<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રેસકોર્ષ રીંગ રોડ પર વહેલી સવારે બેકાબૂ રેન્‍જ રોવર કાર ફૂટપાથ પર ચડી ગઇઃ એર બેગ ખુલી જતાં ત્રણનો બચાવ

ટ્રાવેલ્‍સ સંચાલક જયરાજ ચોરડીયા, ઇકબાલભાઇ લાખા આજીડેમની ઓફિસેથી રૈયા ચોકડીએ જતાં હતાં: ચાલક ભાવેશ દયાતર વિરૂધ્‍ધ ગુનો દાખલ થયોઃ બીજા બનાવમાં મવડી પોલીસ હેડક્‍વાર્ટર પાસે કાર ગોથું ખાઇ ગયાનો વિડીયો થયો વાયરલ

તસ્‍વીરોમાં મવડી પોલીસ હેડક્‍વાર્ટર પાસે અને રેસકોર્ષ રીંગ રોડ પોલીસ હેડક્‍વાર્ટર પાસે કારને અકસ્‍માત નડયા તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: શહેરમાં અમુક વાહનચાલકો બેફામ ગતિથી વાહનો હંકારી પોતાના ઉપર તો ઠીક બીજા વાહનચાલકો અને રાહદારીઓ ઉપર પણ જોખમ ઉભુ કરી દેતાં હોય છે. શહેરમાં  આવી બે ઘટના બની હતી. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયો અનુસાર એક કાર પોલીસ કમિશનરના બંગલા નજીકના રોડ પર બેકાબુ બની સર્કલમાં ચડી ગઇ હતી. તો બીજી તરફ મવડી હેડકવાર્ટર પાસે પણ એક કાર પલ્‍ટી મારી ઉંધી થઇ ગયાનો વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. જેમાં એક બનાવમાં પોલીસે કાર ચાલક વિરૂધ્‍ધ ગુનો પણ દાખલ કર્યો હતો. ચાલકનો તથા સાથે બેઠેલા ટ્રાવેલ્‍સ સંચાલક સહિત બે જણાઓ એરબેગ ખુલી જવાને કારણે બચાવ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ હેડક્‍વાર્ટરના ગેઇટ સામે સર્કલ પાસે  આજે વહેલી સવારે જીજે૦૧ડબલ્‍યુપી-૮૭૭૫ નંબરની રેન્‍જ રોવર કારનો ચાલક બેફામ સ્‍પીડે નીકળતા કાબુ ગુમાવતાં હેડ કવાર્ટરના સર્કલ વચ્‍ચે આ ગાડી ચડી ગઇ હતી. જેના કારણે કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.  રેસકોર્ષ રીંગ રોડ પર વહેલી સવારથી મોર્નિંગ વોકર્સ ઉમટી પડતાં હોય છે. સદ્દનસિબે આ અકસ્‍માતમાં કોઇને પણ ઇજા થઇ નહોતી. પ્ર.નગર પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસે આ બનાવમાં ઘંટેશ્વર ગામ નજીક મછોનગરમાં રહેતાં મુળ જામનગરના બજરંગપુરા ગામના વનતી અને શ્રીમારૂતિ ટ્રાવેલ્‍સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અને આ કારમાં જ બેઠેલા જયરાજભાઇ ખીમજીભાઇ ચોરડીયા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી કારના ચાલક ભાવેશ રણમલભાઇ દયાતર વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૨૮૧, ૧૮૪, ૧૭૭ મુજબ બેદરકારીથી કાર હંકારી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય એ રીતે કાર હંકારવાનો ગુનો નોંધ્‍યો હતો.

જયરાજભાઇ ચીરોડીયાએ જણાવ્‍યું હતું કે સવારે હું અને મારી સાથે નોકરી કરતાં ઇકબાલભાઇ અબ્‍દુલભાઇ લાખા તથા ડ્રાઇવર તરીકે નોકરી કરતા ભાવેશ રણમલભાઇ દયાતર અમારી આજીડેમ પાસે આવેલી ઓફિસે હાજર હતાં. ત્‍યાંથી અમારી મેઇન બ્રાંચ રૈયા ચોકડીએ હોઇ ત્‍યાં જવાનું હોઇ રેન્‍જ રોવર ગાડી લઇને નીકળ્‍યા હતાં. હું અને ઇકબાલભાઇ બેઠા હતાં. જયારે ગાડી ભાવેશ ચલાવતો હતો. સવારે પોણા પાંચેક વાગ્‍યે રેસકોર્ષ રીંગ રોડ પોલીસ હેડક્‍વાર્ટરના ગેઇટ સામે પહોંચતા ભાવેશે કાબુ ગુમાવતાં ગાડી સર્કલની ફૂટપાથ પર ચડી ગઇ હતી અને એરબેગ ખુલી જતાં અમને કોઇને ઇજા થઇ નહોતી. પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં એએસઆઇ સી. જે. ઝાલાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કારને બહાર કાઢવા જેસીબી બોલાવવી પડી હતી.

બીજો એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં મવડી પોલીસ હેડક્‍વાર્ટર નજીક એક કાર પલ્‍ટી ગયાનું કહેવાય છે. જો કે આ અંગે કોઇ ફરિયાદ થઇ નથી.

(4:42 PM IST)