News of Saturday, 19th October 2024
મારવાડી યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં યુગાન્ડાનો દેશપ્રેમ છલકાયો : વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્રય પર્વની ઉજવણી

રાજકોટ : દેશનું ગૌરવ સૌને હોય. ત્યારે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે રહીને અભ્યાસ કરતા યુગાન્ડાના વિદ્યાર્થીઓએ પોતાના દેશ યુગાન્ડાના સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી દેશપ્રેમ જતાવ્યો હતો. જે રીતે ભારત ૧૫ મી ઓગસ્ટે સ્વતંત્રા દિવસ મનાવે છે. તે રીતે યુગાન્ડા ૯ મી ઓકટોબરે સ્વતંત્રતા દિવસ મનાવે છે. ભારતમાં આશરે ૪૦૦ યુગાન્ડાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટમાં જ આશરે ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ મારવાડી અને આર.કે. યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓએ મારવાડી યુનિવર્સિટીના વિશાળ ઓડીટોરીયમમાં પોતાના દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી. યુગાન્ડાની સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમો રજુ કરેલ. આ કાર્યક્રમને શોભાવવા યુગાન્ડાના હાય કમિશ્નર જોયસી કાકુરામત્સી તેમજ યુગાન્ડા/ઇન્ડિયાના પેટર્ન રાજેશ જી. કપ્લોત તેમજ સ્ટુડન્ટ યુનિયનના લીડરો, રાજકોટના સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રૂપાલાજીએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે યુગાન્ડા અને ઇન્ડિયા વચ્ચેના સંબંધો વર્ષોથી સારા રહ્યા છે. વિદ્યાર્થીઓનો દેશ પ્રત્યેનો પ્રેમ અને આદર તેમના કાર્યક્રમોમાં છલકાય રહ્યો છે. અહીં વંદેમાતરમ રાષ્ટ્રગીત બાદ યુગાન્ડાના રાષ્ટ્રગીતની ખુબ સરસ રીતે રાજુઆત થઇ હતી. શહેરના મેયર નયનાબેન પેઢડીયાએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે મહેમાનોનું સન્માન કરવામાં આવેલ. ઉપરાંત વિજય કારીયા અને બીગ ટ્રી વિઝનના ચેરમેન અભિષેક કારિયાનું પણ સન્માન કરાયુ હતુ. આ તકે મિલનભાઇ રાણપરાનો પણ આભાર વ્યકત કરાયો હતો.
(3:59 PM IST)










