News of Tuesday, 22nd October 2024
મનપામાં જુનિયર કલાર્ક સહિતની જગ્યાઓની ભરતી તાકિદે કરોઃ રજુઆત
અરજીઓ સ્વીકાર્યાના ૧૦ મહિના બાદ તંત્ર દ્વારા તાત્કાલીક પરીક્ષા લેવા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની માંગઃ આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ,તા. ૨૨: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ મહિના પહેલા બહાર પાડેલી ૨૧૯ જગ્યાઓની અધ્ધરતાલ પડેલી ભરતી તાકીદે પૂર્ણ કરવા કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુતની આગેવાનીમાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.
આ અંગે કોંગ્રેસ દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશને ડિસેમ્બર -૨૦૨૩ મા બહાર પાડેલી જુનિયર ક્લાર્ક, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસિસ્ટન્ટ સહિતની પદોની ખાલી પડેલ ૨૧૯ ની જગ્યાઓ ભરતી બહાર પાડવાની જાહેરાત કરી હતી. જેમા આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી છેલ્લી નિર્ધારીત તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમા અંદાજીત ૫૦,૦૦૦થી વધુ ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.
આ ભરતી માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ,કેટેગરી મુજબની ફોર્મની ફી સહિત નિયમો મનપા દ્વારા નક્કી કરવામા આવેલા હતા પરંતુ તે બાદ પરીક્ષા ક્યારે લેવાશે એ સ્પષ્ટતા ત્યારથી માંડી અત્યાર સુધી કરવામા આવી નથી જે બાબતને લઈને આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતની અંતમા જણાવ્યુ કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ નામદાર હાઇકોર્ટની ટકોર બાદ ફાયરવિભાગની પણ ૫૦૦ થી વધુ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે ત્યારે એ પ્રક્રિયા પણ વહેલી તકે શરૂ કરવી જોઈએ અને ઉપરોક્ત ૨૧૯ ની જગ્યાઓની ભરતી બાબતને ગંભીરતાથી લઇ તે પ્રક્રિયા આગળ વધારીને તાકીદે પારદર્શકતાથી પરીક્ષા યોજીને ભરતી પૂર્ણ કરવી જોઈએ જેથી મનપાને લાયકાત ધરાવતા નવા કર્મીઓ મળે અને જેમને લીધે વહિવટી બાબતોના કામોમા લોકોને ખુબ સરળતાઓ પડશે.
(3:51 PM IST)










