<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

દિવાળીની ખરીદી કરવા નીકળેલા સોંદરડાના મનસુખભાઇ બગથરીયાનું પુત્ર રવિભાઇના બાઇકમાંથી પટકાતાં મોત

કેશોદ જતી વખતે બનાવઃ આગળના વાહનચાલકે ઓચીંતી બ્રેક મારતાં રવિભાઇએ પણ બ્રેક મારતાં પાછળ બેઠેલા ૬૫ વર્ષિય પિતા પડી જતાં ગંભીર ઇજાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૯: દિવાળીના તહેવારને ઉજવવા ઠેર ઠેર સોૈ કોઇ તૈયારી કરી ચુક્‍યા છે. આવા સમયે જો કોઇ પરિવારના મોભી, સદસ્‍યની વસમી વિદાય થઇ જાય તો તહેવારની ખુશી માતમમાં પલ્‍ટાઇ જાય છે. કેશોદના સોંદરડા ગામના વૃધ્‍ધ દિવાળીની ખરીદી કરવા માટે પુત્રના બાઇક પાછળ બેસીને કેશોદ જતાં હતાં ત્‍યારે કેશોદમાં દિકરાના વાહનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ સોંદરડા ગામે રહેતાં મનસુખભાઇ રણછોડભાઇ બગથરીયા (ઉ.વ.૬૫) ગઇકાલે સવારે દસેક વાગ્‍યે દિવાળીના તહેવારની ખરીદી કરવાની હોઇ જેથી પુત્ર રવિભાઇ (ઉ.વ.૩૩) સાથે તેના બાઇકમાં બેસીને કેશોદ આવ્‍યા હતાં. કેશોદમાં બાંધન પીપળા નજીક પહોંચ્‍યા ત્‍યારે ટ્રાફિક હોઇ આગળના વાહન ચાલકે ઓચીંતી બ્રેક મારતાં રવિભાઇએ પણ બ્રેક લગાવી હતી. આ વખતે પાછળ બેઠેલા પિતા મનસુખભાઇએ બેલેન્‍સ ગુમાવતાં તે નીચે પડી ગયા હતાં.

આ કારણે તેમને માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં કેશોદ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી જુનાગઢની હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રે દમ તોડી દેતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર મનસુખભાઇ બગથરીયા વાળંદ કામ કરી પરિવારને મદદરૂપ થતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મોભીના મૃત્‍યુથી બગથરીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જરૂરી કાર્યવાહી કરી કેશોદ પોલીસને જાણ કરી હતી.

(2:02 PM IST)