News of Wednesday, 23rd October 2024
ધાર્મિક દબાણો દુર કરવાથી છેટા રહેજોઃ તંત્ર વાહકોએ બોંબ ફોડયો
પ્રજાના પ્રતિનિધિઓ ધગ્યાઃ શાસક પક્ષની મ્યુનિસિપલ કમિશનર સાથે મેરેથોન ચર્ચા

રાજકોટઃ તા. ૨૩ દિવાળીના તહેવારને ગણતરીના જ દિવસોની વાર છે ત્યાં હેલમેટ પહેરવા લોકોમાં નારાજગી ઉપરાંત મનપા તંત્ર દ્વારા નડતરરૂપ ધાર્મિક બાંધકામો તોડી પાડવા હીલચાલ થતા પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા મ્યુ. કમિશ્નર સાથે મિટીંગ યોજી કોઇ કાર્યવાહી ન કરવા જણાવી દેવામાં આવ્યું છે.
મનપાના આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી તથા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઇ સાથે ૪૫ મીનીટ હેલમેટ બાદ નડતરરૂપ ધાર્મિક બાંધકામો દુર કરવા અંગે મેરેથોન ચર્ચા કરી હતી.
ચર્ચા દરમિયાન પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા મુખ્ય રોડ પરના નડતરરૂપ ધાર્મિક બાંધકામો જરૂર પડે તો જ દુર કરવા અને શેરી- ગલીના બાંધકામો હાથ ન અડાવવા સ્પષ્ટપણે જણાવી દેવાયાનું પણ જાણવા
મળ્યું છે. મ્યુ. કમિશ્નરે પણ હરહંમેશની જેમ જોઇ લેશું તેવો જવાબ આપ્યો હતો. ઉપરાંત ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ લલુડી વોકળાની મિલ્કતો પણ ન તોડવા મ્યું. કમિશ્નરને પત્ર પાઠવ્યો હતો.
મ્યુ. કમિશનર સાથેની બેઠક બાદ શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી અને સ્ટે. ચેરમેન જયમીન ઠાકર વચ્ચે સ્ટેન્ડીંગની એન્ટી ચેમ્બરમાં બેઠક થઇ હતી. જો કે તેમાં આગામી દિવસોમાં આ મુદ્્ે શું કરવું એ જ ચર્ચા થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે તંત્ર અને તંત્રવાહકો વચ્ચે પાકતી ખીચડીનો સ્વાદ કેવો હશે તે આવનાર સમયમાં જ જાણવા મળશે.
(4:14 PM IST)










