<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ફાયર એનઓસી અપાવવા ૩૦ હજારની લાંચ લેતાં ખાનગી પેઢીનો માણસ દબોચાઇ ગયોઃ ફાયર બ્રિગેડના કેટલાકના તપેલા ચડશે?

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર, ડે. ચીફ ફાયર ઓફિસર જેલમાં ગયાઃ નવા આવેલા અધિકારી પણ લાંચમાં પકડાયા હતાં, છતાં આ બદ્દી જેમની તેમ! : પ્રોપર્ટી એક્‍સપોના ડોમ માટે એનઓસી અપાવવા સ્‍પેસિફીક ફાયર પ્રોટેક્‍શન લિ.નો સેલ્‍સ એક્‍ઝીક્‍યુટીવે લાંચ માંગી હતીઃ એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની રાહબરીમાં જામનગર એસીબી પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં છટકુ ગોઠવ્‍યું

રાજકોટ તા. ૧૯: શહેરમાં ગોઝારા ટીઆરપી ગેમ ઝોનમાં સત્‍યાવીસ નિર્દોષ લોકોના મોત થયા હતાં. આ ઘટના પછી દાખલ થયેલી એફઆઇઆરને પગલે ધડાધડ કાર્યવાહી થઇ હતી. ગેમ ઝોનનાં અગ્નિકાંડના પગલે ચીફ ફાયર ઓફિસર અને  ડે. ચીફ ફાયર ઓફિસરની લાંચ રૂશ્વત હેઠળના ગુનામાં ધરપકડ થઈ  હતી. ત્‍યારબાદ ચીફ ફાયર ઓફિસરની જગ્‍યાએ મારૂને મુકાયા હતાં. તેને પણ થોડા સમય પહેલા એસીબીએ લાંચ લેતાં ઝડપી લીધા હતા. ત્‍યાં હવે ે ફાયર એનઓસી માટે રૂા. ૩૦ હજારની લાંચ લેતા સ્‍પેસિફીક ફાયર પ્રોટેક્‍શન લીમીટેડમાં સેલ્‍સ એક્‍ઝીક્‍યુટીવ તરીકે કામ કરતાં કૌશિક પીપરોતર નામના શખ્‍સને રાજકોટ એસીબીએ રૂા. ૩૦ હજારની લાંચ લેતાં ઝડપી લેતાં ચકચાર જાગી છે.

એસીબીના સુત્રોએ જાહેર કરેલી વિગતો અનુસાર ફરિયાદીને પ્રોપર્ટી એક્‍સપો-૨૦૨૪ માટે ટેમ્‍પરરી ડોમનું નિર્માણ કરવાનું હોઇ તેના માટે ફાયર એનઓસી મેળવવી જરૂરી હતી. આ દરમિયાન આરોપી કોૈશિક પિપરોતરે ફયિરાદીનો સંપર્ક કરી પોતાને રાજકોટ ફાયર બ્રિગેડમાં એનઓસી આપતાં અધિકારીઓ સાથે સંબંધ છે તેમ કહી એનઓસી મંજુર કરાવવી હોય તો કાયદેસરની ફી ઉપરાંત ૩૦ હજાર રૂપિયા થશે તેમ કહી પોતે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નાણાકીય વ્‍યવહાર કરી આ કામ કરાવી આપશે તેવું કહ્યું હતું.

પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્‍છતા ન હોઇ તેણે એસીબીનો સંપર્ક કરતાં એસીબીની ટીમે છટકુ ગોઠવ્‍યું હતું અને ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં મોમાઇ ચા સેન્‍ટર પાસે કોૈશિક પીપરોતરને રૂા. ૩૦ હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો. કોૈશિક ખરેખર ફાયર બ્રિગેડમાં કોઇને ઓળખે છે કે કેમ? તે કોના મારફત આ એનઓસી અપાવી દેવાનો હતો? તે સહિતની તપાસ થઇ રહી છે. એસીબીના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની રાહબરીમાં જામનગર એસીબી પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા કોૈશિકની વિશેષ પુછતાછ માટે તેને રિમાન્‍ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરાશે. તપાસ દરમિયાન ફાયર બ્રિગેડના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓના નામ ખુલવાની શક્‍યતા હોવાનો અણસાર ઉચ્‍ચ અધિકારીએ આપ્‍યો છે. અગાઉ પણ ફાયર બ્રિગેડના અધિકારીઓ લાંચના દૂષણને કારણે જેલભેગા થયા છે. હવે કોનો વારો આવશે? તે અંગે ચર્ચા જાગી છે.

(11:48 AM IST)