News of Wednesday, 23rd October 2024
ડીસીબી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આરએમસી મુખ્ય,ઝોનલ કચેરી, માર્ગ મકાન વિભાગ, જીઇબી ખાતે હેલ્મેટ ડ્રાઇવઃ ૫૭૯ કેસ
પ્રજાજનો ઉપર શહેરમાં હેલ્મેટના કેસ શરૂ થવાની સાથે જ વિરોધ વંટોળ તેજ બનવાના અણસાર

રાજકોટઃ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર જાહેર થયા બાદ બે દિવસથી શહેરની સરકારી, અર્ધ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વારે જ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવે છે અને હેલ્મેટ વગર આવનારા કર્મચારીઓ તેમજ અરજદારોને પણ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે. તે અંતર્ગત આજે અલગ અલગ કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી ૫૭૯ કેસ કરી હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓને દંડ ફટકારાયો હતો. આજે ટ્રાફિક પોલીસ દ્વારા સેક્ટર-૧ની ટીમે આરટીઓ ઓફિસ, જીલ્લા માર્ગ મકાન વિભાગ યાજ્ઞિક રોડ ખાતે રોકડ કેસ ૫૦, ઇ ચલણ ૭૧, ડ્રાઇવ કેસ ૧૨૧ કરી અનુક્રમે ૨૨૮૦૦, ૩૪૫૦૦, ૫૭૩૦૦નો દંડ વસુલાયો હતો. જ્યારે સેક્ટર પીએસઆઇ એસ. એન. રાઠોડ, પીએસઆઇ એસ. એમ. સૈયદ, આર. એસ. પરમારની ટીમે ડીસીબી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી રોકડના ૩૭ કેસ કરી રૂા. ૧૨૧૦૦નો દંડ, ઇ-ચલણના ૧૮ કેસ કરી ૮૬૦૦ દંડ વસુલી કુલ ૫૫ કેસ કર્યા હતાં. સેક્ટર-૩ની ટીમ દ્વારા મહાનગર પાલિકા કચેરી આત્મીય કોલેજ સામે, મહાનગર પાલિકા કચેરી પીડીએમ પાસે, આરએમસી કચેરી ઢેબર ચોક ખાતે ડ્રાઇવ યોજી ડ્રાઇવ કેસ-૮૩, રોકડ કેસ ૩૯, ઇ-ચલણના ૪૪ કેસ કરી ૪૦૯૦૦, ૧૫૯૦૦ અને ૨૫૦૦૦નો દંડ વસુલ કર્યો હતો. તેમજ ટ્રાફિક શાખા પુર્વ વિભાગ દ્વારા દૂધસાગર રોડ જીઇબી ઓફિસ, આરએમસી પુર્વ ઓફિસ, પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ બી. આર. પરમાર, આઇ. આઇ. કટીયા, સી. એસ. વાછાણીની ટીમોએ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, ઇન્ચાર્જ એસીપી વી. જી. પટેલની રાહબરીમાં આ કામગીરી કરી હતી. જ્યારે પણ શહેરમાં ફરજીયાત હેલ્મેટની ડ્રાઇવ શરૂ થઇ છે ત્યારે તેનો હમેંશા વિરોધ થતો આવ્યો છે. આગામી સમયમાં શહેર વિસ્તારમાં પ્રજાજનો પર હેલ્મેટના કેસ કરવાની શરૂઆત થતાં જ આગેવાનો, સંસ્થાઓ તેમજ ટુવ્હીરલચાલકો દ્વારા વિરોધ વંટોળ તેજ બને તેવા અણસાર હોવાની ભારે ચર્ચા છે.
(3:36 PM IST)










