<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

બીબીએની છાત્રા બિમાર હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડતાં જિંદગી તરછોડી દીધી

હરિ ધવા રોડ સુભાષ સોસાયટીમાં બનાવઃ ગળાફાંસો ખાઇ લેતાં સારવારમાં દમ તોડયો :અઢાર વર્ષની ભુમિકા વાળા વડોદરા યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતી હતીઃ નવરાત્રી કરવા રાજકોટ માટે આવી હતીઃ પરિવારજનો બહારથી આવ્‍યા ત્‍યારે લટકતી જોઇઃ તુરત સારવાર માટે ખસેડીઃ પરંતુ બે દિવસ બાદ દમ તોડી દેતાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: શહેરમાં આત્‍મહત્‍યાની વધુ એક ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થીનીએ જિંદગીથી છેડો ફાડી લીધો છે. હરિ ધવા રોડ પરની સોસાયટીમાં રહેતી અને બીબીએમાં અભ્‍યાસ કરતી અઢાર વર્ષની છાત્રાને તેણી બિમાર હોઇ પિતાએ બે ત્રણ દિવસ માટે ગરબા રમવા જવાની ના પાડતાં તેણીને માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ હરિ ધવા રોડ પર સુભાષ સોસાયટીમાં રહેતાં અશ્વિનભાઇ ચંદુભાઇ વાળાની દિકરી ભુમિકા (ઉ.વ.૧૮)એ તા. ૨ના બપોરે સાડા ત્રણેક વાગ્‍યે ઘરે કોઇ નહોતું ત્‍યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. એ વખતે જ પરિવારજન આવી જતાં તેણીને લકટતી જોતાં તુરત જ નીચે ઉતારી લીધી હતી અને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન ભુમિકાએ આજે દમ તોડી દીધો હતો. બનાવની જાણ ભક્‍તિનગર પોલીસને થતાં હેડકોન્‍સ. પ્રશાંતસિંહ અને કુલદીપભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર ભુમિકા ત્રણ બહેનમાં મોટી હતી અને વડોદરા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્‍યાસ કરતી હતી. હાલ નવરાત્રી શરૂ થઇ હોઇ તે નોરતા કરવા રજા પર રાજકોટ આવી હતી.  પરંતુ ત્રણ દિવસથી તેને તાવ આવતો હોઇ નબળાઇ રહેતી હોઇ પિતાએ તેને નોરતાના આરંભથી જ દાંડીયારાસ રમવા ન જઇ સારુ થઇ જાય પછી રાસ ગરબા રમવા જવાનું કહેતાં તેણીને આ વાતનું માઠુ લાગી ગયું હતું. આ કારણે તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ભુમિકાના પિતા અશ્વિનભાઇ વાળા ફેબ્રીકેશનનું કારખાનુ ચલાવે છે. યુવાન અને આશાસ્‍પદ દિકરીના આ પગલાથી વાળા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મોચી બજારમાં માવતરના ઘરે નસીમબેને ફિનાઇલ પીધું

કોટડા સાંગાણી ગામે સાસરૂ ધરાવતી નસીમબેન કાદરભાઇ તરકબાણ (ઉ.વ.૩૫) બે દિવસથી રાજકોટ મોચી બજારમાં પિતા હુશેનભાઇ સુલેમાનભાઇ કટારીયાના ઘરે આવી હોઇ અહિ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલમાં ખસેડાતાં રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. નસીમબેનને એક પુત્રી અને બે પુત્ર છે. ગૃહકલેશને લીધે પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:01 PM IST)