News of Saturday, 19th October 2024
આગામી ૨૭ ઓકટોબરથી રાજકોટ એરપોર્ટ પરથી નવી હૈદરાબાદ ફલાઇટનો ઉમેરોઃ શિયાળુ સમયપત્રક જાહેર

રાજકોટ,તા. ૧૯: અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ૨૭ ઓક્ટોબરથી શરૂ થતા નવા શિડ્યૂલમાં એક માત્ર હૈદરાબાદની ફ્લાઇટનો ઉમેરો થશે. મહત્ત્વની વાત એ છે કે, ઓક્ટોબર મહિનામાં વિદેશની ફ્લાઈટ શરૂ કરવા માટે ખુદ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે જાહેરાતનો ફિયાસ્કો થતો દેખાઇ રહ્યો છે. કારણ કે ઓક્ટોબર માસના અંતમાં વિન્ટર શિડ્યૂલમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ નથી.
ઇન્ડિગો દ્વારા રાજકોટથી પુણે જવા માગતા મુસાફરો માટે તાજેતરમાં જ મોટું એરક્રાફ્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૨૩૨ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે ઉડાન ભરે છે. આ ઉપરાંત હૈદરાબાદની એક દૈનિક ફ્લાઈટ છે.
આ સિવાય ગોવા જવા માટે મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ૩ દિવસ મુસાફરોને ફ્લાઈટ મળી રહેશે. જ્યારે સુરત જવા માટે વિસ્તારાનું નાનું એરક્રાફ્ટ દરરોજ ઉડાન ભરે છે. જો કે, તેમાં માત્ર ૯ મુસાફરો જ બેસી શકે છે. જ્યારે અમદાવાદની એકમાત્ર ફ્લાઈટ બુધવાર સિવાય દરરોજ ઉડાન ભરશે.

(2:27 PM IST)










