News of Thursday, 17th October 2024
વાગુદડનાં મહંતે પચાવી પાડેલ ૧૦ કરોડની ર એકર જમીન ખુલ્લી કરાવતા કલેકટરઃ બુલડોઝર ફેરવી દેવાયું
જેને ત્યાંથી ગાંજાનું વાવેતર પકડાયું હતું : અગાઉ ૩ મહિના પહેલા જીએસટી કમિશનરની ગાડીમાં તોડફોડ કરી હતીઃ આશ્રમ-ઓરડી-ખેતીનું દબાણ કરી લીધુ હતું

રાજકોટ તા. ૧૭ :.. વાગુદડમાં કિંમતી મનાતી ૧૦ કરોડની સરકારી જમીન ઉપર દબાણ કરનાર મહંત યોગી ધીરેન્દ્નાથને નોટીસ અપાયા બાદ આજે કલેકટરની સુચના બાદ લોધીકા મામલતદાર અને તેમના સ્ટાફે પોલીસ અને વીજ ટીમને સાથે રાખી આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દઇ અંદાજે ૧૦ કરોડની કિંમતની ર એકર જગ્યા ખુલ્લી કરાવી હતી. અને કલેકટરને રીપોર્ટ કરી દિધો છે.
આ મહંતે ર થી ૩ મહિના પહેલા રાજકોટમાં જીએસટી ના કમિશનરની ગાડીમાં તોડફોડ કરી હતી, આ પછી પોલીસે અટકાયત કરી તેના આશ્રમમાં તપાસ કરતા ગાંજાનું વાવેતર કર્યાનું અને જયાં આશ્રમ ઉભો કરાયો તે જમીન સરકારી હોવાનું ખૂલતા લોધીકા મામલતદારે નોટીસ ફટકારી હતી, અને તે કેસ ચાલી જતા મામલતદાર શ્રી જગડ, સર્કલ શ્રી નિખીલ મહેતા અને પોલીસ સ્ટાફે ધસી જઇ, ખેતીનું તથા આશ્રમ ફરતે ઉભી કરાયેલ ઓરડીઓ, ફેન્સીંગ ઉપર બુલડોઝર ફેરવી દઇ સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
(10:52 AM IST)










