News of Monday, 28th October 2024
રામવન પાસે શેડની દિવાલ લોડર ચાલકની બેદરકારીથી તૂટી પડતાં મજૂર મા-દિકરાના મોત
ટ્રેકટર ચાલક અને લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયોઃ ત્રણ મહિના પહેલા એમપીથી પેટીયુ રળવા આવેલા સંજય મોહનીયાએ પત્નિ-એક વર્ષનો પુત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૮: શહેરના આજી ડેમ વિસ્તારમાં રામવન પાછળ સુરભી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રવિવારે સાંજે કરૂણ દૂર્ઘટના બની હતી જેમાં નવા બનતા કારખાનાનાં શેડની દિવાલ ધરાશાયી થતાં ત્યાં સ્તનપાન કરાવતી મુળ મધ્યપ્રદેશની મજૂર મહિલા સીમાબેન સંજયભાઈ મોહનીયા (ઉં.વ.૨૧) અને અને તેના પુત્ર સાર્થક (ઉં.વ.૧)નાં દબાઇ જતાં કમકમાટી ભર્યા મોત થયા હતાં.
બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર મુળ મધ્યપ્રદેશનો સંજય ગુડ્ડુભાઇ મોહનીયા પરિવાર સાથે ત્રણેક મહિના પહેલા મજુરી કામ કરવા રાજકોટ આવ્યો હોઇ અહિ હાલમાં તે આજીડેમ ચોકડી પાસે રામવન પાછળ આવેલા સુરભી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નવા બનતા કારખાનાનાં શેડના સ્થળે કડીયા કામની મજૂરીએ લાગ્યો હતો. તે પત્નિ, પુત્ર સહિતની સાથે આ સાઇટ પર જ રહેતો હતો. રવિવારે સાંજે પાંચેક વાગ્યાનાં અરસામાં મજૂર પરિવારની સીમાબેન તેનો એક વર્ષનો પુત્ર સાર્થક બહુ રડતો હોવાથી તેને સ્તનપાન કરાવવા માટે કામ મુકીને બાજુમાં આવેલી સાતેક ફૂટ ઉંચી બેલા-પથ્થરની ચાર પાંચ દિવસ પહેલા જ બનાવાયેલી દિવાલનાં ટેકે બેઠી હતી. આ સમયે અચાનક દીવાલ ધરાશાયી થઈને માતા-પુત્ર પર ખાબકી હતી. બંનેં કાટમાળ નીચે દબાઇ જતાં દેકારો મચી ગયો હતો.
બીજા મજૂરો અને લોકો ભેગા થઇ જતાં બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ બંનેને મૃત જાહેર કરાતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એચ. જે. સોલંકી સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં મૃતક મહિલાના પતિ સંજય ગુડ્ડુભાઇ મોહનીયાની ફરિયાદ પરથી ટ્રેકટરના લોડરનો ચાલક અને લેબર કોન્ટ્રાક્ટર વહિવટકર્તા નરેશભાઇ નારણભાઇ ચોૈહાણ (રહે. માધવ રેસીડેન્સી) વિરૂધ્ધ બેદરકારીથી કપચી ખસેડતી વખતે દિવાલને લોડરથી ધક્કો લાગતાં દિવાલ પડતાં મજુર મહિલા અને તેના માસુમ દિકરાના મોત નિપજતાં બેદરકારીનો અને સાઇટ પર સુરક્ષાના સાધનો નહિ રાખ્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં ઘટના સ્થળ અને ભોગ બનનાર મા-દિકરાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.
(12:11 PM IST)










