તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૩ શનિવાર
News of Wednesday, 16th October 2024
સાંઢીયા પુલના કામમાં ગતિ : કાલથી સેન્ટ્રલ સ્પાન તોડાશે
ડાયમંડ કટરથી કરાશે કામગીરી : ૧૦ દિવસમાં થશે પૂર્ણ : ત્યારબાદ સિવીલ તરફના ભાગનું ડીમોલેશન કરાશે

રાજકોટ તા. ૧૬ : શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલની જગ્યાએ ૬૨.૬૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવા માટે બે વર્ષની મુદત આપવામાં આવી છે.
મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહી આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ હતી. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ આ બ્રીજને જોખમી જાહેર કર્યો હતો.
દરમિયાન ૬૨ કરોડના ખર્ચે આ પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરવા આખરે મનપા તંત્ર દ્વારા તમામ ઔપચારિકતા પૂર્ણ કરી સાંઢીયા પુલને તોડવાનું કામ શરૂ કરાયું છે. સેન્ટ્રલ પોશન તોડવા માટે પણ રેલવે દ્વારા મંજુરી મળી ગઇ છે. જે ગઇકાલથી તોડવાનું કામ શરૂ કરવાનું હતું પણ વરસાદના કારણે શકય બન્યું ન હતું.
આ સેન્ટ્રલ સ્પાન ૧૨×૧૦ મીટરનો છે, જેને ડાયમંડ કટરથી કાપવામાં આવશે. તોડવાનું શરૂ કર્યા બાદ લગભગ ૧૦ દિવસમાં કામ પૂર્ણ થશે. આ ટેકનીકથી રેલવે ટ્રેકને પણ કોઇ નુકશાન નહીં થાય.
હાલ એરપોર્ટ બગીચા તરફનો ભાગ તોડી નાખવામાં આવ્યો છે. જ્યારે સીવીલ હોસ્પિટલ તરફનો ભાગ બાકી છે જેને મધ્યસ્થ ભાગ તુટયા બાદ પાડવામાં આવનાર છે. ૭૪ ખર્ચે નિર્માણ પામનાર નવા બ્રીજની કામગીરીને વેગ મળનાર છે.
રાજકોટનો પહેલો બ્રિજ છે જે તોડીને બનાવવાનો છે એટલે ૧૮ મહિનાના કારણે ૨૪ મહિના થશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્યુડીએ બ્રિજ બનાવ્યો હતો.
આ બ્રીજના કામ શરૂ થવાથી જામનગર રોડ પરના પેટ્રોલ પંપની બાજુમાંથી ભોમેશ્વરથી ડાઇવર્ઝન કાઢવામાં આવ્યું છે. જ્યારે બ્રિજ નીચે પરસાણાથી ભોમેશ્વર સુધીન રોડ બનશે. જેથી જામનગર રોડ પર ટ્રાફિક હળવો થશે અને લોકોનો સમય પણ બચશે.
બ્રીજની ટેકનિકલ માહિતી
કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્પિટલ સાઇડ ૨૯૮, માધાપર સાઇડ ૨૬૮, વચ્ચે ૩૬ મીટરનો રહેશે. કુલ ૧૬.૪૦ મીટર એટલે કે ૫૪ ફુટનો બ્રિજ બનશે. આ બ્રિજમાં ૨૦ પીલર અને ૨૨ સ્પામ બનાવાશે.
(3:31 PM IST)










