News of Saturday, 12th October 2024
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુઃ આઠ કલાકમાં આઠ મૃત્યુ ફર્નિચરના કોન્ટ્રાકટરનું પોલીસ સ્ટેશનમાં હૃદય બેસી ગયું
લેણા નીકળતાં પૈસા મામલે કારીગરે ઘરે આવી ઉઘરાણી કરતાં રેલનગરના મહેશભાઇ દુધાત્રા પ્ર.નગર પોલીસ સ્ટેશને અરજી કરવા આવ્યા અને ઢળી પડયાઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ અન્ય બનાવમાં હુડકોના ઇલાબેન ભીમજીયાણી અને બાલાગામના પ્રભુદાસભાઇ વાઢેરનું હાર્ટએટેકથી મૃત્યુઃ ગોંડલમાં ૮૬ વર્ષના નાગજીભાઇ રાદડીયાને અજાણી મહિલા ટુવ્હીલરની ઠોકરે લઇ ભાગી ગઇઃ રાજકોટમાં મૃત્યુ : રામેશ્વર સોસાયટીના પ્રવિણભાઇ બારડ, ઘંટેશ્વરના ગીરીશભાઇ સોલંકી, લાખાજીરાજ ઉદ્યોગનગરના વર્ષાબેન જરવરીયા, વૃધ્ધાશ્રમના નાનાલાલ જેઠવાએ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફરી વળ્યું હોઇ તેમ સાંજના સાત વાગ્યાથી લઇ વહેલી સવાર સુધીના આઠેક કલાકમાં આઠ લોકોના અલગ અલગ કારણોસર મૃત્યુ થયા હતાં. જેમાં રેલનગરમાં રહેતાં ફર્નિચરના કોન્ટ્રાક્ટર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં પોતાના કારીગર વિરૂધ્ધ અરજી કરવા આવ્યા હોઇ અહિ હૃદય રોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. કેશોદના બાલાગામના વૃધ્ધનું હાર્ટએટેક આવ્યા બાદ રાજકોટ સિવિલમાં મૃત્યુ થયું હતું. અન્ય બનાવમાં ગોંડલમાં હિટ એન્ડ રનમાં ઘવાયેલા વૃધ્ધનું પણ સિવિલમાં મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બનાવોમાં બેભાન હાલતમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ રેલનગર અવધ પાર્ક સોસાયટીમાં રહેતાં મહેશભાઇ વલ્લભભાઇ દુધાત્રા (ઉ.વ.૪૨) નામના ફર્નિચર કામના કોન્ટ્રાક્ટર ગત રાતે સાડા દસેક વાગ્યે પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે હતાં ત્યારે એકાએક ગભરામણ થવા માંડતા તેમની સાથે આવેલા કલર કામના કારીગર મહમદભાઇ સહિતે તુરત જ પોલીસની મદદથી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મહેશભાઇ દુધાત્રાને ફર્નિચાર કામના એક કારીગરે પૈસા મામલે ઘરે આવી માથાકુટ કરી હોઇ તે કારણે અરજી કરી હતી. તેનો જવાબ લખાવવા તેઓ અન્ય એક કારીગર સાથે પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં કેશોદના બાલાગામમાં રહેતાં પ્રભુદાસભાઇ ધનજીભાઇ વાઢેર (ઉ.વ.૮૦) દસમીએ સાંજે ઘરે બેભાન થઇ જતાં કેશોદ, જુનાગઢ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમના ત્રણ દિકરી મુંબઇ રહે છે. પોતે બાલાગામમાં એકલા રહેતાં હતાં. ભત્રીજા નાસ્તો આપવા ગયા ત્યારે બેભાન મળ્યા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
ત્રીજા બનાવમાં ગોંડલ ભવનાથ સોસાયટી-૨ શેરી નં. ૭માં રહેતાં નાગજીભાઇ પોપટભાઇ રાદડીયા (ઉ.વ.૮૬) દસમીએ સવારે ઘોઘાવદર સગાને મળીને પરત ગોંડલ આવી ઘોઘાવદર ચોક હનુમાનજી મંદિર પાસે વાહનમાંથી ઉતરી ચાલીને પોતાના ઘર તરફ જતાં હતાં ત્યારે અજાણી મહિલા ટુવ્હીલરની ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાતે તેમણે દમ તોડી દીધો હતો. તેઓ પાં ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં.
ચોથા બનાવમાં બાબરીયા કોલોની પાસે રામેશ્વર સોસાયટી-૨માં રહેતાં પ્રવિણભાઇ દાનસિંહ બારડ (ઉ.વ.૩૮) બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાંજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
પાંચમા બનાવમાં ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં નાનાલાલ મોરારજીભાઇ જેઠવા (ઉ.વ.૮૧) સાંજે બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન રાતે દમ તોડી દીધો હતો.
છઠ્ઠા બનાવમાં કોઠારીયા રોડ હુડકો કવાર્ટર માં રહેતાં ઇલાબેન યશવંતભાઇ ભીમજીયાણી (ઉ.વ.૫૨) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઇલાબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
સાતમા બનાવમાં ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં ગિરીશભાઇ રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૪) રાતે અગિયારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. ગિરીશભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. કેન્સરની બિમારી લાગુ પડયાનું સગાએ કહ્યું હતું.
આઠમા બનાવમાં લાખાજીરાજ ઉદ્યોગનગર-૮માં રહેતાં વર્ષાબેન રમેશભાઇ ઝરવરીયા (ઉ.વ.૨૨) રાતે અગિયારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વર્ષાબેન ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા રમેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણીને ટીબીની બિમારી લાગુ પડયાનું પરિવારજનોએ કહ્યું હતું.
આમ સાંજથી વહેલી પરોઢ સુધી સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં ઉપરોક્ત આઠ લોકોએ દમ તોડી દેતાં કાળચક્ર ફરી વળ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે જે તે પોલીસ સ્ટેશનોમાં એન્ટ્રીની નોંધ કરાવી હતી.
(11:40 AM IST)










