News of Monday, 28th October 2024
મનપા કોન્ટ્રાક્ટરના ૧.૮૦ લાખના પાઇપ ચોરીનો ભેદ ખુલ્યોઃ ૪ પકડાયા
બગીચામાં રોકડ રકમનો ભાગ પાડતાં હતાં ત્યાં ભક્તિનગર પોલીસે દબોચ્યા : લોઠડાના યુવરાજસિંહ પાઇપ ચોરી મિત્રો નવાઝ, અરબાઝ મારફત અમીનને વેંચી નોટરી લખાણ કરી દીધુ હતું: પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલ, વસાવા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખોખડદળ નદીથી દેવપરા મેઇન રોડ સુધી પાઇપ લાઇન નાખવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ જેને મળ્યો હતો તે કોન્ટ્રાક્ટરે દેવપરા મેઇન રોડ શ્રમશ્રધ્ધા ચોકથી આગળ સરદાર આરોગ્ય કેન્દ્ર પાસે આ કામ માટે ડીઆઇ (ડકટાઇલ આર્યન) બીડ જેવા આશરે ૫૦૦ એમ.એમ.ના ગોળાકાર અને સાડા પાંચ મીટર લંબાઇના ૧૦ પાઇપ રાખ્યા હતાં. જેમાંથી ૨,૮૦,૦૦૦ના પાંચ પાઇપ ચોરાઇ ગયા હતાં. આ ગુનાનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી કુલ ચારને પકડી લીધા છે.
પાઇપની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસની ટીમ કામે લાગી હતી. એ દરમિયાન પીએસઆઇ જે. જે. ગોહિલ, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, કુલદિપસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી યુવરાજસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. લોઠડા વડાલીયા ફૂડ સામે) તથા તેના મિત્રો અમીન જુસબભાઇ દોઢીયા (ઉ.૪૮-રહે. મહમદી બાગ પરીન ફર્નિચર પાછળ ગોંડલ રોડ), નવાઝ યુસુફભાઇ સવાણ (ઉ.૨૬-રહે. લેઉવા પટેલ સોસાયટી-૨ જંગલેશ્વર રોડ) અને અરબાઝ અજીતભાઇ પતાણી (ઉ.૨૫-રહે. બાબરીયા કોલોની રાધાકૃષ્ણ સોસાયટી-૧)ને પટેલનગર રાજારામ મંદિર સામે બગીચામાંથી પકડી લીધા હતાં.
આ ચારેય ચોરાઉ પાઇપ વેંચ્યા બાદ તેમાંથી મળેલી રકમનો ભાગ પાડવા બગીચામાં આવ્યા હતાં અને પકડાઇ ગયા હતાં. પોલીસ તપાસમાં અમીન દોઢીયા પાસેથી નોટરી લખાણ અને વજન કર્યાની ચીઠ્ઠી મળ્યા હતાં. પુછતાછ થતાં તેણે કહ્યું હતું કે પંદરેક દિવસ પહેલા યુવરાજસિંહે પાઇપ ચોરી કરી હતી જે તેના મિત્રો નવાઝ અને અરબાઝને વેંચયા હતાં. પાંચ નંગ પાઇપના ટુકડા કરાવાયા હતાં અને અમીનના નામનું લખાણ કરાવાયુ હતું. યુવરાજસિંહ પાસેથી પાઇપ ચોરીને વેંચ્યાની રોકડ રકમ રૂા. ૧,૮૦,૦૦૦ મળી આવી હોઇ તે કબ્જે કરાઇ હતી. ઝડપાયેલા બધા છુટક કામ કરે છે. પૈસાની જરૂર હોઇ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.
અરબાઝ અગાઉ ભક્તિનગર, થોરાળા, કુવાડવા પોલીસમાં દારૂ, રાયોટીંગ, હદપાર ભંગ સહિતના પાંચ ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી, એસીપીની સુચના અનુસાર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ, પીએસઆઇ એમ. એન. વસાવા, કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલ, પ્રકાશભાઇ મકવાણા, કુલદિપસિંહ ઝાલાએ આ ડિટેક્શન કર્યુ હતું.
(4:35 PM IST)










