News of Monday, 28th October 2024
૧૦,૨૦,૫૦ની નવી નોટની ભારે ડીમાન્ડઃ બેંકોમાં જબરી અછત
રિઝર્વ બેંકનું સૌરાષ્ટ્ર-રાજકોટ પ્રત્યે ઓરમાયુ વર્તન : ૧૦ અને ૨૦ની નવી નોટોનો નહીવત જથ્થો મોકલતાં જબરી ડીમાન્ડ નીકળી

રાજકોટ, તા.૨૮: દિવાળીના દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બોનસ-બોણી માટે નવી નકકોર ચલણી નોટોની લેવડ-દેવડ કરવાની પરંપરા રહી છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકના સૌરાષ્ટ્ર પ્રત્યેના કથિત ઓરમાયા વર્તનને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના દિવસોમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦,૨૦૦ની નવી નોટ આપવામાં જાણી જોઈને કરકસર દાખવી હોવાનો વિવિધ બેંકો અને કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લીડ બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં પણ ઓછો જથ્થો આવતાં માત્ર કર્મચારીઓ અને અમુક ગણ્યા ગાંઠયા ગ્રાહકોને જ નવી નોટ આપી શકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બેંકના પેન્શનરોને નવી નોટના મામલામાં ખો આપવામાં આવતાં તેઓમાં ભારે નારાજગી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. બેંકીંગ સુત્રોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંક દ્વારા સૌથી વધુ પ૦૦ની નોટનો જથ્થો આપવામાં આવ્યો છે.
દિવાળીના દિવસો આખરમાં આવતાં અને વેપારીઓ દ્વારા હિસાબ કિતાબની પતાવટ માટે હાલ બેંકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તમામ બેંકોમાં સવારથી બપોર સુધી રોકડ સહિતના વ્યવહારો માટે ગ્રાહકોની દોડધામ પણ થતી જોવા મળી રહી છે. આ દરમ્યાન નવી નોટોએ કમઠાણ ઉભું કરતાં કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. વ્હાલા દવલાની નિતીના પણ આરોપો લાગ્યા છે. સ્ટેટ બેંકના પેન્શનરોએ પોતાની ફરિયાદ જણાવતાં કહ્યું હતું કે બેંક નવી નોટ આપવામાં પેન્શનરોને અન્યાય કરી રહી છે. બેંકમાં ૧૦ અને ૨૦ ના બાંધાઓ આવ્યા હોવા છતાં પણ બેંક અમને ધકકા ખવડાવી રહી છે. બેંકે નિવળતોને અલગ વ્યવસ્થા ગોઠવી ૧૦ અને ૨૦ ની નવી નોટ આપવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.
દરમ્યાન જાણવા મળ્યા મુજબ રિઝર્વ બેંકે સૌરાષ્ટ્રની બેંકોને ૧૦ની નોટનો નહીવત જથ્થો આપતાં આ નોટની જબરી તંગી ઉભી થઈ છે. ૧૦ની નોટની ડીમાન્ડ પણ આસમાને પહોંચી છે એવામાં છાને ખુણે કાળાબજાર થતા હોવાના પણ અહેવાલો -પ્રાપ્ત થયા છે. ૨૦,૫૦ અને ૧૦૦ની નોટની પણ ભારે ડીમાન્ડ નીકળી છે પરંતુ આ નોટનો જથ્થો પણ બેંકોમાં ઓછી આવ્યો હોવાનું બેંકના કર્મચારીઓ જણાવી રહયા છે. બેંકના કર્મચારીઓ ઓછો જથ્થો આપવા માટે રિઝર્વ બેંક પર દોષનો ટોપલો ઢોળી રહયાં છે. માત્ર ૫૦૦ની નવી નોટ જોઈએ તેટલી સંખ્યામાં મળી રહી છે. બેંકોમાં ૧૦,૨૦,૫૦,૧૦૦,૨૦૦ની નવી નોટોની ભારે અછત પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે.
અમુક સહકારી બેંકો ડાયરેકટ રિઝર્વ બેંક પાસે જઈ અલગથી જથ્થો લઈ આવતા હોવાનું જાણવા મળે છે. રાજકોટના લોકોની માંગણી છે કે રિઝર્વ બેંકે દિવાળીના દિવસોમાં નવી નોટનો પુરતો જથ્થો આપવો જોઈએ કે જેથી અછત ન રહે
(3:09 PM IST)










