<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મોરબી રોડ પર કલેકટરનું ઓપરેશન : ૧૩ કરોડની જમીન ખુલ્લી : ઝુપડા - રેકડીઓ - રેતી - કપચીના ઢગલા

બુલડોઝર ફેરવી દેતા મામલતદાર : સીટી પ્રાંત-૧ પણ દોડી ગયા : જમીન ફરતે ફેન્‍સીંગ માટે દરખાસ્‍ત

રાજકોટ તા. ૧૬ : કલેકટરની સીધી સૂચના બાદ પૂર્વ વિભાગના મામલતદાર શ્રી ચાવડા અને સ્‍ટાફે મોરબી રોડ ઉપર ઓપરેશન હાથ ધરી રૂા. ૧૩ કરોડની કિંમતની રેવન્‍યુ સર્વે નંબર ૯૧ પૈકી ટીપી સ્‍કીમ નંબર ૧૨ના એફપી નંબર-૫૫ની ૩૨૭૧ ચો.મી. જમીન પરનું દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો. આ જમીન ફરતે ફેન્‍સીંગ કરવા કલેકટરને દરખાસ્‍ત કરાઇ છે, ૭ થી ૮ મહિના પહેલાનું આ દબાણ હોવાનું બહાર આવ્‍યું છે, દબાણ હટાવ ઓપરેશન સમયે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર પણ હાજર રહ્યા હતા. મોરબી રોડ પૂર્વ વિસ્‍તારમાં ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે મોરબી હાઇવે તરફ ફોર્જ એન્‍ડ ફોર્જ કંપનીની બાજુમાં સરકારી જમીન ઉપર ૮ દબાણકારોએ દબાણ કરી નાંખ્‍યું હતું, જે સંદર્ભે ૪ ઓકટોબરે તમામને નોટીસો ફટકારાઇ હતી, આમ છતાં દબાણ નહિ હટાવાતા આખરે બુલડોઝર ફેરવી દેવાયું હતું. જમીન ઉપર ૩-રહેણાંક ઝુંપડા, ઇંડાની, ચાની, નાસ્‍તાની રેકડીઓ - રેતી - કપચીના ૮ ધંધાર્થીઓએ દબાણ કર્યું હતું, તે બધુ દૂર કરાયું હતું. આ કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર સત્‍યમ શેરસીયા, જે.એચ.સાંબડ, તલાટી ધારા વ્‍યાસ, પોલીસ સ્‍ટાફ, જીઇબી સ્‍ટાફ વિગેરે જોડાયા હતા.

(2:58 PM IST)