News of Friday, 4th October 2024
૩૨ લાખના વિદેશી દારૂના ગુનામાં ફરાર ગોડાઉન માલીક લક્ષ્મણસિંહ રાઠોડ પકડાયો
ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. વિજયરાજસિંહ જાડેજા અને સુભાષભાઇ ઘોઘારીની બાતમીઃ રાજસ્થાની શખ્સને સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી દબોચ્યો

રાજકોટ તા.૪ શહેરના કુવાડવા જી.આઇ.ડી.સી.માં ગોડાઉનમાંથી કબ્જે કરેલો રૂા. ૪૬ લાખના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા ગોડાઉન માલીકને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ કુવાડવા નજીક જીઆઇડીસમાં આવેલા ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાંચે રૂા. ૩૨.૪૬ લાખની વિદેશી દારૂની ૬૪૯૨ બોટલ અને વાહનો સાથે સાત જેટલા શખ્સોને પકડી લીધા હતા. આ ગુનામાં ગોડાઉન માલીક લક્ષ્મણસિંહનું નામ ખુલતો તે ફરાર થઇ ગયો હતો. દરમ્યાન પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી, પાર્થ રાજસિંહ ગોહિલે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઇમબ્રાંચ ના એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે.મોવલીયા સ્ટાફ સાથે આરોપીઓને પકડવામાટે પેટ્રોલીંગમાં હતા. ત્યારે રૂા. ૩૨.૪૬ લાખના વિદેશી દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર લક્ષ્મણસિંહ રાજકોટમાં આવ્યો હોવાની એ.એસ.આઇ. રણજીત પઢારીયા,હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા અને સુભાષભાઇ ઘોઘારીને બાતમી મળતા સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી ગોડાઉનના માલીક લક્ષ્મણસિંહ કેરસિંહ રાઠોડ (ઉ.વ.૩પ) (રહે. હાલ ઓઢવ આદિનાથનગર આર્શીવાદ સીટી ડી-ર૦૩ અમદાવાદ મુળ સલાળા, જીલ્લો ઉદયપુર (રાજસ્થાન) ને પકડી લીધો હતો. લક્ષ્મણસિંહ રાઠોડે વિદેશી દારૂનો જથ્થો ઉતારવા માટે બુટલેગર નાગદાન ગઢવીને ગોડાઉન ભાડે આપ્યું હતું. તે અગાઉ રાજકોટ અને સાયલામાં વિદેશી દારૂના ત્રણ ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકકુમાર કલાલ, હેડ કોન્સ. સુભાષભાઇ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, કોન્સ. રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા સંજયભાઇ ખાખરીયા, પ્રવિણભાઇ જતાપરા, કૌશીકભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
(3:56 PM IST)










