તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
જેન્તીભાઇને વેવાઇ, વેવાણ કહેતાં જમીન અમારી દિકરીના નામે નહિ કરો તો તમારા દિકરાનો ઘરસંસાર બગાડશું!
ઓમનગર ન્યુ રાજદિપ સોસાયટીના વૃધ્ધના આપઘાતમાં પુત્રવધૂ-વેવાઇ પક્ષ સામે ગુનો દાખલ થયો : પુત્રવધૂ ભુમિકા કહેતી-ચાર વીઘા જમીન મારા નામે નહિ કરો તો તમારા પોૈત્રને સુખેથી રહેવા નહિ દઉઃ ભુમિકાના મામાજીએ પણ હેરાન કરી દેવાની ધમકી આપતાં અંતે જેન્તીભાઇ કારેણાએ જીવ દીધો હતો : આપઘાત કરનાર વૃધ્ધના પુત્ર સંદિપ કારેણાની ફરિયાદ પરથી તેની પત્નિ ભુમિકા, સસરા પરબત રામશી, સાસુ હંસાબેન, મામાજી જેન્તી રાજા વિરૂધ્ધ તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી :વેવાઇ પરબત પીપરોતર અને વેવાણ હંસાબેન કહેતાં કે-તમારા દિકરાને કોઇ દિકરી આપે તેમ નહોતું, અમે દિકરી આપી તો તમારે અમે કહીએ તેમ કરવું પડશે, સરખા નહિ ચાલો તો દિકરી પાછી લઇ જઇશું :જેન્તીભાઇના કારેણાના દિકરા સંદિપનો સાળો પિયુષ સટ્ટામાં ૮૫ લાખ હારી જતાં તેમની જમીન પર વેવાઇ પક્ષે ડોળો નાંખ્યો હતો

રાજકોટ તા. ૧૬: શહેરના મવડી ૪૦ ફુટ રોડ ઓમનગર ન્યુ રાજદિપ સોસાયટી-૨માં રહેતાં જેન્તીલાલ કાનજીભાઇ કારેણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પુર્વે તેમણે પુત્રવધૂ, વેવાઇ સહિતના ચાર લોકો પોતાના મોત માટે જવાબદાર હોવાની સ્યુસાઇડ નોટ લખી હતી. તેના આધારે પોલીસે ચાર લોકો સામે આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
પોલીસે આપઘાત કરનાર જેન્તીભાઇ કારેણાના પુત્ર સંદિપ જેન્તીભાઇ કારેણા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી સંદિપના પત્નિ ભુમિકા, સસરા પરબત રામશીભાઇ પીપરોતર, સાસુ હંસાબેન પરબતભાઇ પીપરોતર (રહે. અમરોલી સુરત) તથા જેન્તીભાઇ રાજાભાઇ નનેરા (રહે. રોજીવાડા પોરબંદર) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સંદિપે ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પત્નિ ભુમિકા પાંચેક મહિનાથી રિસામણે તેના પિતા પરબતભાઇ પીપરોતર તથા માતા હંસાબેન સાથે સુરત અમરોલી ખાતે રહે છે. મારા આ બીજા લગ્ન છે. પ્રથમ પત્નિ સાથે આઠેક વર્ષ પહેલા છુટાછેડા થયા હતાં. પ્રથમ પત્નિથી એક દિકરો છે જે અગિયાર વર્ષનો છે. મારુ મુળ ગામ રાણાવાવનું ખીરસરા છે. જ્યાં મારા પિતાને ખેતીની ૮ વીઘા જમીન છે. મારા પિતા તથા મારા પત્નિ ભુમિકા રાજકોટમાં ૪૦ ફુટ રોડ પર રાધીકા ફેશન નામે ડ્રેસ મટીરીયલ્સની દુકાન ચલાવતાં હતાં.
મારા લગ્ન છ વર્ષ પહેલા ભુમિકા સાથે થયા હતાં. લગ્ન બાદ હું માતા, પિતા, પત્નિ અને મારા આગલા બાળક સાથે સંયુક્ત પરિવારમાં રહુ છું. અગાઉ મારા સસરાને ધંધો કરવા માટે નાણાની જૂર પડતાં તેણે મારા પિતાને વાત કરતાં મારા પિતાએ ૧૦ તોલા સોનાના દાગીના ગોલ્ડ લોન લેવા આપ્યા હતાં. પરંતુ ચાર વર્ષ સુધી મારા સસરાએ આ રકમ પાછી આપી નહોતી. તે મારા પિતાને કહેતાં કે-તારા દિકરાને કોઇ દિકરી દે તેમ નહોતું, તેમ છતાં અમે દિકરી આપી છે. જો સરખા નહિ ચાલો તો અમારી દિકરીને પાછી લઇ જઇશું. અમે કહીએ તેમ તમારે કરવું પડશે. તેમ કહી તે દબાણ કરતાં હતાં.
એકાદ વર્ષ પ્હેલા મારા પિતાએ આપેલુ સોનુ અમને પાછુ આપેલ. એ પછી આજથી પાંચેક માસ પહેલા મારાો સાળો પિયુષ પરબતભાઇ પીપરોતર સટ્ટામાં ૮૫ લાખ હારી જતાં મારા સાસુ-સસરાએ મારા પિતાને દબાણ કરેલ કે-અમને હાલ ખુબ આર્થિક નુકસાની થઇ છે, તમારી આઠ વિઘા જમીનમાંથી ચાર વીઘા જમીન અમારી દિકરી ભુમિકાના નામે કરી દો. જેની સામે મારા પિતાએ ના પાડી દીધી હતી. આ કારણે મારા સાસુ-સસરા અવાર-નવાર ફોન કરી મારા પિતાને દબાણ કરતાં કે તમે જમીન અમારી દિકરીના નામે નહિ કરો તો તમારા દિકરાનો ઘરસંસાર નહિ ચાલે. તેમ કહી ધમકી આપતાં હતાં. મારી પત્નિ ભુમિકા પણ હઠ લઇને બેસી ગઇ હતી કે મને ઘરમાં રાખવી હોય તો ચાર વીઘા જમીન મારા નામે કરવી જ પડશે નહિતર હું તમારા પોૈત્ર હિતને સુખેથી રહેવા નહિ દઉં. તેમ કહી તે ઘરમાં કંકાસ ઝઘડો કરતી હતી.
મારા પિતા ખુબ જ લાગણીશીલ સ્વભાવના હતાં. તેમને મારી અને મારા દિકરા હિતની ખુબ ચિંતા હતી. પાચેક મહિના પહેલા ભુમિકા દૂકાન માટે ડ્રેસ મટીરીયલ્સનું કાપડ ખરીદવા સુરત જાઉ છું તેમ કહીને ગઇ હતી અને પછી માવતરે જતી રહી હતી. એ પછી પણ મારા પિતાજીને મારી પત્નિ, સાસુ અને મારા સસરા ફોન કરીને જમીન નામે કરી દેવા દબાણ કરતાં હતાં. આ ત્રણેયના ત્રાસને લીધે મારા પિતાજીએ ૧૬/૭/૨૪ના રોજ અમારી દુકાને ઝેરી દવા પી લેતાં આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. સારવાર બાદ સારુ થઇ ગયું હતું. ત્યારે પણ મારા પિતાએ એક ચીઠ્ઠી લખતી હતી. પણ સમાજમાં બદનામી ન થાય અને મારો ઘરસંસાર બગડે નહિ તેથી ફરિયાદ કરી નહોતી.
સંદિપ કારેણાએ આગળ જણાવ્યું છે કે મારા પિતાને સારુ થઇ ગયા બાદ તેમણે મારા સાસુ-સસરા-પત્નિ સાથે સમાધાનના પ્રાયસ કર્યા હતાં. મારા મામાજી જેન્તીભાઇ નનેરા (રોજીવાડા)ને પણ સમાધાન બાબતે વાત કરતાં તેણે પણ ઝઘડો કર્યો હતો. તેણે કહેલું કે-જમીન તો તમારે ભુમિકાના નામે કરવી જ પડશે, નહિતર હું તમારી ઘરે આવી કરીયાવરનો સામાન ભરી જઇશ અને હરાન કરી દઇશ.
આમ મારા પિતા આ લોકોના ત્રાસને કારણે ઘણા સમયથી ચિંતામાં હતાં. અંતે તેમણે સોમવારે ૧૪/૧૦ના રોજ ઝેરી દવા પી લીધી હતી. તેને હોસ્પિટલે લઇ જતાં હતાં ત્યારે ભાનમાં હોઇ તેમણે કહેલુ કે-તારા સાસરિયાવાળાના ત્રાસને કારણે મેં સેલ્ફોસ પાવડર પી લીધો છે. સારવાર દરમિયાન મારા પિતાનું મોત થયું હતું. ઘરમાં ખાટલા પરના ગાદલાના ઓશીકા નીચેથી એક ચીઠ્ઠી મળી હતી, જેમાં મારા મોત માટે ખાસ જવાબદાર પરબત રામશી, હંસા પરબત, જેન્તી રાજા અને ભુમિકા છે તેવું લખ્યું હતું. આ લોકોના ત્રાસથી મારા પિતા મરવા મજબુર થયા હતાં.
પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એમ. આઇ. શેખે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
(3:44 PM IST)










