News of Monday, 28th October 2024
પારડી વીજ કચેરીમાં ચાલુ કામકાજ વચ્ચે સત્યનારાયણની કથા : વિજ્ઞાન જાથાની ટીમ ત્રાટકતા બધુ સગેવગે કરાયુ
કર્મચારીઓ ધોતિયા - ઝભ્ભા પહેરીને આવ્યા હતા : ઓફીસના ટેબલ ખુરશી મેદાનમાં ખડકાયા : પ્રજાના કામોનો ઉલાળીયો કરવો મોંઘો પડયો : જાથા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો

રાજકોટ તા. ૨૮ : અરજદારોના કામોને અવહેલી રાજકોટના પારડીની વીજ કચેરીમાં સત્યનારાયણની કથાનું આયોજન થયુ હોવાની બાતમી મળતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પુરી તપાસ કરી માહીતી એકત્ર કરી ચાલુ કથાએ ભંગ પાડયો હતો.
વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટના પારડી ગામે આવેલ વીજ કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરાયુ હતુ. ડે. ઇજનેર અને ઓફીસ સુપ્રિન્ટેન્ડટ પૂજામાં બેસવાના હતા. કર્મચારીઓ ઝભ્ભા - ધોતિયા પહેરીને આવેલા. કથાના કારણે કામકાજ બંધ હોવાની સુચનાઓ જારી કરી અરજદારોને પ્રસાદ વિતરણની વ્યવસ્થા થઇ રહી હતી. કર્મચારીઓના પરિવાર અને કોન્ટ્રાકટરોના પરિવારો હોટલમાં સાથે ભોજન લ્યે તેવી પણ ગોઠવણો કરાઇ હતી.
જાથાના ચરેમેન જયંત પંડયાએ મુખ્યમંત્રી ઉર્જામંત્રી, અગ્ર સચિવ, મેનેજીંગ ડીરેકટર, વીજ કંપની સહીતના અધિકારીઓને પત્ર પાઠવી વીજ કચેરીમાં ચાલુ ફરજે કથાના આયોજન સામે વાંધો નોંધાવ્યો હતો.
બાદમાં સ્થળ ઉપર જયા કથા ચાલુ હતી ત્યાં પહોંચતા બધા વીજ કર્મચારીઓ હાફળા ફાફળા થઇ ગયા હતા. ડે. ઇજનેરે પણ માફા માફી કરી ઉર્જા શાંત કરવા આ ધાર્મિક આયોજન કર્યાની સ્પષ્ટતા કરી હતી. તુરંત કથા બંધ રાખવા નિર્ણય જાહેર કરી જયાં સ્થાપન કરાયુ હતુ તે બધુ વિસર્જન કરી દેવાયુ હતુ.
વિજ્ઞાન જાથાએ યાદીના અંતમાં જણાવ્યુ છે કે જયાં કથાનું આયોજન કરાયુ તે કચેરીમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળેલો. પાર્કીંગની વ્યવસ્થા નહોતી. નાગરિકો માટે સુવિધામાં જરાય ધ્યાન દેવાતુ નહોતુ. ફાઇલોના થપ્પા લાગી ગયા હતા. આ બાબતે મુખ્ય કોર્પોરેટ ઓફીસમાં જાથા લેખિતમાં રજુઆત કરનાર છે. તેમ જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)એ યાદીના અંતમાં જણાવ્યુ છે.
(3:20 PM IST)










