News of Thursday, 17th October 2024
હૃદય ધબકારા ચુકી જતાં યુવાન સહિત ૪ના મૃત્યુ
શિવાજીનગરના મુકેશભાઇ સોલંકી, નવી પપૈયાવાડીના શેર બ્રોકર મિલનભાઇ રાઠોડ અને અમદાવાદથી રાજકોટ ગ્રીનલીફમાં મિત્ર સાથે આવેલા ગોપાલભાઇ ખટીક ઢળી પડયાઃ નુરાનીપરામાં દરજી કામની દૂકાનમાં જહાંગીરભાઇ મુલતાની બેભાન થયાઃ તમામે સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો બેભાન હાલતમાં ૩૩ વર્ષના મહેશભાઇ અને ૩૫ વર્ષના જયદેવભાઇનો જીવ ગયો

રાજકોટ તા. ૧૭: એકાએક હૃદય બેસી જવાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. રાજકોટના એક યુવાન, એક આધેડ અને અમદાવાદના આધેડ, રાજકોટના એક પ્રોઢ સહિત ૪ના હાર્ટએટેક તથી મૃત્યુ થયા છે.
જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ શિવાજીનગર-૧૧માં રહેતો મુકેશભાઇ નારણભાઇ (નરસીભાઇ) સોલંકી (ઉ.વ.૩૮) રાતે ત્રણેક વાગ્યે બાથરૂમમાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયુ઼ હતું. તેને અગાઉ પણ એક હાર્ટએટેક આવી ગયો હતો. આ વખતે એટેક જીવલેણ નીવડયો હતો. મુકેશભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા નંબરે હતાં. સંતાનમાં ચાર દિકરીઓ છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બીજા બનાવમાં ગોકુલધામ રોડ પર નવી પપૈયાવાડી શેરી નં. ૩માં રહેતાં મિલનભાઇ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૪૭) રાતે પોણા અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેઓ બે ભાઇમાં મોટા હતાં અને શેર બ્રોકીગનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં અમદાવાદ ઇસનપુરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં ગોપાલભાઇ કયુરજીભાઇ ખટીક (ઉ.વ.૪૫) રાતે પોણા દસેક વાગ્યે રાજકોટ ઘંટેશ્વર પાસે ગ્રીન લીફ પાસે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. ગોપાલભાઇ પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેના મિત્રો ગ્રીન લીફમાં ઇવેન્ટમાં ડ્રમ વગાડવા આવ્યા હોઇ પોતે તેની સાથે અહિ આવ્યા હતાં અને હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયાનું જણાવાયું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં કોઠારીયા સોલવન્ટ નજીક બરકતી નગર મેઇન રોડ મહંમદી બાગમાં રહેતાં જહાંગીરભાઇ નિઝામુદ્દીનભાઇ મુલતાની (ઉ.વ.૫૪) સવારે કોઠારીયા રેલવે સ્ટેશન પાસે નુરાનીપરામાં મુલતાની ટ્રેઇલર નામની દુકાને હતો ત્યારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ દરજી કામ કરતાં હતા અને પાંચ ભાઇ, ચાર બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
જ્યારે બેભાન હાલતમાં બે યુવાનના મૃત્યુ થયા હતાં. જેમાં કાલાવડ રોડ સંસ્કૃતિ પાર્ટી પ્લોટ નજીક પરિશ્રમ હાઉસીંગમાં રહેતો મહેશભાઇ શાંતિલાલ મેરીયા (ઉ.વ.૩૩) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દીધો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો તથા રિક્ષા હંકારતો હતો. લીવર કિડની ફેઇલ થઇ ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં મનહરપુરમાં દ્વારકાધીશ પંપ પાસે રહેતો જયદેવભાઇ જીતેન્દ્રભાઇ તલસાણીસયા (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ જીવ બચ્યો નહોતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો અને કુંવારો હતો. છએક મહિનાથી બિમાર હોઇ કામ કરી શકતો નહોતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પાંચેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(2:49 PM IST)










