News of Friday, 11th October 2024
ખાદીનું મહત્વ કયાં સુધી ? પ્રગતિ કયારે ? : વળતરની બગલઘોડીથી ખાદી ચાલી શકે, દોડી ન શકે...
ખાદી સંસ્થાઓની વર્ષોપુરાણી કાર્યપધ્ધતિ, સંચાલકોની નિતી-રિતી નવા જમાના સાથે તાલ ન મીલાવી શકે : સંસ્થાઓના વયોવૃધ્ધ અગ્રણીઓ પાસે ખાદી વેચાણને અગ્રેસર બનાવવાનો ‘રોડમેપ' નથી : વેચાણ કેન્દ્રોના ઓફીસ ટાઇમ મુજબના કામના કલાકોમાં ફેરફાર : કર્મચારીઓ, કામદારો, રોજમદારોના વેતન ભથ્થા વધારી, સંચાલકો - ટ્રસ્ટીઓના તોતીંગ ખોટા ખર્ચ ઘટાડી વેચાણને નવા જમાના મુજબ ‘ટ્રેન્ડી' બનાવાશે તો જ ગાંધીજયંતિના એકાદ અઠવાડીયુ વેંચાતી ખાદીનું વેચાણ વર્ષભર થશે અને અંત્યોદય વિકાસના ગાંધીજીના સપનાના સંપૂર્ણ સાકાર કરી શકાશે : ખાદી પ્રેમીની વ્યથા

તંત્રીશ્રી, તાજેતરમાં ગાંધીજયંતિના પ્રસંગે આપના સાંધ્ય દૈનિકમાં ખાદી વેચાણ અંગેની રાજકોટ સ્થિત એક અગ્રગણ્ય ખાદી સંસ્થાની જાહેરાત વાંચી તેમાં ગુજરાત ખાદી ઉપર ૩૦% અને ગુજરાત બહારની ખાદી (ખાદી સંસ્થાઓની ભાષામાં પરપ્રાંતવાદી) ઉપર ૨૦% વળતર (ડીસ્કાઉન્ટ)નું એલાન હતુ. આનો સીધો અર્થ એ છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે વળતર આકર્ષણ ઓછુ છે. આનો મતલબ કે વેચાણ ઓછુ રહે તેવી પુરી સંભાવના છે કારણ કે લોકોમાં ખાદી વેચાણનું ઓકટોબરમાં આકર્ષણ માત્ર આ જ કારણે હોય છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્ય મુદ્દો એ છે આમ થવાના કારણે શું છે ? ખાદી સંસ્થાએ અને તેના સંચાલકો આ વળતર વધારવા અને તેનો લાભ આમઇન્સાન સુધી પહોંચે તે માટે પુરી સંનિષ્ઠતા સાથે પ્રયત્નો અને રજુઆતો સરકાર સુધી કરતા નથી ? કદાચ કરતા હોય તો આમ કેમ થાય છે ? આમ પણ ૨જી ઓકટોબર (ગાંધીજયંતિ)થી શરૂ થતા ખાદી - વળતરમાં શરૂઆતના થોડા દિવસો (પ્રથમ સપ્તાહ) બાદ વેચાણ ઓછુ થાય છે. અને ક્રમશ : ઘટતુ જ જાય છે. ઓછા વળતરને કારણે લોકોનો ઉત્સાહ અને ખરીદી કરવાની વૃતિ ઓછો થઇ જાય તેમ છે. કારણ બહુ સ્પષ્ટ છે (૧) ખાદી વેચાણ લગભગ સીઝનલ ધંધા જેવુ થઇ ગયુ છે. આ કોઇ બારમાસી વ્યવસાય છે નહી. એટલે જે કંઇ કરવુ હોય તે આ સીઝનમાં જ થઇ શકે. પરંતુ ડીસ્કાઉન્ટ ઓછુ હોય તો લોકોમાં ખરીદીનો રસ ઓછો થઇ જાય. પરીણામે સીઝન નબળી જાય ત્યારે ‘પાડાના વાંકે પળાલીને ડામ' તે ન્યાયે દોષારોપણ કાર્યકરો ઉપર થાય છે કાયમનો ક્રમ છે.
(ર) ઓલ ઇન્ડિયા ખાદી કમીશન અને ગુજરાત ખાદી બોર્ડ આ બંને દ્વારા અપાતા વળતરનો સરવાળો બરાબર જાહેર થયુ ડીસ્કાઉન્ટ હોય છે. આ ઉપરાંત ખાદી સંસ્થાઓ પોતાની રીતે સંસ્થાકીય વળતર તેમાં ઉમેરતી હોય છે. આ વર્ષે સંસ્થાકીય વળતર ઉમેરાયાની જાણ લાગતી નથી. જો આનો જવાબ ‘હા' હોય તો પ્રશ્ન એ થાય છે કે શા માટે ? શું ખાદી સંસ્થાઓને વેચાણ વધારવામાં રસ નથી ? કે પછી સંસ્થાના પદાધિકારીઓને નિષ્ક્રીયતા, ‘હોતી હૈ ચલતી હૈ' વાળી નીતિરીતી કારણભુત છે ?
(૩) આમ પણ આવી ખાદી સંસ્થાઓમાં વહીવટ કરતા લોકો આધુનિક વેચાણ પધ્ધતિ જલ્દી અપનાવી શકતા નથી. રગશિયા માડાની જેમ ફરજના ભાગરૂપે આવા સંચાલકો ચાલુ વર્ષ સરકાર દ્વારા જાહેર થતા વળતરની રાહમાં આઠમક વેચાણ વ્યવસ્થા ગોઠવી શકતા નથી કે ગોઠવવવા માંગતા નથી ? આવા સંચાલકો જુનવાણી ગાંધીવાદી માનસીકતા છોડી શકતા નથી. બદલાતા સમય સાથે આગળનું પ્લાનીંગ વીચારતા નથી તો અમલમાં મુકી શકવાની હિંમત રાખતા નથી.
આવી ખાદી સંસ્થાઓના સંચાલકોએ દીલ્હી કે પછી ગાંધીનગર સુધી સતત અસરકારક અને સફળ રજુઆતો કરી છે ? જો કરી હોય તો ડીસ્કાઉન્ટ વધતુ કેમ નથી ? પાયાનો પ્રશ્ન એ છે કે આવા ખાદી આગેવાનોની ટોચના સત્તાધિશો સુધી ખાદી ક્ષેત્રની સમસ્યાઓ પહોંચાડવા અને તેને અનુરૂપ સરકારી નિર્ણયો લેવડાવી તેનો લાભ જનતા સુધી પહોંચાડવાની ત્રેવડ અને દાનત બંને કે બંનેમાંથી કોઇપણ એક છે ? આનો જવાબ નકારમાં હોય તો બહુ ખેદની વાત ગણાય. કારણ કે સરકારી પોલીસી આપમેળે બદલાતી નથી. તેને માટે સતત રજુઆતો કરવાની જરૂ રોય છે.
(૪) ખાદીનુ વજુદ અજાણતા અનાયસપણે વળતરના સીમીત દાયરામાં બાંધી દેવામાં આવ્યુ છે. વળતરની બગલથોડીથી ખાદી ચાલી શકે છે, દોડી શકતી નથી. વળતર વગરની ખાદીનુ ભરચક વેચાણ એક ખ્વાબ બની ગયુ છે આ ન ગમે તેવી ખાદીની મર્યાદા છે. સીમા છે. પરંતુ કોઇ આ વાસ્તવિકતા સ્વીકારવા માગતુ નથી. કારણ એ જ કે વળતરના વેન્ટીલેટરના આધારે અસ્તીત્વ ટકાવી રાખતી ખાદી સંસ્થાઓ આ લાઇફલાઇનની મોહતાજ બની ચુકી છે.
(પ) હાલના વડાપ્રધાનશ્રીની ખાદી વેચાણ વધારવાની નીતીરીતી ચાલુ જ છે. પરંતુ ખાદી સંસ્થાઓ પોઝીટીવલી અપગ્રેડ નહી થાય તો એકલા વડાપ્રધાનશ્રી પણ કેટલુ પ્રોત્સાહન આપે? વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી સત્તાધારી પક્ષ આ પ્રસંગે સામુહીક ખાદી ખરીદી કરે છે. આ પ્રોત્સાહીત કરનારૂ પગલુ છે. આવકારવા યોગ્ય છે પરંતુ રજી ઓકટોબરના એક દિવસ પછી વ્યકિતગત ખરીદી ધીમી પડી જાય છે. વેચાણ ઘટવા લાગે છે ઘટતુ જાય છે તે સરાજાહેર સત્ય છે ખાદીને ‘એક દીન કા સુલતાન' જેવી વ્યાપક પ્રસિધ્ધી મીડીયામાં આવી, અપાવી સંચાલકો પોતાની પીઠ થાબડી સંતોષ વ્યકત કરી પાછા જૈસે થૈની મુદ્દામાં ગોઠવાઇ જાય છે.
રાજકોટ હેડકવાર્ટર ધરાવતી રાજકોટની સૌરાષ્ટ્રમાં અને બહાર અમદાવાદ વગેરે શહેરોમાં ખાદીભવનો/ભંડારોની શ્રૃંખલા ધરાવતી સંસ્થાના અમદાવાદના ઇન્કસટ્રેઇક ચાર રસ્તા ઉપર આવેલા ખાદીભવનના રીનોવેશન બાદનું ઉદ્ધાટન ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની હસ્તે થયુ. આનંદની વાત છે મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભમાં ખાદી ખરીદી કરી તે પણ અનુકરણીય પગલુ છે. હકીકતમાં આ જગ્યાએ સંસ્થાના એક જ કમ્પાઉન્ડમાં બે જોડીયા ખાદીભવનો ‘નવદીપ અને ગૃહલક્ષ્મી' આવેલા છે. તેમાંથી શેમાં રીનોવેશન થયુ તે પણ પ્રેસનોટમાં સ્પષ્ટ નથી. તેના કર્મચારી મંડળ અને કર્મચારીઓના ફોટોગ્રાફ નથી કે વિગતો નથી. માત્ર પદાધિકારીઓના મુખ્યમંત્રીશ્રી સાથેના ફોટો પ્રગટ કરાવી પબ્લીસીટી અંકે કરી લેવાની વૃતિ કે દાનત યોગ્ય નથી. આ પહેલા પણ ગુજરાત કોલેજ પાસે આવેલ ‘ખાદી સરિતા'નું ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા થયુ હતુ. આ વળતરના પ્રસંગે નવી વાત જોઇ, સંસ્થાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુખ્યમંત્રીરીની હાજરીમાં પેટીરેંટીયો ચલાવતા દેખાયા. પેટીરેંટીયો ચલાવવાની આ યોજના મુખ્યમંત્રીરી ઇમ્પ્રેશ કરવાની અને તેના ફોટા મીડીયામાં પ્રસિધ્ધ કરાવવાથી શું હેતુ સિધ્ધ કરવાની આ બંને વયોવૃધ્ધ આગેવાનોની જેમ છે તે કદાચ ગાંધીજીને પણ ખબર નહી હોય. રેટીંયો ચલાવવાનો પ્રયત્ન હમણા જામનગરમાં એક જાણીતા કથાકારે પણ કરેલો. નિયમીત રેંટીયો ચલાવવાનો પ્રયત્ન હમણા જામનગરમાં એક જાણીતા કથાકારે પણ કરેલો. નિયમીત રેટીંયો ચલાવવાથી કોઇ ખાદી આગેવાન સાચા અર્થમાં ગાંધીવાદી બનતો નથી પરંતુ સમય જતા વધુને વધુ સંવેદનાહીન, આંડબરયુકત ન બની જાય તે જોવુ જોઇએ. હાલના સંસ્થાના અધ્યક્ષ અત્યંત વયોવૃધ્ધ છે અગાઉના પરાણે નિવૃતિ તરફ ધકેલવામાં આવેલા અધ્યક્ષ કરતા પણ વયોવૃધ્ધ છે ઉપાધ્યક્ષ પણ જીવનના એંસી ઉપરના દાયકા પસાર કરી ચુકેલા વયોવૃધધ છે એક માત્ર મંત્રી ઓછી ઉંમર ધરાવે છે. સંસ્થાના ખર્ચે અને જોખમે લકઝુરીયસ ફેસીલીટી ભોગવવાની મનોવૃતિ છોડી દેવી જોઇએ એમ મારૂ માનવુ છે કારણ કે આવી સગવડો પાછળ સંસ્થાના નાણાકીય માળખાનો ઉપયોગ થાય છે. તેના કરતા ઉત્તમ એ છે કે સંસ્થાના કર્મચારીઓને પગાર વધારો આપો, બીજા લાભો આપો, આપતા હોય તો વધારી આપો. સંસ્થાએ માત્ર વેચાણલક્ષી અભિગમ વિકસાવ્યો છે તેના પડદા પાછળ કર્મચારીઓ, કોન્ટ્રાકટ બેઈજ કાર્યકર્તાઓ, રોજમદારો તમામ સ્તરના કાર્યકર્તાઓ નિચા પગારધોરણો (વાસ્તવિક આજના નાણાકીય સંદર્ભે) થી મનોમન અકળાય છે. મુંઝાય છે તેમની દરકાર લેનારૂ કોઇ નથી. સંસ્થાના નિવૃત અને સ્વૈચ્છીક નિવૃત કાર્યકર્તાઓ પણ આવા અભિગમથી ભીન્ન છે, ઉદાસ છે. આવા અભિગમથી સંસ્થા કાર્યકર્તાઓ સાથે
તાદમ્ય સાધી શકતી નથી. પરિણામ તેમનામાં ઉત્સાહ વેચાણ પરત્વે રહે તો વધુ સમય ટકતો નથી. હમણા જ રાજકોટના એક વર્તમાનપત્રે ટકોર કરી લોકલાગણી જણાવી હતી. કે આ સંસ્થાના કાર્યકર્તાઓએ રાઇટ ટુ ટાઇમ એટલે કે (મારી સમજ મુજબ માત્ર ટાઇમ ટુ ટાઇમ) ફીકસ સમયગાળા સુધી વેચાણને બદલે વધુ ધ્યાન આપવુ જોઇએ. લાગણી સાચી છે. લાગણીને પ્રગટ કરી યથાયોગ્ય ધ્યાન દોરવાની પધ્ધતિ પણ આવકારવા યોગ્ય છે. પરંતુ આમા મોટાભાગના રોજમદાર કર્મચારી છે. (વળતર પુરતા જ) બાકીના ઓછા મહેનતાણા વાળા કોન્ટ્રાકટર બેઝઇ કાર્યકર્તા છે. એક બે ત્રણ જ કાયમી પગાર ધરાવે છે. બધાને ઘર પરિવાર સંભાળવા પડે છે. મોંઘવારી બધાને નડે છે. તેમાં પુરતુ કામનું નાણાકીય વળતર ન મળે તો કાર્યકર્તા હતોત્સાહ બને છે. વેચાણને ગતિ મળતી નથી, તે પણ સિકકાની બીજી બાજુ છે જે અંગે કદાચ વધુ જાણકારી કોઇને નથી.
આ ઉપરાંત સમયગાળા (આ સંસ્થામાં) સવારે ૧૧ થી સાંજે ૭ નો છે. અગાઉ આ સંસ્થામાં બે શીફટની પધ્ધતિ હતી અમદાવાદના ભવનોનું આંધળુ અનુકરણ કરી એક જ સમયગાળો નકકી કરવાનો નિર્ણય ભુલભરેલો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજાની માનસીકતા જુદી છે. દરેક જગ્યાએ એક જ ટાઇમ ઝોન લાગુ પાડવાથી કોઇ લાભલાભ થયા છે કે કેમ અને તે વેચાણના ભોગે થયા હોય તો આવકારવા યોગ્ય નથી. રાજકોટમાં પણ બીજી ખાદી સંસ્થાઓ બે શીફટમાં ચાલુ છે. ઓવરટાઇમમાં ઓફીસ ચાલે, વેચાણ કેન્દ્રો નહીં. તે વાત સંસ્થાએ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોના ટાઇમ સીલેકશન મુજબ બધુ ગોઠવવું જોઇએ. આમ ન થાય તો ‘‘ઉડે ઉડે'' થાય તે સહજ છે.
સંસ્થાના પરાણે સ્વૈચ્છીક નિવૃત્ત થયેલા અધ્યક્ષે નિવૃત્ત બાદ પણ સંસ્થાના અધ્યક્ષની ઇનોવા કાર અમદાવાદ મુકામે લાંબો સમય ઉપયોગમાં લીધાની ચર્ચા છે, જે સાચી હોય તો શરમજનક ગણી શકાય. વર્તમાન અધ્યક્ષ માટે નવીકાર (એસયુવી) ખરીદવાની પણ ઉતાવળ હતી. તેથી જુની કાર પાછી મેળવવાની જગ્યાએ નવી એસયુવી પસંદ કરી (મહિન્દ્રાની) સંસ્થા છે ને !! નવી વાત નથી અત્યારના વયોવૃધ્ધ અધ્યક્ષ ઉપાધ્યક્ષ હતા ત્યારે નવીનકોર તાતાની (પંચ) કાર ખરીદાઇ થોડા સમય બાદ સંસ્થાના પાર્કિંગમાં ‘‘પંચ'' શોભાના ગાંઠીયો બનીને ઉભી રહી ગઇ. રસપ્રદ વાત હવે આવે છે. જુના નિવૃત્ત અધ્યક્ષે કબજામાં રાખેલી ઇનોવા પરત સંસ્થામાં આવી ગઇ તે પહેલા તો નવી એસયુવી આવી ગઇ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગાંધીવાદી ખાદી સંસ્થા છે. કોઇ કોર્પોરેટર કંપની નથી. આવા ફાલતુ ખર્ચા બંધ કરી લાખો રૂા. કાર્યકર્તાઓ પાછળ ખર્ચા હોત તો મહેનત લેખે લાગત. આવી પરિસ્થિતિમાં કાર્યકર હતાશ અને હતોત્સાહ ન થાય તો શું થાય ?
કોઇ એક સંસ્થા ઉપર દોષારોપણનો હેતુ હરગીઝ નથી જ. બીજી પણ ખાદી સંસ્થાઓ છે. પરંતુ સૌરાષ્ટ્રની સૌથી મોટો બેઇઝ ધરાવતી સંસ્થા હોવાથી ઘણુબધુ લોકમુખે ચર્ચાય છે, નારાજગી કાનોકાન સંભળાય છે. દુઃખ થાય છે. આમા સાદગી, કરકસર કયાં છે ? કોઇ સમજાવશે તો આભારી થઇશ. સુધારો કરકસર કરવી હોય તો પોતાનાથી શરુઆત કરવી જોઇએ તેમ મહાત્મા ગાંધીના વિચાર હતા, સાદગી ગાંધીદર્શનની પુર્વશરત છે. સાદગીના સામે છેડે બેસી ખાદી સંસ્થાનો વિકાસ ન થાય તે સમજવાની જરૂર છે.
હવે મારા દ્રષ્ટકોણ સારી અને સાચી રીતે મુલવવાની જવાબદારી સંબધિતો ઉપર છે. કોઇને આ કઠોર નગ્ન સત્યથી માઠુ લાગે છે તો દિલગીર છું પરંતુ નગ્ન સત્ય એ જ હોય છે. ડેનીમ, સુની ખાદી કે ખાદી પોષાકો પાછળ થોડો સમય અદીઠ રહે છે. પરંતુ બહાર તો આવે છે. સ્વીકારવાની ખેલદીલી રાખવી હોય તો આપણે સૌ સંસ્થાને જુના ભવ્ય ગૌરવશાળી પથ ઉપર અગ્રેસર કરી શકીએ. આમા ખોટુ લગાડવાનો કે કોઇનું અવમૂલ્યન કરવાનો લેશમાત્ર હેતુ નથી, મારી શુભનિષ્ઠાની ખાતરી આપુ છું. સંસ્થાના વિકાસમાં રચનાત્મક સુચનો કર્યા છે. નિરપેક્ષ ભાવથી ચિંતન કરી સંબધિતો સાનુકુળ નીતિ બનાવે તેવી મારી ભાવના છે. આ અવલોકન છે દોષારોપણ નથી.
લિ. આશિષ યોગેન્દ્રભાઇ દવે
ખાદી શુભેચ્છક, શુભચિંતક
રાજકોટ
(11:05 AM IST)










