News of Saturday, 5th October 2024
રસોડાના ચોરખાનામાં છુપાવ્યો હતો ૭ કિલો ગાંજોઃ અતિક મેતરને એસઓજીએ પકડયો : જુઓ વિડિયો

રાજકોટ તા. ૫: શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજા સાથે એક શખ્સને પકડી લીધો છે. પરમ દિવસે બજરંગવાડીમાંથી ફ્રુટના ધંધાર્થી જલાલમિંયાને ૧૯ કિલો મેફેડ્રોન ડ્રગ સાથે પકડયા બાદ વધુ એક ફ્રુટના ધંધાર્થીને ૭.૧૨૦ કિલોગ્રામ ગાંજા સાથે તેના ઘરમાંથી પકડી લેવાયો છે. આ શખ્સ અગાઉ દૂષ્કર્મના ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પાઠક સ્કૂલ પાછળ આવેલા આરએમસી આવાસ યોજના ક્વાટર્સમાં રહેતો અતીક સલિમ મેતર (ઉ.વ.૩૦) માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની તેમજ તેના ઘરમાં ગાજો છુપાવી રાખ્યાની બાતમી એએસઆઇ સમીરભાઇ શેખ અને કોન્સ. રવિભાઇ ધગલને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઘરમાં જઇ તપાસ કરતાં અતીક હાજર હતો, પરંતુ ઘરમાં ઠેકઠેકાણે શોધખોળ કરવા છતાં ગાંજો મળ્યો નહોતો. પાક્કી બાતમી હોઇ પોલીસે રૂમ રસોડાના ખુણે ખુણા ચકાસતાં રસોડાની લાદી સ્હેજ શંકાસ્પદ જણાતાં ત્યાં તપાસ કરતાં ચોરખાનુ નજરે પડયું હતું. લાદીને ઉંચકાવવા પ્રયાસ થતાં નીકળી ગઇ હતી અને અંદર ખાડામાંથી શંકાસ્પદ પડીકા મળ્યા હતાં. જે ગાંજો હોવાની ખાત્રી એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્યાયએ કરતાં પોલીસે રૂા. ૭૧૨૦૦નો ગાંજો કબ્જે કરી અતીકની ધરપકડ કરી ગુનો દાખલ કરાવ્યો હતો.
પ્રાથમિક પુછતાછમાં અતિકે કહ્યું હતું કે પોતે ફ્રુટનો ધંધો કરે છે. અગાઉ પોતે જંગલેશ્વરમાંથી છુટક લાવીને વેંચતો હતો. આ વખતે અમદાવાદથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હતું. પોલીસે ગાંજો અને મોબાઇલ ફોન, ગાંજાની પડીકી બનાવવાની કોથળીઓ, વજનકાંટો સહિત કુલ રૂ.૮૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ કરશે. આ શખ્સ દસ ગ્રામની પડીકી સો રૂપિયામાં વેંચતો હોવાનું રટણ કરતો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામલીયા, એએસઆઇ સમીરભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જીગ્નેશભાઇ અમરેલીયા, દીપકભાઇ ડાંગર, હરદેવસિંહ જાડેજા, કોન્સ. કીશોરભાઈ ઘુઘલ, દિવ્યરાજસિંહ રાણા, યોગીરાજસિંહ ગોહીલ, અનોપસિંહ ઝાલા, રવીભાઈ ઘુઘલ, અરૂણભાઇ બાંભણીયા, અમીતભાઇ ટુંડીયા તથા ડ્રા.એએસઆઇ કળષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:55 PM IST)










