<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

શહેરની અંદર હેલ્‍મેટની જરૂર જ નથી, આ નિર્ણય ટુવ્‍હીલરના ચાલકો માટે ખુબ ત્રાસરૂપઃ સવજી ફળદુ

પ્રધાનમંત્રી, કલેક્‍ટર, પોલીસ કમિશનરને વિસ્‍તૃત લેખિત રજૂઆત કરી યોગ્‍ય કરવા માગણી કરી

રાજકોટ તા. ૨૩: સરકારી કર્મચારીઓને હેલ્‍મેટ પહેરવાનું હાલમાં ફરજીયાત થયું છે અને પોલીસ રોજબરોજ સરકારી કચેરીઓના ગેઇટ પાસે ગોઠવાઇ જઇ દંડ પણ ફટકારવા માંડી છે. આગામી દિવસોમાં શહેરીજનો માટે પણ હેલ્‍મેટ ફરજીયાત થઇ જવાની પુરી શક્‍યતા જણાઇ રહી છે આ વચ્‍ચે બાબરીયા કોલોની શેરી નં. ૩માં રહેતાં જાગૃત નાગરીક સવીજીભાઇ સી. ફળદુએ શહેર પોલીસ કમિશનર, જીલ્લા કલેક્‍ટર અને પ્રધાનમંત્રી કાર્યાવલ ન્‍યુ દિલ્‍હી ખાતે લેખિત રજૂઆત કરી જણાવ્‍યું છે કે રાજકોટ સીટીની અંદર હેલ્‍મેટ પહેરવાનો કાયદો મરજીયાત બનાવો, નેશનલ હાઇવે ઉપર હેલ્‍મેટ પહેરવું ફરજીયાત બનાવો. તેમજ હળવા ભારે વાહનો રાતે એલઇડી-સફેદ લાઇટવાળા વાહનો લઇને નીકળે છે તે બંધ કરાવો.

ફળદુએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે શહેરની અંદર તેમજ શેરીઓમાં વાંકાચુંકા, સાંકળા પહોળા અને ખાડા ખરબચડાવાળા ભાંગેલા તુટેલા રસ્‍તાઓ છે. અહિ પગપાળા હલનચલન કરતાં હોય તો પણ રોદા આવે છે. ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા, નળ વાલ્‍વ ચેમ્‍બર કુંડીના ઢાંકાણઓ ઉંચાનીચા હોય છે. ટ્રાફિક પોલીસ, કોર્પોરેશનની મંજુરી વગર ગમે ત્‍યાં આરસીસી પાકા સ્‍પીડબ્રેકર બનાવી લેવામાં આવે છે. આવા રસ્‍તાઓ પર આમ પણ સ્‍પીડથી વાહનો ટુવ્‍હીલરો ચલાવી શકાય તેમ નથી. હેલ્‍મેટ સાથે વાહન હંકારવા મુશ્‍કેલીરૂપ છે. વળી કોઇને ઉઠમણા બેસણામાં જવાનું હોઇ, સ્‍મશાન યાત્રામાં જવાનું હો, ઇમર્જન્‍સીમાં હોસ્‍પિટલે જવાનું થાય કે પછી દર્શે જવાનું હોઇ, કોઇ પ્રસંગમાં જવાનું હોય, બીમાર સગા સંબંધીને ટીફીન આપવા જવાનું હોય, શોપીંગ માટે કે પછી કોઇપણ સ્‍થળે જવાનું હોઇ ત્‍યારે ટુવ્‍હીલર સાથે હેલ્‍મેટને સાચવવું ખુબ મુશ્‍કેલ છે.

ઉનાળમાં તો ચાલીસ બેતાલીસ કે તેથી વધુ ડીગ્રીમાં હેલ્‍મેટ પહેર્યુ હોય તો માણસની હાલત બગડી જાય છે, ગુંગણામણ અને પરસેવો વળી જાય છે. ગરીબ મધ્‍યમ વર્ગના લોકોના હેલ્‍મેટ ચોરાઇ જાય તો તેમને આર્થિક મુશ્‍કેલીઓ પણ વેઠવી પડશે. હેલ્‍મેટ ફરજીયાતનો આ નિયમ ત્રાસરૂપ લાગે છે. અધિકારીઓ, પદાધીકારીઓ સહિતના ફોરવ્‍હીલરમાં એસી ગાડીઓમાં ફરે છે એટલે ટુવ્‍હીલર ચાલકોની તકલીફ તેમને ન સમજાય.

ફળદુએ આગળ કહ્યું છે કે માત્ર ટુવ્‍હીલર ચાલકો માટે જ કાયદા કાનુન બનાવી અમલ કરાવવા ધમપછાડા થાય છે. કોઇ દિવસ રસ્‍તા પર જઇને ટુવ્‍હીલર ચાલકને પુછ્‍યું છે કે હેલ્‍મેટ પહેર્યા પછી કેવી કેવી તકલીફો થાય છે? ટુવ્‍હીલર ચાલકોની મજબુરીનો ફાયદો ઉઠાવ કાયદાઓ બનાવી દંડના નામે લૂંટ ચલાવાય તે યોગ્‍ય નથી. જો કે નેશનલ હાઇવે પર ટુવ્‍હીલર ચાલકો માટે હેલ્‍મેટ ફરજીયાત હોય તે જરૂરી છે. આ નિયમનું ઉલંઘન કરનારા સામે ચોક્કસ કાયદેસર પગલા લેવા જોઇએ. પરંતુ શહેરની અંદર હેલ્‍મેટ યોગ્‍ય નથી.  હેલ્‍મેટનો કાયદો લાવતા પહેલા હેલ્‍મેટ માટે ફ્રી લોકર સહિતની સુવિધાઓ પણ ઉભી કરવી જરૂરી છે. અગાઉ વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે હેલ્‍મેટ પહેરવામાંથી મુક્‍તિ અપાઇ હતી.

ફળદુએ વાહનોમાં એલઇડી-સફેદ લાઇટનું ચલણ વધ્‍યું હોઇ તેના કારણે સામેના વાહનચાલકની આંખ અંજાઇ જતી હોઇ અકસ્‍માતો વધી ગયાનું જણાવી યોગ્‍ય કરવા રજૂઆત કરી છે.

(2:33 PM IST)