<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

દિવાળી પહેલાંના છેલ્લા રવિવારે તેજીઃ બજારો-મોલ્‍સમાં માનવ મેહરામણ ઉમટયું

તૈયાર વસ્ત્રો, પગરખાં, ઇલેકટ્રોનિકસ ઉપકરણો, ઘરને સુશોભન કરવાની ચીજ વસ્‍તુઓ, મીઠાઇ, મુખવાસ, કોડિયા, સાથીયા સહિતની ચીજ વસ્‍તુઓની ખરીદી છેલ્લી ઘડીએ નિકળી હતી

રાજકોટ,તા. ૨૮: શહેરમાં દિવાળી પર્વને ધામધુમથી ઉજવવા માટે શહેરીજનોમાં ભારે ઉત્‍સાહ છે. દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે શહેરના હાર્દ સમા વિસ્‍તારમાં ગ્રાહકોની ભારે ગીરદી જોવા મળી હતી. ગ્રામ્‍યવિસ્‍તારના ગ્રાહકો પણ શહેરમાં ખરીદી કરવા માટે ઊમટી પડતાં નાગરિકોને ચાલવાની જગ્‍યા પણ મળી ન હતી. આવી જ સ્‍થિતિ શોપિંગ મોલ્‍સમાં જોવા મળી હતી.

બજારોમાં તો એવા પણ દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા કે, વેપારીઓ દુકાનો સવારે ખોલે તે પહેલાં જ ગ્રાહકો પહોંચી ગયા હતા. સામાન્‍ય રીતે દસથી અગિયાર વાગ્‍યાની વચ્‍ચે દુકાનો ખુલતી હોય છે, પણ દિવાળી પૂર્વેનો છેલ્લો રવિવાર હતો તેથી ગામ્‍ય વિસ્‍તારના ગ્રાહકો તો વહેલી સવારથી જ બજારમાં જોવા મળ્‍યા હતા.બીજી તરફ છેલ્લા બે - ત્રણ દિવસથી તો રાત્રે ૧૧ થી ૧૨ વાગ્‍યા સુધી દુકાનો ગીરદી જોવા મળી હતી. તૈયાર વસ્ત્રો, પગરખાં, ઈલેક્‍ટ્રોનિક્‍સ ઉપકરણો, ઘરને સુશોભન કરવાની ચીજ વસ્‍તુઓ, મીઠાઈ, મુખવાસ કોડિયા, સાથીયા સહિતની ચીજ વસ્‍તુઓની ખરીદી છેલ્લી ઘડીએ નિકળી હતી. બીજી તરફ વેપારીઓએ ઘણી જગ્‍યાએ ભાવ વધારીને પાછળથી સેલ ડિસ્‍કાઉન્‍ટની સ્‍કીમ હોવાનું જણાવીને તેમનો માલ વેચી દીધો હતો.

છેલ્લી ઘડીએ પગાર અને બોનસ મળતાં નાગરિકો સપરિવાર બજારમાં ખરીદી માટે ઊમટી પડયા હતા. દુકાનોમાં પણ પગ મુકવાની જગ્‍યા ન હોવાથી ફેરિયાઓ પાસેથી ઘણાને ખરીદી કરવાની ફરજ પડી હતી. રજાનો દિવસ હોવાથી લોકો પરિવાર સાથે સવારથી જ ખરીદી કરવા નીકળી પડ્‍યા હતા. આના કારણે રસ્‍તાઓ પર પણ ટ્રાફિક વધ્‍યો હતો અને પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટમાં પણ ગીરદી જોવા મળી હતી.

વેપારીઓએ જણાવ્‍યું કે, તહેવારો હોવાથી નોકરિયાત વર્ગને વહેલો પગાર મળ્‍યો છે. આ સાથે જ ઘણી કંપનીઓમાં બોનસ પણ મળ્‍યા છે તેના કારણે હવે આવતા ત્રણ-ચાર દિવસ સારી ખરીદી રહેશે. મધ્‍યમ વર્ગમાં સારો ઉત્‍સાહ છે. કપડા, ઘર સજાવતની વસ્‍તુઓ તેમજ ઈલેક્‍ટ્રોનિક્‍સ વસ્‍તુઓ વેચાતી દુકાન, દરેક જગ્‍યાએ સારી ભીડ છે. મધ્‍યમ વર્ગના લોકો ફેસ્‍ટીવલ શોપિંગ માટે સરેરાશ ૧૦,૦૦૦ સુધીના બજેટમાં ખરીદી કરી રહ્યા છે જયારે ઉચ્‍ચ મધ્‍યમ વર્ગ ઈલેક્‍ટ્રોનિક્‍સ આઈટમો અને મોબાઈલ કે ગેજેટ્‍સ જેવી વસ્‍તુઓમાં વધારે ખર્ચ કરે છે.

ફરસાણ અને મીઠાઈના વેપારીઓએ જણાવ્‍યું કે, તહેવારો માટે રવિવારથી મીઠાઈની ખરીદી નીકળી છે. આ ઉપરાંત કંપનીઓ તરફથી પણ તેમના કર્મચારીઓને આપવા માટે મીઠાઈના ઓર્ડર મળી રહ્યા છે. આગામી દિવસોમાં ઘરાકી ઓર વધશે અને દિવાળીની રાત સુધી લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી કરશે. મીઠાઈમાં કાજુકતરી, મોહનથાળ, મિક્‍સ મીઠાઈ બોક્‍સની ડીમાંડ વધુ રહે છે.

(9:46 AM IST)