News of Monday, 28th October 2024
સુરભી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેરકાયદે દિવાલ ધરાશાયીઃ પગલા લો
માતા-પુત્રના મોતઃ આર્થિક વળતર ચુકવવા સહિત મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટ,તા. ૨૮: શહેરના વોર્ડ નં. ૧૫ના સુરભી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગઇકાલ સાંજે દિવાલ ધરાશાગી થતા માતા, પુત્રના મોત થયા છે. આ બાંધકામ અંગે તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.
શહેરના વોર્ડ નંબર ૧૫ ના આજીડેમ વિસ્તારના રામવન પાછળ સુરભી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કરુણ ઘટનામાં માતા પુત્રના મોત થયા છે. લોકમુખે ચર્ચા તે વિગતો મુજબ આ દિવાલનું બાંધકામ કમ્પ્લેશન સર્ટિફિકેટ મેળવ્યા પછીનું હતું એટલે કે અનઅધિકૃત બાંધકામ ચાલી રહ્યું હતું. આ વિસ્તારમાં ના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામો અંગે વખતોવખત લેખિત મૌખિક અને રૂબરૂ ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર વાહકો દ્વારા આંખચામણા કરી અનઅધિકૃત બાંધકામોને ૨૬૦(૨) મુજબની નોટિસો આપ્યા બાદ પણ ગેરકાયદેસર બાંધકામો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કર્યો હતો.
જે દિવાલ ધરાશાયી થઈ છે અને માતા પુત્ર ના મોત થયા છે તે પરિવારને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્થિક વળતર ચૂકવવામાં આવે અને દિવાલના બાંધકામ અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે નિયમાસુર કડક કાર્યવાહી હાથ ધરી દાખલા રૂપ સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(3:16 PM IST)










