<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં આરટીઓ એજન્‍ટ રાજેન્‍દ્રભાઇ ખુંગલાનું મોત

ચોકડીએ આટો મારી ઘરે મનહર સોસાયટીમાં ઘરે જતી વખતે બનાવઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૮: ગ્રીનલેન્‍ડ ચોકડીથી મોરબી રોડ તરફના રસ્‍તા પર રાતે બાઇક સ્‍લીપ થઇ જતાં મનહર સોસાયટીમાં રહેતાં આરટીઓ એજન્‍ટ આધેડનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાતે દસેક વાગ્‍યે ગ્રીલેન્‍ડ ચોકડીથી મોરબી રોડ તરફ જકાતનાકા પાસે એચપીના પંપ નજીક બાઇક સ્‍લીપ થતાં ચાલક ફંગોળાઇ ગયા હતાં. બનાવની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ભાવેશભાઇ વાઢેર અને પાઇલોટ મયુર ગોહેલે પહોંચી તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. ગંભીર ઇજા પામનારે પોતાનું નામ રાજુભાઇ બોરીચા કહ્યું હતું. દરમિયાન તેમની પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે ૧૦૮ની ટીમે સગાને જાણ કરવા કાર્યવાહી કરતાં સગા આવી પહોંચ્‍યા હતાં.

બીજી તરફ સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ થયું હતું. તેમનું નામ રાજેન્‍દ્રભાઇ નવલભાઇ ખુંગલા (ઉ.વ.૪૫) હોવાનું અને તેઓ જુના માર્કેટ યાર્ડ નજીક મનહર સોસાયટીમાં રહેતાં હોવાનું ખુલ્‍યું હતું. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને આરટીઓ એજન્‍ટ તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. ૧૦૮ના પાઇલોટ અને ઇએમટીએ મૃતકના સગાને સોનાની વીંટી, છ હજારની રોકડ અને મોબાઇલ ફોન સોંપ્‍યા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

તસ્‍વીરમાં રાજેન્‍દ્રભાઇ ખુંગલા સારવારમાં હતાં ત્‍યારનું દ્રશ્‍ય અને તેમના સગાને ચીજવસ્‍તુ સુપરત કરી રહેલા ૧૦૮ના કર્મચારી જોઇ શકાય છે. સારવાર દરમિયાન રાજેન્‍દ્રભાઇએ દમ તોડી દીધો હતો.

(12:09 PM IST)