાદઃ થોડા દિવસ પહેલા પણ કાના અને તેના ભાઇ સહિતનાએ કોર્ટ કેસમાં સમાધાન કરવાનું કહી ધમાલ મચાવી હતી

રાજકોટ તા. ૨: આનંદનગર કોલોની ક્વાર્ટરમાં રહેતાં નામચીનની છાપ ધરાવતાં શખ્સે વધુ એક ડખ્ખો કર્યો છે. તે રાતે બૂલેટ હંકારી સાયલેન્સરમાંથી ફટાકડા ફોડતો હોઇ તેને રહેવાસીએ સમજાવતાં ખાર રાખી ગળુ કાપી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ આનંદનગર ક્વાર્ટર નં. ૧૪૪માં રહેતાં અને પત્રકારત્વ સાથે સંકળાયેલા અશોકભાઇ મુળુભા ગઢવી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી આનંદનગર ક્વાર્ટર એપાર્ટમેન્ટ નં. ૪ના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતાં નામચીન કાનો ઉર્ફ ટિકીટ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અશોકભાઇ ગઢવીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું જ્યાં રહું છે એ સોસાયટીમાં ૨૦૦૦ મકાન આવેલા છે. જેમાં આશરે ૧૦ હજાર માણસો રહે છે. જ્યાં કાનો ઉર્ફ ટિકીટ પણ રહે છે જેના સાચા નામની મને ખબર નથી, હું તેને જોયે ઓળખુ છું. જે મારા જ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રહે છે. તે પોતાના બૂલેટમાંથી અવાર-નવાર મોડી રાતે સાયલેન્સરમાં ફટાફડા ફૂટે એવા અવાજ કરે છે. તેમજ આમ તેમ આટા મારી દેકારો કરે છે અને સોસાયટીના રહેવાસીઓને હેરાન કરે છે. તેને કોઇ આવુ કહેવાની ના પાડે તો તે લોકોને ધાકધમકી આપે છે. લોકો કાના ટિકીટ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પણ ડરે છે.
તા. ૩૦/૯ના રોજ રાતે અગિયારેક વાગ્યે હું તથા આનંદનગર સોસાયટીના સાતેક સભ્યો અમારા એપાર્ટમેન્ટ નીચે રોડ પર ખુરશી રાખીને બેઠા હતાં ત્યારે પોણા બારેક વાગ્યે કાનો ઉર્ફ ટિકીટી એપાર્ટમેન્ટની સામે ઉભો હતો. ત્યાંથી ચાલીને તે મારી પાસે આવ્યો હતો અને મારા ખભે હાથ રાખીને કહેલું કે-આ મીટીંગ શું કરવા ભરીને બેઠા છો? શું મારા વિરૂધ્ધ કોઇ પોલીસ ફરિયાદ કરવાની છે? જો ફરિયાદ કરી છે તો છરાથી હું તારુ ગળુ કાપી નાંખીશ તેમ કહી મને બધાની વચ્ચે ગાળો દીધી હતી અને મારી નાખવાની ધમકી આપી તે જતો રહ્યો હતો.
કાનો અવાર-નવાર રાતે બૂલેટ હંકારી સાયલેન્સરમાંથી ફટાકડા ફૂટે તેવા અવાજ કરી લોકોને હેરાન કરતો હોઇ આ બાબતે તેને સમજાવતાં તેણે ખાર રાખી મને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં અશોકભાઇ ગઢવીએ જણાવતાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ પી. એસ. ગોહિલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પણ કાનો ઉર્ફ ટિકીટ, તેના ભાઇ, ચિરાગ બકાલી સહિતનાએ જુના કોર્ટ કેસમાં સમાધાન કરવાનું કહી ફરિયાદી અને તેના ભાણેજને ધાકધમકી આપી વાહનમાં તોડફોડ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યાં વધુ એક વખત તેણે ગુંડાગીરી આચરી ભયનું વાતાવરણ ઉભુ કર્યુ હતું.
(2:42 PM IST)










