News of Wednesday, 23rd October 2024
રવિવારે ભજનીકલ નાટક ‘માધાની મેડી'
ગુજરાત સંગીત નાટક અકાદમીના સહયોગથી નવતર પ્રયોગ : ફિલ્મ અભિનેતા મયુર સોનેજી સહીત ૧૦૦ થી વધુ કલાકારો કલાના કામણ પાથરશે : જેસલ જાડેજા, સતદેવીદાસ, અમરમાં, ગંગાસતી, મીરાબાઇ સહીતના પાત્રો મંચ પર જીવંત થશે : નાટક દરમિયાન ભજન અને નૃત્યની લાઇવ પ્રસ્તુતી : શો નિઃશુલ્ક પણ રજીસ્ટ્રેશન જરૂરી :પદ્મશ્રી હેમંત ચૌહાણ મુખ્ય અતિથિ : ગીતાબેન ચૌહાણ કર્ણપ્રિય ભજનનું રસપાન કરાવશે

રાજકોટ તા. ૨૩ : ગુજરાત સંગીત અકાદમીના સહયોગથી આગામી તા. ૨૭ ના રાજકોટના આંગણે નવતર પ્રયોગરૂપે ભજનીકલ નાટક ‘માધાની મેડી' રજુ થવા જઇ રહ્યુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલાકારોની ટીમે જણાવ્યુ હતુ કે ‘માધાની મેડી' નાટક જરા હટકે તૈયાર થયુ છે. જેમાં દર્શકો લાઇવ ભજનનો આસ્વાદ માણી શકશે. ર.૪૦ મીનીટના આ નાટકમાં વિઠ્ઠલ તીડી, સૈયર મોરી, કસુંબો, સમંદર જેવી ફિલ્મોમાં અભિનય આપી ચુકેલ મયુર સોનેજીની સાથે ૧૦૦ કલાકારો કલાના કામણ પાથરશે.
નવી પેઢી આપણા આધ્યાત્મિક વારસાને જોવે જાણે અને સમજે તેવા આશય સાથે આ નાકમાં જેસલ જાડેજા, મીરાબાઇ, કહળસંગ, ગંગાસતી, પાનબાઇ, અમરમા, સતદેવીદાસ, સાર્દુળ ખુમાણ, ગુરૂ જેરામ ભારતી જેવા પાત્રોને મંચ પર જીવંત કરાશે.
ત્રણ રજવાડાનો ટુંકો પરિચય પણ આ અઢી કલાકના નાટક દ્વારા આપવાનો ખુબ સરસ પ્રયાસ થવા જઇ રહ્યો છે. કૃષ્ણના માધ્યમથી આખી વાત રજુ કરવા પુરી ટીમે ખુબ મહેનત ઉઠાવી છે.
આ ટીમમાં પ તો બાળ કલાકારો કામ કરી રહ્યા છે. વળી નવી વાત એ છે કે આ ૧૦૦ કલાકારોની ટીમમાં ૯૫ ટકા તો એવા કલાકારો છે જે સૌપ્રથમવાર મંચ પ્રવેશ કરવા જઇ રહ્યા છે.
જે પાત્રો સ્ટેજ ઉપર આવ્યા હોય તેઓજ પોતાના કંઠે આપણા પ્રાચીન ભજનની લાઇવ રજુઆત કરશે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે પદ્દમશ્રી ભજનીક હેમંત ચૌહાણને નિમંત્રિત કરાયા છે. તેમના દિકરી ગીતાબેન ચૌહાણ પણ ભજનની પ્રસ્તુતી કરશે.
શ્રીમતી મિતાલી મયુર સોનેજી અને મયુર અરવિંદભાઇ સોનેજી દ્વારા આયોજીત આ નવતર પ્રયોગ દરમિયાન ડો. હર્ષાબેન ઠકકરના નેતૃત્વ હેઠળ ૨૦ દીકરીઓ નૃત્ય રજુ કરી નવો રસ ઉમેરશે.
‘માધાની મેડી' શીર્ષકતળેના આ નાટકમાં માધાકાકાની ભુમિકા ખુદ મયુર સોનેજી ભજવશે. તો કહળસંગના પાત્રને મયુરભાઇ ચૌહાણ, જેસલ જાડેજાના પાત્રને આર.જે. અજય, સત્તદેવીદાસના પાત્રને હર્ષલ માંકડ, અમરમાના પાત્રને સ્વરા ઓઝા, ગંગાસતીના પાત્રને હેમાદ્રી મહેતા, મીરાબાઇના પાત્રને વીદીતા શુકલા ન્યાય આપશે.
નાટકના રાઇટર તરીકેની સેવા દિવ્યેશભાઇ સાગઠીયાએ અને કો-ડીરેકટર તરીકેની સેવા કુંતલ શુકલ નિભાવી રહ્યા છે.
તા. ૨૭ ના રવિવારે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે આયોજીત આ નાટક શો વિનામુલ્યે છે. પરંતુ એ માટે વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન રાખેલ છે. રસ ધરાવતા કલાપ્રેમીઓ મો.૭૬૯૮૯ ૯૧૪૯૯ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મયુર સોનેજી, મયુરભાઇ ચૌહાણ, આર.જે. અજય, હર્ષલ માંકડ, સ્વરા ઓઝા, દિવ્યેશભાઇ સાગઠીયા, કુંતલ શુકલ, નિલેશ શીશાંગીયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)
(2:30 PM IST)










