<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

૧૫ દિવસ પહેલા પેટીયુ રળવા ઉત્તર પ્રદેશથી રાજકોટ આવેલા યુવાનનું હૃદય બેસી ગયું

બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો અન્‍ય બે બનાવમાં પારેવડી ચોકના તનુમતીબેન ઘોરડા અને કેન્‍દ્રાંચલ કવાર્ટરના દિપાલીબેન પરમારના પણ હાર્ટએટેકથી મૃત્‍યુ

 રાજકોટ તા. ૫: હૃદય બંધ પડી જવાની ઘટનામાં વધુ ત્રણ લોકોના મૃત્‍યુ થયા છે. માજોઠીનગરમાં એચજે સ્‍ટીલ સામે રહેતાં મુળ યુપીના યુવાનનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. પંદર દિવસ પહેલા જ તે યુપીથી પેટીયુ રળવા આવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ માજોઠીનગરમાં ભાઇ સાથે રહેતો યુપીનો રમેશ શુક્‍લભાઇ પ્રસાદ (ઉ.વ.૩૫) સાંજે ઘરે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. આજે સવારે દમ તોડી દીધો હતો. તેને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તે ત્રણ ભાઇમાં વચેટ હતો, સંતાનમાં બે પુત્ર છે. પંદર દિવસ પહેલા જ મજૂરી કરવા માટે રાજકોટ આવ્‍યો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇએ થોરાળા પોલીસને કરી હતી.

બીજા બનાવમાં પારેવડી ચોક સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તનુમતીબેન રમેશભાઇ ઘોરડા (ઉ.વ.૫૫) રાતે એકાદ વાગ્‍યે ઘરે  બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાન નથી, પતિ ચાંદી કામની મજૂરી કરે છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

જ્‍યારે ધરમ સિનેમા નજીક કેન્‍દ્રાંચલ ક્‍વાર્ટરમાં રહેતાં દિપાલીબેન અશોકભાઇ પરમાર (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં બે પુત્રી છે. પતિ ઇન્‍કમટેક્‍સમાં ફરજ બજાવે છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:02 PM IST)