News of Wednesday, 23rd October 2024
રાજકોટના ઓડિયન્સ સામે તૈયારી વિના ન ગવાયઃ દેવાંગ દવે, મયુરી સોની, પાર્થો પ્રતીમ
આજે રચાશે બીગ-બી અને બપ્પી લહેરીનાં ગીતોની રંગોળી * આજે રાત્રે ૯-૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે આર. ડી. ઇવેન્ટસ દ્વારા લાજવાબ કાર્યક્રમ * સુપરહિટ ગીતો છવાશે * ગીત, લીરીકસ, રચનાને સમજી ઓતપ્રોત થવાથી ગીતમાં થ્રો આપમેળે આવશે * આજના નવા ગીતોની લાઇફ એક મહિનો છેઃ દેવાંગ

રાજકોટ તા.૨૩: ‘નયે અંદાજ કે સાથ સંગીત કી મહેફીલ' શિર્ષક હેઠળ આજે રાજકોટમાં રાત્રે ૯:૩૦ કલાકે હેમગઢવી ઓડિટોરીયમ ખાતે આર.ડી. ઇવેન્ટસ દ્વારા અમિતાભ બચ્ચન અને બપ્પી લહેરીના ગીતોનો અદભુત કાર્યક્રમ યોજાવા જઇ રહયો છે. જેમાં સુરતના પ્રખ્યાત ગાયક વોઇસ ઓફ કિશોર કુમાર દેવાંગ દવે, અમદાવાદના વર્સેટાઇલ ગાયિકા મયુરી સોની તથા ગુજરાતમાં રાજકોટ ખાતે પ્રથમવાર કાર્યક્રમ આપવા ખાસ કોલકતાથી આવેલા અને બપ્પી લહેરી તથા ઉષા ઉત્થુપના અવાજમાં ગીતો ગાતા પાર્થો પ્રતીમ આજે અકિલાના મહેમાન બન્યા હતા અને સંગીતમઢી વાતો કરી હતી.
પ્રખ્યાત ગાયક દેવાંગ દવેએ જણાવ્યું હતું કે જયારે પણ રાજકોટ આવુ ત્યારે શો માટે આવુ છું એવું લાગતુ જ નથી. સુરતની જેમ રાજકોટ મારૂ બીજુ ઘર જ છે. રાજકોટ જવાનું થાય એટલે અકિલા યાદ આવે અને રાજકોટની નોલેજેબલ ઓડિયન્સ યાદ આવે. અહિં ખુબ પ્રેમાળ અને દિલ ખોલીને વખાણ કરતી ઓડિયન્સ છે. દેવાંગભાઇ જયારે સ્ટેજ પર આવે ત્યારે ખીલી ઉઠે છે. તેઓ કહે છે, રાજકોટ સાથે કંઇક લેણું છે. અહિંની પબ્લીક મારી તાકાત છે.
કિશોરકુમારનો અવાજ ખુબ ઘેઘુર અને મઢેલો અવાજ છે તેના અવાજમાં ગાવું તમારા માટે કંઇ રીતે શકય બને છે! આના માટે મારૂ માનવું છે કે દરેકના શરીરમાંથી અવાજનો થ્રો અલગ રીતે નીકળે છે. આના માટે દરરોજ પ્રાણાયમ કરવું પડે. પ્રાણાયમ કરવાથી છાતી મજબુત થશે. અને ગાયકોએ વ્યસન રાખવાનું જ નથી. ઉપરાંત ગીતને સમજો લીરીકસ સમજો, રચનાને સમજી ઓતપ્રોત થવાથી થ્રો આપમેળે આવશે. ખાસ બીજી વાત એ કે ગીતો મોઢે ગાવ કારણ મોઢે ગાવાથી આઇ કોનટેકટ ઓડિયન્સ સાથે થવો જરૂરી છે. જેથી એક તાકાત મળે છે.
ઉલ્લેખનીય છે કે, દેવાંગભાઇને ૫૦૦થી ૭૦૦ ગીતો મોઢે છે. દેવાંગભાઇ કહે છે હું ચોકકસ કહીશ કે જયારે પણ કોઇ કલાકાર આવે ત્યારે તૈયારી વિના ન આવો લોકો અહિં એક-એક શબ્દ સાંભળે છે. અહિં ખુબ શાર્પ લીસનર છે.
દેવાંગભાઇ કહે છે, મને કિશોરદાનું પોડલીંગ ખુબ પસંદ છે. ઉપરાંત એમની થ્રોટલ દબાવીને ગાવાની છટા મને પસંદ પડે છે.
જયારે કોલકતાથી ગુજરાતમાં પહેલીવાર રાજકોટ આવેલા વર્સેટાઇલ ગાયક પાર્થો પ્રતીમે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર આવ્યો છું એટલે ટેન્સન છે, કોશીશ કરીશ કે બંગાળમાં જેમ પર્ફોમ કરૂ છું તેમ અહિં કરીશ મને સંગીતમાં ૨૫ વર્ષ થયા મેં ગુરૂ રાજકુમાર રોય પાસે સંગીત શિખ્યું છે. હું જયારે ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારે લોકોએ મને કહયું કે, તારો અવાજ બપ્પીદા જેવો છે. તેના ગીતો ગાવ મારે પણ કંઇક અલગ જ કરવું હતું. એટલે મેં બપ્પીદાના અવાજમાં ગીતો ગાવાના શરૂ કર્યા.
આજે પાર્થો પ્રતીમ બપ્પી લહેરી ઉપરાંત ઉષા ઉત્થુપ તથા આશા ભોંસલે અને લતાજીના અવાજમાં પણ ગીતો ગાય છે. તેઓ કહે છે, મને આશાજીના ગીતો વધુ પસંદ છે. કારણ તેમના ગીતોમાં વર્સેટાલીટી છે. તેમનાં દરેક ગીતોમાં હરકત પણ અલગ હશે. મને શ્રેયા ઘોષાલના ગીતો પણ ગમે છે.
જયારે અમદાવાદનાં વર્સેટાઇલ ગાયિકા મયૂરીબેન સોનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મારૂં આલ્બમ ‘ગોપાલ મારો પારણિયે જુલે રે...' આવ્યું છે. જેને લોકોએ ખુબ પસંદ કર્યુ છે. રાજકોટમાં આ પહેલા પણ પર્ફોમ કર્યુ છે. આમ પણ રાજકોટ મારા પિતાનું નેટીવ છે. રાજકોટ સાથે મારી યાદો છે. આજના આખા શોમાં ડિફરન્ટ વોઇસ છે. લતાજી-આશાજી તથા રીચા શર્માનાં ગીતો પણ છે. રાજકોટમાં વધુ સંગીતપ્રેમીઓ છે. આજે બપ્પીદા અને અમિતાભ બચ્ચનનાં ગીતો સાથે લોકોને નવું જ સાંભળવા મળશે.
રીમીકસ વિશે ગાયકોએ જણાવ્યું કે, સાહિર લુધિયાનવી, આનંદ બક્ષી, ગુલઝાર, અનજાન વગેરે જેવા ગીતો લખનારા હતાં. પહેલા જેવી રચના હવે ગાયબ થઇ ગઇ છે. રહેમાન જેવા ગણ્યા ગાંઠયા સંગીતકારો આજે છે બાકી આજનાં નવા ગીતોની લાઇફ એક મહિનો છે. આથી રેટ્રો જરૂરી છે.
રાજકોટ ખાતે આજે રાત્રે ૯:૩૦ કલાકે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે આર.ડી. ઇવેન્ટસનાં રાકેશભાઇ પોપટ અને પરેશભાઇ પોપટ દ્વારા આયોજન કરાયું છે. જેમાં ગાયકો દેવાંગ દવે, મયુરી સોની તથા પાર્થો પ્રતીમ શ્રોતાઓને ડોલવાશે. આજે બીગ-બી અને બપ્પી લહેરીના સુપરહીટ ગીતોની રમઝટ બોલશે. જેમાં જામનગરના સંગીતકાર રાજ રાણાનું સંગીત રહેશે. જયારે હિતેશ ઢાંકેચા રીધમની જમાવટ કરશે. કાર્યક્રમનું સંચાલન તેજશ શીશાંગીયા કરશે. ટીકીટ અને વધુ માહીતી માટે ૯૭૨૪૪ ૮૧૦૧૦ અને બુક માયશો પરથી ટીકીટ બુક કરી શકાશે.
બપ્પીદાનાં ગીતોનો કાર્યક્રમ રાજકોટવાસીઓને ચોક્કસ ગમશે
આજે રાજકોટમાં હેમુ ગઢવી ઓડિટોરીયમ ખાતે બપ્પી લહેરી અને અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલ ગીતોનો અનોખા કનસેપ્ટવાળો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. બપ્પીદાનાં ગીતો લોકોને ગમે છે જયારે પાર્થોને યુ-ટયુબ પર સાંભળ્યા ત્યારે બપ્પી લહેરીની નજીકનો તેનો અવાજ લાગ્યો એટલે એમને રાજકોટ બોલાવ્યા. બપ્પીદાનાં પોતાનાં ગાયેલા ગીતો લોકો ત્રણ કલાક સાંભળે તો કંટાળી જાય. આથી મિથુન ચક્રવર્તીનાં છ ગીતોની મેડલી ઉપરાંત બપ્પીદા અને બીગ-બી ને ભેગા કરી આખો કાર્યક્રમ ડિઝાઇન કર્યો છે. જેમાં ર૭ જેટલા ગીતો રજૂ કરાશે. લોકો જૂમી ઉઠે તેવા ગીતોથી આજની સાંજ ખીલી ઉઠશે.
બાર સ્ટ્રીંગનાં ગીટારનો પહેલીવાર પ્રયોગ...
આજે રાજકોટમાં આર. ડી. ઇવેન્ટસ દ્વારા આયોજીત અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલા અને બપ્પી લહેરીનાં સંગીતવાળા ગીતોનો અનોખા કનસેપ્ટવાળો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ગાયક દેવાંગભાઇ દવેએ જણાવ્યું હતું કે, ફિલ્મ મહાનનાં એક ગીત ‘જીધર દેખું તેરી તસ્વીર...' ગીતમાં બપ્પીદાએ બાર સ્ટ્રીંગનાં ગીટારનો અદ્્ભૂત પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે છ સ્ટ્રીંગનું ગીટાર અને બેઇઝ ગીટાર ચાર સ્ટ્રીંગનું હોય જયારે આ ગીતમાં બાર સ્ટ્રીંગનાં ગીટારનો પ્રયોગ કરાયો છે. જે આજે રાજકોટનાં કાર્યક્રમમાં સંગીતકાર જામનગરનાં રાજ રાણા પણ કરશે. જે લોકો માટે નવો પ્રયોગ બની રહેશે.
(3:42 PM IST)










